રાજકોટ
News of Tuesday, 20th April 2021

રિક્ષાથી માંડી મોંઘીદાટ ફોર્ચ્યુનર પણ કતારમાં...ફરીથી ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં કરૂણ દ્રશ્યોઃ વાહનોમાં ઓકિસજનના બાટલા સાથે દાખલ થવાની રાહમાં દર્દીઓ

અમુકે મેદાનમાં ખાટલા ઢાળ્યાઃ દર્દીઓને તપાસવા માટે ડોકટર પણ નહિઃ એક દિવસ મેદાન ખાલીખમ્મ રહ્યા બાદ મોડી રાતથી ફરીથી દર્દીઓનો ધસારો થતાં તંત્ર ઉંધામાથે

રાજકોટઃ કાળમુખા કોરોનાની ક્રુરતા અટકતી જ નથી. સતત રોજેરોજ દર્દીઓ વધી રહ્યા છે અને ટપોટપ મોતને પણ ભેટી રહ્યા છે. શહેરની સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ થવા રાજકોટ ઉપરાંત આસપાસના ગામોમાંથી સતત દર્દીઓ આવી રહ્યા હોઇ તેમને દાખલ કરવા માટે રીતસર વાહનોની લાંબી લાંબી લાઇનો જામે છે. ગઇકાલે એક દિવસ પુરતી રાહત થયા બાદ મોડી રાતથી ફરીથી દર્દીઓની આવક વધી જતાં આજે ચોૈધરી હાઇસ્કૂલના મેદાનની અંદરથી શરૂ થયેલી કોરોના દર્દીઓ સાથેના વાહનોની લાઇન છેક બહાર મીનાબેન કુંડલીયા કોલેજ સુધી પહોંચી ગઇ હતી. રાતથી કતારમાં ઉભેલા લોકોનો સવારે પણ વારો આવ્યો નહોતો. કલાકો સુધી કતારમાં ઉભા રહેવું પડશે તેવી ખબર હોવાથી દર્દીઓના સગા ઓકિસજનના બાટલાની વ્યવસ્થા સાથે જ આવી રહ્યા છે. અહિ રિક્ષાથી માંડી ઇકો કાર અને છોટા હાથીથી માંડી મોંઘીદાટ ફોર્ચ્યુનર કાર પણ કતારમાં ઉભી રહે છે.   સવારે પચાસથી વધુ એમ્બ્યુલન્સ, ખાનગી  વાહનો સવારે કતારમાં હતાં. અમુક વાહનોમાં ખાટલા સાથે દર્દીઓને લાવવામાં આવ્યા હોઇ આવા ખાટલા મેદાનમાં જ ઢાળી દઇ દર્દીઓને સાથે લાવવામાં આવેલી બોટલમાંથી ઓકસીજન આપવાનુ ચાલુ રખાયું હતું. એકાદ દર્દીની હાલત મેદાનમાં વધારે બગડી ગઇ હતી. એક યુવાન ઉલ્ટીઓ કરવા માંડતા તેના સગા ચિંતામાં મુકાઇ ગયા હતાં. અહિ દર્દીઓની હાલત બગડે તો તેને તપાસવા માટે પણ ડોકટર ઉપલબ્ધ ન હોઇ લોકોની હાલત દયનીય બની હતી. સવારે કતારમાં ઉભેલા લોકોને પોતાનો વારો કયારે આવશે એ પણ ખબર નહોતી. શહેરની લગભગ તમામ ખાનગી હોસ્પિટલો હાઉસફુલ છે. સિવિલ હોસ્પિટલ તો ઘણા દિવસથી ફૂલ થઇ ગઇ છે. છતાં અહિ દર્દીઓનો ધસારો સતત ચાલુ રહે છે. અહિથી દર્દીને એન્ટ્રી બાદ સમરસ, કેન્સર હોસ્પિટલ સહિતની અલગ અલગ હોસ્પિટલોમાં પણ ટ્રાન્સફર કરવામાં આવે છે. તસ્વીરોમાં એક દર્દીની હાલત બગડતાં તેની મદદ કરી રહેલા સ્વજન, ઓકિસજનના બાટલા સાથે વાહનના ઠાઠામાં દર્દી, ઇકો કારમાં ઓકિસજન લઇ રહેલા મહિલા, મોંઘીદાટ કાર દર્દી સાથે કતારમાં અને મેદાનમાં ખાટલા ઢાળી દર્દીને ઓકિસજન અપાઇ રહ્યો છે તેવા દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:16 pm IST)