રાજકોટ
News of Friday, 20th May 2022

યોગેશ પટેલનું પત્‍નિ મિતલના મામા સહિતે સુરતથી અપહરણ કરાવ્‍યું: રાજકોટ લાવી છૂટાછેડા આપી દેવા કહી બેફામ ફટકારી પેટ્રોલ છાંટયું

પડધરીના ખાખડાબેલાના પટેલ યુવાનને ચાર વર્ષ પહેલા રાજકોટમાં કારખાનામાં સાથે કામ કરતી વખતે ભરવાડ યુવતિ સાથે પ્રેમ થયો હતોઃ એક વખત ભાગ્‍યા, છુટા પડયાઃ બીજી વખત ૨૧ દિ' પહેલા કોર્ટમેરેજ કરી કામરેજ જતા રહ્યા હતાં : યુવતિ મિતલના મામા લાખા ગોલતર, તેની સાથેના ભુપત, જીવણ, સંજય અને કામરેજથી અપહરણ કરી વડોદરા હાઇવે સુધી મુકી ગયેલા અજાણ્‍યા પાંચ શખ્‍સો વિરૂધ્‍ધ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યોઃ ક્રાઇમ બ્રાંચે ૪ આરોપીને પકડયા : સરપંચ યુવરાજસિંહ જાડેજાને જાણ થતાં જ યુવાનના પિતાની સાથે રાજકોટ પહોંચી સારવાર માટે ખસેડયો : યોગેશે છૂટાછેડાના કાગળોમાં સહી ન કરતાં આડેધડ ફટકાર્યોઃ બાદમાં તેના પિતાને ફોન કરી કહ્યું-તારા દિકરાને લઇ જા નહિતર જીવતો નહિ રહેઃ છેલ્લે યોગેશને બજરંગવાડી પાસે બેભાન મુકી બધા ભાગી ગયા : પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ સી. એમ. ચાવડા અને નગીનભાઇ ડાંગરની બાતમી પરથી ૪ આરોપી પકડાયા

રાજકોટ તા. ૨૦: પડધરીના ખાખડાબેલાના વતની ૨૨ વર્ષના પટેલ યુવાનને તે ચાર વર્ષ પહેલા રાજકોટ રહેતો  હોઇ કારખાનામાં સાથે કામ કરતી ભરવાડ યુવતિ સાથે પ્રેમ થઇ જતાં બંનેએ ભાગીને આજથી ૨૧ દિવસ પહેલા જામનગરમાં કોર્ટ મેરેજ કરી લીધા હતાં અને સુરતના કામરેજ ખાતે રહેવા જતાં રહ્યા હોઇ યુવતિના મામા સહિતના શખ્‍સોએ આ બંને પતિ-પત્‍નિનું અપહરણ કરી રાજકોટ લાવી બજરંગવાડી વિસ્‍તારમાં લઇ જઇ યુવાન પર પેટ્રોલ છાંટી બેફામ મારકુટ કરી છૂટાછેડાના કાગળોમાં સહી કરી દેવાનું કહી ધમકી આપતાં અને બાદમાં તેણીની પત્‍નિને સાથે લઇ યુવાનને ત્‍યાં જ બેભાન છોડી દેતાં આ બનાવ પોલીસ સુધી પહોંચતા પોલીસે નવ જણા સામે ગુનો નોંધ્‍યો છે. જે પૈકી ૪ આરોપીઓને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે મુળ પડધરીના ખાખડાબેલાના વતની અને હાલ સુરતના કામરેજના માનસરોવર સોસાયટી બ્‍લોક નં. ૨૦૨ ત્રીજા માળે રહેતાં અને છુટક મજૂરી કામ કરતાં યોગેશ રામજીભાઇ ભુત (પટેલ) (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી રાજકોટના લાખા બધાભાઇ ગોલતર, ભુપત રાજુભાઇ ભરવાડ, જીવણ લખમણભાઇ ભરવડા, સંજય ભરવાડ અને અજાણ્‍યા પાંચેક શખ્‍સો વિરૂધ્‍ધ આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૪૨, ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્‍યો છે.

યોગેશ ભુતે પોલીસને જણાવ્‍યું છે કે હું એકાદ અઠવાડીયાથી મારી પત્‍નિ મિતલ સાથે રહુ છું અને મજૂરી કરુ છું. મારા પિતા રામજીભાઇ ભવાનભાઇ ભુત તથા માતા ભાવનાબેન ખાખડાબેલા ગામે રહે છે. ચારેક વર્ષ પહેલા હું રાજકોટ આજી જીઆઇડીસીમાં આવેલા અમન ઓર્નામેન્‍ટ નામના કારખાનામાં કામ કરતો હતો ત્‍યારે મિતલ રઘુભાઇ ગમારા (ભરવાડ) પણ કામે આવતી હોઇ અમારી વચ્‍ચે ઓળખાણ થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. અમે બંને લગ્ન કરવા ઇચ્‍છતા હોઇ તા. ૨૮/૨/૨૨ના રોજ ઘરે કોઇને કહ્યા વગર કામરેજ જતાં રહ્યા હતાં.

એ પછી મિતલના પિતા રઘુભાઇ, મામા લાખાભાઇ, મારા પિતા રામજીભાઇ સહિતનાક ામરેજા આવ્‍યા હતાં અને ત્‍યાંની કઠોર પોલીસ ચોકીએ અમને લઇ જવાયા હતાં. જ્‍યાં સમાધાન બાદ મિતલને તેના પિતાને સોંપી દેવાઇ હતી અને હું મારા પપ્‍પા સાથે ખાખડાબેલા આવી ગયો હતો. આજથી એકાદ મહિના અગાઉ મિતલનો ફરીથી ફોન આવ્‍યો હતો અને કહ્યું હતું કે હું તારા વગર રહી શકતી નથી, મારે તારી સાથે જ લગ્ન કરવા છે, તું મને અહિથી લઇ જા. આ પછી ૨૩/૪ના રોજ હું અને મિતલ ઘરેથી નીકળી ગયા હતાં. રાજકોટ બસ સ્‍ટેશનથી જામનગરના નાઘેડી ગામે ગયા હતાં. ત્‍યાં રોકાયા બાદ તા. ૨/૫ના રોજ જામનગર ખાતે કોર્ટ મેરેજ કરી લીધા હતાં અને ૧૧/૫ના રોજ કામરેજ માનસરોવર સોસાયટીમાં રહેવા જતાં રહ્યાં હતાં.

યોગેશે વધુમાં જણાવ્‍યું હતું કે ગુરૂવારે ૧૯/૫ના સવારે પાંચ વાગ્‍યે હું અને મિતલ કામરેજ ખાતે અમારા ઘરે હતાં ત્‍યારે કોઇએ જોર જોરથી દરવાજો ખખડાવ્‍યો હતો. મેં દરવાજો ખોલતાં ચાર શખ્‍સો અંદર ઘુસી આવ્‍યા હતાં અને મને જેમ ફાવે તેમ ઝાપટો મારવા માંડયા હતાં. એ પછી મિતલને ફલેટમાંથી ખેંચી નીચે ઉતારી નંબર પ્‍લેટ વગરની આઇ-૨૦ કારમાં બેસાડી દીધી હતી. મને પણ કારમાં બેસાડી દીધો હતો. આ શખ્‍સોને મેં અમને ક્‍યાં લઇ જાઓ છો? તેમ પુછતાં એક જણે કહેલું કે વડોદરા લઇ જવાના છે, ત્‍યાંથી રાજકોટવાળા તમને લઇ જશે.

ત્‍યારબાદ વડોદરા નેશનલ હાઇવે પર પહોંચતા સફેદ સ્‍વીફટ આવી હતી. મને અને મિતલને આ કારમાં બેસાડી દેવાયા હતાં અને અજાણ્‍યા ચાર જણા આઇ-૨૦ લઇ નીકળી ગયા હતાં. સ્‍વીફટ કારમાં મિતલના મામા લાખા બધાભાઇ ગોલતર અને ત્રણ અજાણ્‍યા શખ્‍સો હતાં. આ ચારેયે મને રસ્‍તામાં ધમકી આપી હતી કે રાજકોટ જઇને છુટાછેડાના લખાણમાં સહી કરી નાંખજે નહિતર જીવતો નહિ રહેવા દઇએ. બે શખ્‍સે મને ઝાપટો મારી હતી અને કોણીથી માર માર્યો હતો. બપોરે બે વાગ્‍યે રાજકોટ બજરંગવાડી પોલીસ ચોકી સામે આવેલી હોટેલની બાજુની શેરીમાં અમને લઇ જવાયા હતાં. ત્‍યાં મારા અને મિતલના છુટાછેડાના લખાણના કાગળો લઇને બે જણા આવ્‍યા હતાં. મિતલના મામાએ તેમાં સહી કરવાનું કહેતાં મેં ના પાડતાં મને ફરીથી આડેધડ ઢીકાપાટુ માર્યા હતાં.

ત્‍યારબાદ મિતલના મામાએ બીજા ચાર જણાને બોલાવ્‍યા હતાં. આ લોકો પાસે લાકડી, પાઇપ જેવા હથીયાર હતાં. જેમાં ભુપત ભરવાડ, જીવણ ભરવાડ, સંજય ભરવાડ હોવાનું મિતલે મને કહ્યું હતું. ત્‍યારબાદ મને ફરીથી માર મારી એક શખ્‍સે મારા ઉપર કોઇ પ્રવાહી છાંટી દીધુ હતું. ત્‍યારબાદ લાખાભાઇએ ફરીથી છૂટાછેડાના કાગળો પર સહી કરવાનું કહી મારા પિતાને ફોન જોડયો હતો અને કહેલું કે તારા દિકરાને અહિથી લઇ જા નહિતર જીવતો નહિ રહેવા દઇએ. એ પછી આ શખ્‍સો મિતલને લઇને જતાં રહ્યા હતાં.

મને ભારે મારકુટને લીધે મુંઢ ઇજાઓ થઇ હોઇ હું બેભાન જેવો થઇ ગયો હતો. થોડીવાર પછી મારા પિતા અમારા ગામના સરપંચ યુવરાજસિંહ અનોપસિંહ જાડેજા, કુલદિપસિંહ, મહેન્‍દ્રસિંહ, ધર્મેન્‍દ્રસિંહ સહિતના આવી ગયા હતાં અને મને દવાખાને લઇ ગયા હતાં. સિવિલમાં સારવાર લીધા બાદ જીનેસિસ હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. ત્‍યાંથી રજા અપાતાં ફરિયાદ નોંધાવવા પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો હતો.

મેં મિતલ સાથે પ્રેમલગ્ન કર્યા હોઇ તે તોડાવી નાંખવાના ઇરાદે તેણીના માતા લાખાભાઇ સહિતનાએ મારુ અને મિતલનું અપહરણ કરી રાજકોટ લાવી મને બેફામ લાકડી-ઢીકાપાટુનો માર મારી પેટ્રોલ છાંટી મારી નાખવાની ધમકી આપી હતી અને મારી પત્‍નિ મિતલને લઇ ગયા હતાં. તેમ વધુમાં યોગેશ ભુતે જણાવતાં યુનિવર્સિટી પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એમ. આર. ઝાલા સહિતે ગુનો નોંધ્‍યો છે.

આ બનાવમાં પોલીસ કમિશનશ ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળા અને ટીમે તુરત તપાસ શરૂ કરી ટીમો કામે લગાડતાં પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ સી. એમ. ચાવડા, કોન્‍સ. નગીનભાઇ ડાંગરને બાતમી મળતાં મોટા મવા ગામ નજીકથી ચાર આરોપી લાખા બધાભાઇ ગોલતર (ભરવાડ) (ઉ.૫૦), જીવણ લખમણભાઇ ગોલતર (ઉ.૨૮) (રહે. બંને લક્ષ્મીનો ઢોળો મોટો મવા), ભુપત રાજુભાઇ ગોલતર (ઉ.૨૮-રહે. મોટા મવા માલધારી ચોક) અને સંજય સીદાભાઇ ગોલતર (ઉ.૨૨-રહે. મોટા મવા રામજી મંદિર પાસે)ને પકડી લઇ યુનિવર્સિટી પોલીસને સોંપવા તજવીજ કરી હતી. આ ટીમ સાથે હેડકોન્‍સ. ઉમેદભાઇ ગઢવી, હેડકોન્‍સ. પ્રદિપસિંહ જાડેજા, કોન્‍સ. પ્રદિપસિંહ પણ જોડાયા હતાં.

(3:13 pm IST)