રાજકોટ
News of Tuesday, 20th April 2021

વિદેશમાંથી અભ્યાસ કરી વતન આવેલા ડોકટરોની કોરોના સારવાર માટે સેવા લ્યોઃ મહેશ રાજપૂત

ગુજરાતમાં આવા હજારો ડોકટરો સેવા આપવા તૈયાર થશેઃ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર પાઠવતા પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી

રાજકોટ, તા. ૨૦ :. ભારત દેશની અંદર કોરોનાની ભયંકર પરિસ્થિતિ હોય અને કોરોનાની એક લહેર ચાલતી હોય અને રોજબરોજ લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે અને આવી પરિસ્થિતિમાં ભારતના તમામ રાજ્યોમાં તબીબીઓ અને નર્સિંગ સ્ટાફની તીવ્ર અછત જોવા મળી છે ત્યારે આ અછત દૂર કરવા માટે વિદેશમાં મેડીકલ અભ્યાસ કરી અને ડોકટરી અભ્યાસ પૂર્ણ કરી આવેલા આ ડોકટરોનો ઉપયોગ કોરોના સંક્રમિત લોકોના આરોગ્યના કલ્યાણાર્થે કરવો જોઈએ તેવુ સૂચન ગુજરાત પ્રદેશ કોંંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કર્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખેલા પત્રમાં મહેશ રાજપૂતે કહ્યુ છે કે ગુજરાત જ નહી પરંતુ દેશના ઘણા રાજ્યોમાં રોજેરોજ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધી રહી છે. સરકારી તેમજ ખાનગી હોસ્પીટલો હાઉસફુલ થઈ ગયેલ છે. હોસ્પીટલોમાં બેડ ખાલી નથી અને તબીબી તથા નર્સિંગ સ્ટાફ અવિરતપણે દર્દીઓની સારવાર કરી રહ્યો છે. તબીબીઓ તથા નર્સિંગ સ્ટાફ છેલ્લા દોઢ વર્ષથી દર્દીની સેવામાં વ્યસ્ત છે અને તેને કારણે તેઓ પણ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થયા છે. તબીબના પરિવારજનો કોરોના પોઝીટીવ થઈ સારવાર લઈ રહ્યા છે આવી સ્થિતિમાં હોસ્પીટલમાં તબીબો અને નર્સિંગ સ્ટાફની પણ ખેંચ જોવા મળી રહી છે.

વધુમાં શ્રી રાજપૂતે જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર તમામને કોરોનાની સારવાર માટે બોલાવે તો તેઓ ચોકકસપણે આવવા તૈયાર થાય સરકારે આવા લોકો માટે ખાસ પ્રકારનું પેકેજ પણ જાહેર કરવુ જોઇએ. દેશની અંદર સરકારી હોસ્પિટલોમાં અને ખાનગી હોસ્પિટલમાં તેમજ મહાનગરપાલિકાની અંદર હોમિયોપેથી, આયુર્વેદિક ડોકટરોની સેવાઓ લેતા હોય ત્યારે વિદેશથી એમબીબીએસની ડીગ્રી સાથે અભ્યાસ પૂર્ણ કરી ભારત દેશમાં પરત ફર્યા હોય અને દેશના લોકોની સેવા કરવા માંગતા આવા ડોકટરોને કેન્દ્ર સરકારના આરોગ્યના કાયદામાં હાલની મહામારીને ધ્યાનમાં રાખી ફેરફાર કરી આવા ડોકટરોની તાત્કાલીક સેવાઓ લેવા કોરોનાના આ વધતાં સંક્રમણને નાથવા માટે ગંભીરતાથી આ બાબતે વિચાર વિમર્શ કરી સમગ્ર ભારત દેશના અને ગુજરાત રાજયના નાગરીકોના હિતમાં પગલા તાત્કાલીક લેવા માંગ કરી છે.  અંતમાં મહેશ રાજપૂતે કહયું છે કે ઇન્ડીયન મેડીકલ એસોસીએશનના અમુક હોદેદારો સાથે પણ આ અંગે વાતચીત કરેલ ત્યારે તેઓએ પણ આ સૂચનને આવકાર્યુ છે.

(4:14 pm IST)