રાજકોટ
News of Monday, 20th May 2019

મમતા દીદીએ વિશાલના પીએમ અને એનઓસી માટે તાબડતોબ વ્યવસ્થા કરી આપીઃ હાર્દિક ખડેપગે રહેલ

હાર્દિક પટેલ રાજકોટમાં ૨ દિવસ લલીતભાઇ કગથરા પરિવાર સાથે રહેશે

કોંગ્રેસના યુવા અગ્રણી અને પાસના સુપ્રિમો શ્રી હાર્દિક પટેલ આજે બપોરે ૧ વાગે રાજકોટ આવી રહયા છે. તેઓ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અને પડધરી-ટંકારાના ધારાસભ્ય શ્રી લલીતભાઇ કગથરાને સાંત્વના આપવા આવી રહયા છે.

શ્રી હાર્દિક પટેલ આખો દિવસ લલીતભાઇ સાથે જ રહેવાના છે. આવતીકાલ સુધી શ્રી હાર્દિક પટેલ રાજકોટ ખાતે જ રોકાણ કરશે અને લલીતભાઇના પરિવાર સાથે રહેશે.

પાસના કન્વીનર શ્રી બ્રિજેશ પટેલે જણાવેલ કે લલીતભાઇના પુત્ર ચિ. વિશાલના અકસ્માત સમયે શ્રી હાર્દિક પટેલ કોલકતા જ હતા.  ત્યાંથી ૨૫૦ કિ.મી. દુર આ ગમખ્વાર બનાવ બન્યો હતો.

અકસ્માત બાદ ચૂંટણી અને મતદાનને કારણે પોસ્ટ મોર્ર્ટમ કરવામાં, એનઓસી આપવામાં ભારે વિલંબ સર્જાય તેવુ હતુ.

દરમિયાન કોલકતા ખાતે શ્રી હાર્દિક પટેલને જાણ થતા તેમણે તુરત જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તૃણમુલ સુપ્રીમો મમતા બેનરજીને જાણ કરી મદદ માગતા મમતા દીદીએ તાત્કાલીક ડોકટરની ટીમ મોકલી હતી.  હાર્દિક પટેલ પણ પ્રચાર કાર્ય છોડી તુરત જ સ્થળ ઉપર પહોંચેલ અને પી.એમ. કરાવી એનઓસી અપાવેલ.

 એ પછી ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરાવી વિશાલના મૃતદેહને અને કુંટુબીઓને રાજકોટ મોકલવાની વ્યવસ્થા મમતાદીદીના સહકારથી શ્રી હાર્દિક પટેલે કરી હતી. આ બધી દોડધામમાં તેઓ વિમાન ચુુકી જતા વિશાલની સ્મશાન યાત્રામાં જોડાઇ શકયા ન હતા તેમશ્રી બ્રિજેશ પટેલે જણાવેલ.

આજે શ્રી હાર્દિક પટેલ અને શ્રી બ્રિજેશ પટેલ  ૧ વાગે રાજકોટ આવી સતત બે દિવસ શ્રી લલીતભાઇ કગથરાના પરીવાર સાથે રહેશે. લલીતભાઇના પ્રચારમાં પણ હાર્દિક પટેલ દંપતિએ રાત-દિવસ એક કરી નાખ્યા હતા.

(3:59 pm IST)