રાજકોટ
News of Tuesday, 20th April 2021

રૂ. પચાસ હજારના જુદા જુદા બે ચેક રિટર્નના કેસમાં આરોપીને છ-છ માસની સજા અને વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. ર૦ : રાજકોટ શહેરમાં કોઠારીયા ગામના ગેઇટ સામે ગોલ્ડન સામે ગોલ્ડન રેસીડન્સીમાં રહેતા અને ફરીયાદી સહીતનાઓનું લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર અને જેની સામે અનેક ચેક રીટર્નના કેસો ચાલી રહેલ છે. તેવા આરોપી  આકાશ મુરલીમનોહર અગ્રવાલે ફરીયાદી વિકાસ ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર બાબુભાઇ રણછોડભાઇ રૈયાણી પાસેથી લીધેલ માલની રકમ પરત કરવા આપેલ રકમ પચાસ-પચાસ હજારના બંને ચેકો રીટર્ન થતા બંને કેસો ચાલી જતા બંને કેસો સાબિત માની રાજકોટના એડી.ચીફ જયુડી.મેજી.(આર.બી.ગઢવી) એ આરોપીને છ-છ માસની સજા તથા રૂ.પ૦,૦૦૦/-+રૂ.પ૦,૦૦૦/- ફરીયાદીને વળતર પેટે ત્રણ માસમાં ચુકવવા અને તેમા કસુર કર્યે બંને કેસોમાં વધુ છ-છ માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટ શહેરમાં ઢેબર રોડ સાઉથ, કોઠારીયા સર્વે નં.-૧૪પ, પ્લોટ નં. રપ માં વિકાસ ઇન્ડસ્ટ્રીઝના નામે પ્રોપરાઇટર દરજજે ધંધો કરતા ફરીયાદી બાબુભાઇ રણછોડભાઇ રૈયાણી પાસેથી તેજ વીસ્તારમાં એટલે કે કોઠારીયા ગામના ગેઇટ સામે ગોલ્ડન રેસીડન્સીમાં રહેતા આરોપી આકાશ મુરલીમનોહર અગ્રવાલે ઓર્ડર ફરીયાદીને આપેલ, જે ઓર્ડર મુજબનો ફરીયાદીએ માલ તૈયાર કરી આરોપીને સોંપી આપતા તે માલનું પેમેન્ટ કરવા આરોપીએ ફરીયાદી પેઢી જોગ રકમ રૂ.પ૦,૦૦૦/-+ રૂ.પ૦,૦૦૦/- ના બે ચેકો ઇસ્યુ કરી આાપી ચેકો પાસ થઇ જવા આપેલ વચન, વિશ્વાસ અને ખાત્રી મુજબ ન વર્તી ચેકો રીટર્ન થતા આરોપી વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં બે જુદી જુદી ફરીયાદો દાખલ કરવામાં આવેલ.

ઉપરોકત બંને કેસો ચાલી જતા ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુએ અદાલત સમક્ષ સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટોના ચુકાદાઓ સાથે એવી રજુઆતો કરેલ કે, ફરીયાદી દ્વારા આપવામાં આવેલ પુરાવો તથા રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવાથી વિરૂદ્ધનો પુરાવો લાવવામાં વિકલ્પે ફરીયાદીના પુરાવાનું કોગઝન્ટ એવીડન્સથી ખંડન થઇ શકે તેટલો ચુસ્ત, વિશ્વાસપાત્ર, ભરોષાપાત્ર, માનવાપાત્ર તથા પ્રિપોન્ડરન્સ ઓફ પ્રોબેબીલીટી જેટલો પુરવો રેકર્ડ પર લાવવામાં આરોપી પક્ષ નિષ્ફળ નીવડેલ છે અને બચાવ પુરવાર કરવા જાતે કે સાહેદો મારફત કે દસ્તાવેજી પુરાવાથી હકીકતો સાબિત કરી ફરીયાદીના પુરાવાનું ખંડન કરી શકેલ નથી, ફરીયાદપક્ષે જયારે પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરેલ હોય, ચેકો આપ્યાનો કે ચેકોમાં સહીનો ઇન્કાર ન હોય ત્યારે ફરીયાદી ચેકોના યથાનુક્રમે ધારણકર્તા છે તેમ માની ધારણકર્તાની તરફેણમાં અનુમાન કરવું જોઇએ વિગેરે લંબાણ પુર્વકની દલીલો કરવામાં આવેલ.

કોર્ટે રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતા ફરીયાદપક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણપણે સમર્થન મળે છે, ફરીયાદવાળા ચેકો આરોપીએ કાયદેસરના દેવાની ચુકવણી પેટે આપેલ હતા તેવી હકીકત રેકર્ડ ઉપરના પુરાવાથી પુરવાર થયેલ છે તેમજ હાલના આરોપીએ પુરતુ બેલેન્સ ન હોવા છતાં ખોટા ચેકો આપવા ટેવાયેલા હોવાનું સ્પષ્ટ જણાય છે. તેમ માની આરોપીને બંને કેસોમાં છ-છ માસની સજા ઉપરાંત બંને કેસોમાં ચેકની રકમ રૂ.પ૦,૦૦૦/+ રૂ.પ૦,૦૦/- ત્રણ માસમાં ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને તેમાં કસુર કર્યે વધુ છ-છ માસની સજા ફરમાવતો સમાચીન્હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ હતો. ઉપરોકત કામમાં ફરીયાદી બાબુભાઇ રૈયાણી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(3:12 pm IST)