રાજકોટ
News of Monday, 20th May 2019

શુધ્ધ પાણી વિતરણનાં તંત્રનાં દાવા ખોખલાઃ ૧૦ દિ'માં ગંદા પાણીની ૭૦૦ ફરીયાદોઃ કોંગ્રેસ

ફીણવાળુ પ્રદુષીત પાણી પીવાલાયક છે તેવું કહેનારા અધિકારીઓ ગંદા પાણીની ફરીયાદો ઉકેલેઃ જાગૃતીબેન ડાંગરની મ્યુ. કમિશ્નરને રજુઆત

રાજકોટ, તા., ૨૦: શહેરમાં વોર્ડ નં. ૧૩ સહીત અનેક વિસ્તારમાં ફીણવાળુ પ્રદુષીત પાણી વિતરણ થઇ રહયાના આક્ષેપ સાથે કોંગ્રેસનાં કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરે બે દિવસ અગાઉ પુનીતનગર પાણીના ટાંકા પર હલ્લાબોલ કર્યુ હતું. તે વખતે અધિકારીઓએ આ પાણી પીને પાણી શુધ્ધ હોવાનો દાવો કરેલ પરંતુ તંત્રનો આ દાવો ખોખલો હોવાની રજુઆત જાગૃતીબેન મ્યુ. કમિશ્નરને કરી છે અને જણાવ્યું છે કે શહેરમાં ગંદા પાણીની ૭૦૦ જેટલી ફરીયાદો છે.

રજુઆતમાં જાગૃતીબેને જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષમાં પાણીના કેટલા સેમ્પલ લેવામાં આવ્યા? અને કેટલા પાસ થયા અને કેટલા ફેલ થયા રાજકોટના તમામ ટાંકાની સફાઇ કયારે કરવામાં આવી? અને હાલ શું પરિસ્થિતિ છે તેની સંપુર્ણ માહીતી તંત્ર જાહેર કરવી જોઇએ.

તેઓએ આ અંગે જણાવ્યું છે કે રાજકોટની જનતા સામે મેયર કહે છે કે રાજકોટમાં ગંદા પાણીની ફરીયાદ છે જ નહી તો છેલ્લા ૧૦ દિવસમાં ૭૦૦ ઉપર ફરીયાદ ખાલી કોલ સેન્ટરમાં નોંધાઇ છે. આના ઉપર અંદાજ લગાવી શકો એક વર્ષમાં કેટલી હશે? માટે સાચા આંકડા રાજકોટની જનતાને આપો નહીતર રાજકોટની જનતાની માફી માંગો તેવી માંગ જાગૃતીબેન ડાંગરે ઉઠાવી છે.

(4:23 pm IST)