રેસકોર્ષમાં ચબુતરા પાસે રાત્રે ધમાલઃ ટ્રાફિક જામ કલીયર કરાવતાં યુવાનને છરીથી છરકો
હુમલાખોરો ભગવતીપરા તરફના હોવાની ચર્ચાઃ બાઇક મુકીને ભાગી જતાં તેના આધારે તપાસ
રાજકોટઃ વેકેશનના માહોલમાં ખાસ કરીને શનિ અને રવિવારે લોકો રેસકોર્ષ ખાતે ફરવા માટે ઉમટી પડતાં હોઇ છે. ગત રાત્રે રેસકોર્ષમાં ચબુતરા પાસે ભારે ગિર્દી હતી. આ વખતે બે યુવાનો બાઇક પર બહુમાળી ભવન તરફના ગેઇટમાંથી બહાર નીકળી રહ્યા હતાં ત્યારે ત્યાં ખુબ જ ટ્રાફિક જામ થયો હોઇ પાછળ બેઠેલા યુવાને નીચે ઉતરી ટ્રાફિક કલીયર કરાવવા પ્રયાસ કર્યો હતો. એ વખતે એક બાઇક પર ત્રણ શખ્સો વચ્ચે આવતાં તેને થોડીવાર સાઇડમાં રહેવાનું કહેવાતાં ત્રણેય ઉશ્કેરાઇ ગયા હતાં અને તું કોણ રોકવા વાળો? તેમ કહી ટ્રાફિક કલીયર કરાવી રહેલા યુવાનને ધોલધપાટ શરૂ કરી દીધી હતી. તેમજ એક શખ્સે તેના બાવડા પર છરી કે કોઇ હથીયારથી છરકો કરી દીધો હતો.
સરાજાહેર ધમાલ મચી જતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. ભીંસ વધતા ડખ્ખો કરનારા શખ્સો ભાગી ગયા હતાં. પોલીસને જાણ થતાં ગાડી પહોંચી હતી. તે વખતે પોલીસને એક હોન્ડા રેઢુ મળ્યું હતું. આ હોન્ડા ડખ્ખો કરનારા પૈકીનું કોઇનું હોવાની શકયતાએ તપાસ શરૂ કરવામાં આવી છે. આ શખ્સો ભગવતીપરા તરફ રહેતા હોવાની ચર્ચા થતી હોઇ પ્ર.નગર પીએસઆઇ કે.ડી. પટેલ અને મહેશભાઇએ પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં તપાસ હાથ ધરી છે. તસ્વીરમાં માથાકુટનો વિડીયો વાયરલ થયો હતો તેના દ્રશ્યો જોઇ શકાય છે.