રાજકોટ
News of Monday, 20th May 2019

પૂ.રક્ષિતાજી મ.સ.ની કાલે વડી દીક્ષા યોજાશે

ગોંડલ સંપ્રદાયના ગૌરવવંતા રત્ન પૂજય રાજગુરૂભગવંતના શુભ સાંનિધ્યમાં જૈન દીક્ષા મહોત્સવ સાદાઈ પૂર્વક સંપન્ન થયેલ

રાજકોટ,તા.૨૦: ગોંડલ સંપ્રદાયના 'જશ' પરિવારના સ્વ.પૂજય ગુરૂદેવ શ્રી પ્રેમમુનિ મહારાજસાહેબના શિષ્યરત્ન આગમ અર્કદર્શક ચારિત્રનિષ્ઠ બા.બ્ર.પરમ પૂજય ગુરૂદેવ શ્રી રાજેશમુનિ મ.સા. તથા પૂજયશ્રીના સુશિષ્યો આદિ ઠાણા- ૫ તેમજ પૂજયશ્રીના આજ્ઞાનુવર્તી 'હીરલ ગુરૂણી' પરીવારના સુદીર્ધ સંયમ સ્થવીરા ગુરૂણીભગવંત બા.બ્ર.પરમ પૂજય શ્રી પુષ્પાબાઈ મહાસતીજી ભગવંત આદિ ઠાણા-૧૪ તથા ધર્મદાસ સંપ્રદાયના તપસ્વીરાજ પૂજય શ્રી કાનમુનિજી મહારાજસાહેબના આજ્ઞાનુવર્તી બા.બ્ર.પરમ પૂજય શ્રી ચંપાબાઈ મહાસતીજી ભગવંત આદિ ઠાણા-૫ના શુભ સાંનિધ્યમાં રત્નકુક્ષીણી મુમુક્ષ શ્રી રેખાબેન પ્રવિણચંદ્ર દેસાઈએ તા.૧૫ના મંગલ દિવસે અનંત ઉપકારી 'પૂજય રાજગુરૂભગવંત'ના પાવન- પવિત્ર મુખારવિંદથી દીક્ષા ગ્રહણ કરી ગોંડલ સંપ્રદાયના 'જશ' પરિવારના ગુરૂદેવ સ્વ.પૂજય શ્રી પ્રેમમુનિ મહારાજસાહેબના શિષ્યરત્ન 'પૂજય રાજગુરૂભગવંત'ના આજ્ઞાનુવર્તી 'હિરલ ગુરૂણી' પરિવારના સંયમ સ્થવીરા ગુરૂણીભગવંત બા.બ્ર.પરમ પૂજયશ્રી પુષ્પાબાઈ મહાસતીજી ભગવંતના સુશિષ્યા પરમ પૂજય શ્રી રક્ષિતાજી મહાસતીજી ભગવંત બનેલ.

વીર માતા દીક્ષાર્થીને શ્રી ઋષભદેવ સ્થા.જૈન સંઘ, રાજકોટના આંગણે શાશ્વત એપાર્ટમેન્ટના પરિસરમાં કોઈપણ પ્રકારના આડંબર કે આરંબ- સમારંભ વગર, ખૂબ જ સાદગી તથા જૈન શાસનના અનમોલ મૂલ્યોની ગરિમા તેમજ ગૌરવ જાળવી માઈક, લાઉડ સ્પીકર, લાઈટ, પંખા, મોબાઈલ, કેમેરા, વિડિયોગ્રાફી વગર ગામોગામથી પધારેલ શ્રી સંઘોના અનેક આગેવાનો, શ્રેષ્ઠીઓ, શાસન સેવકો તથા સેંકડો શ્રાવક- શ્રાવિકાજીઓની ઉપસ્થિતિમાં વિશિષ્ટ વૈરાગ્યપૂર્ણ વાતાવરણમાં વિજય મુહૂર્તે જૈન ભગવતી દીક્ષા 'કરેમી ભંતે'નો મહામંગલકારી પાઠ અનંત ઉપકારી 'પૂજય રાજગુરૂભગવંતે' ભણાવેલ આ સાથે જ ભગવાન મહાવીર સ્વામી તથા જૈન શાસનના જય- જયકારથી સમગ્ર સંયમમય વાતાવરણ ગુંજી ઉઠેલ.

રત્નકુક્ષિણી માતુશ્રી શ્રી રેખાબેન પ્રવિણચંદ્ર દેસાઈએ બન્ને સંતનોને પહેલાં જ જૈન શાસનને અર્પણ કરેલ છે. પુત્રરત્ન શ્રી તેજસભાઈ હાલ બા.બ્ર.પરમ પૂજય શ્રીતત્વજ્ઞમુનિ મહારાજસાહેબ તથા પુત્રીરત્ન શ્રી મિતલબેન હાલ બા.બ્ર.પૂજય શ્રી મિતજ્ઞાજી મહાસતીજી રૂપે 'રાજગુરૂકુળ', 'જશ' પરિવાર, ગોંડલ સપ્રંદાય તથા સમગ્ર જૈન શાસન શોભાયમાન કરી રહ્યા છે.

નવદીક્ષિત પરમ પૂજય શ્રી રક્ષિતાજી મહાસતીજી ભગવંતની વડી દીક્ષા (છેદોપસ્થાપનીય ચારિત્ર) ગ્રહણ વિધિ કાલે તા.૨૧ને મંગળવારના શુભ દિવસે શ્રી  ઋષભદેવ સ્થા.જૈન સંઘના આંગણે શાશ્વત એપાર્ટમેન્ટ, પારસ સોસાયટીમાં સવારે ૮:૩૦ કલાકથી શરૂ થશે. વડી દીક્ષામાં જૈન શાસનના ગૌરવવંતા પૂજય રાજગુરૂભગવંત સાધકે અરિહંત ભગવાની આજ્ઞા મુજબ કેવું જીવન જીવવું, મોક્ષમાર્ગની વિશિષ્ટ આરાધના કેવી રીતે કરવી અને શું- શું ન કરવું આદિનું વિસ્તૃત વર્ણન ખૂબ જ સામાન્ય ભાષામાં સર્વેને સમજાય તેવી અદ્દભુત અને અનુપમ શૈલીમાં ફરમાવશે. શ્રી સંઘે સર્વ સંયમપ્રેમી ભાઈઓ- બહેનોને આ સર્વોત્તમ તથા દિવ્ય પ્રસંગનો લાભ લેવા આમંત્રણ આપેલ છે.

(4:21 pm IST)