રાજકોટ
News of Tuesday, 20th April 2021

હે ભગવાન... શું થવા બેઠું છે... એક દિવસ રાજકોટ સિવિલ હોસ્‍પિટલની બહાર લાઇન અદ્રશ્‍ય થયા બાદ આજે ફરી ચૌધરી હાઇસ્‍કૂલના મેદાનમાં ૧૦૦થી વધુ એમ્‍બ્‍યુલન્‍સ-ખાનગી વાહનોની કતારઃ વાહનોમાં જ સારવારઃ અંદર દાખલ થવા માટે કોરોનાના દર્દીઓનું લાંબુ વેઇટીંગઃ સ્‍થિતિ ગંભીર

રાજકોટઃ રાજ્‍યમાં કોરોના નામના વાયરસે કાળો કેર વર્તાવ્‍યો છે ત્‍યારે સૌરાષ્‍ટ્રના પાટનગર રાજકોટમાં પણ કોરોનાનો વિસ્‍ફોટ થયો હોય તેવું જણાય છે. રોજેરોજ કેસ અને મૃત્‍યુ વધી રહ્યા છે. સૌરાષ્‍ટ્રનું મુખ્‍ય મથક રાજકોટ હોવાથી સમગ્ર પ્રદેશમાંથી કોરોનાના દર્દીઓ રાજકોટ આવી રહ્યા છે. રાજકોટની તમામ ખાનગી અને સરકારી હોસ્‍પિટલો કોરોનાના દર્દીઓથી હાઉસફુલ જણાઇ રહી છે. આમ છતાં દર્દીઓનો એકધારો પ્રવાહ આવવાનો ચાલુ જ છે. ગઇકાલે એક દિવસ સિવિલ હોસ્‍પિટલની બહાર આવેલા ચૌધરી હાઇસ્‍કૂલના મેદાનમાં દર્દીઓને દાખલ કરવા માટે એમ્‍બ્‍યુલન્‍સ અને ખાનગી વાહનોની લાઇન અદ્રશ્‍ય રહ્યા બાદ આજે ફરી ૧૦૦થી વધુ એમ્‍બ્‍યુલન્‍સ અને ખાનગી વાહનો જોવા મળતા સ્‍થિતિ કેટલી હદે ગંભીર છે તે સ્‍પષ્‍ટ જણાય આવે છે. દર્દીઓને તેના સગા-વ્‍હાલાઓ પોતાના વાહનોમાં જ સારવાર આપી રહ્યા હોવાનું તસ્‍વીરમાં દેખાય છે. દર્દીઓને હોસ્‍પિટલમાં દાખલ થવા લાંબુ વેઇટીંગ લીસ્‍ટનો સામનો કરવો પડી રહ્યો છે. જ્‍યાં સુધી હોસ્‍પિટલમાં બેડ ખાલી ન થાય અને પ્રવેશ ન મળે ત્‍યાં સુધી દર્દીઓ વાહનોમાં સારવાર લેવા મજબુર બન્‍યા છે. ગઇકાલ મોડી રાતથી આ લાઇન શરૂ થઇ હોવાનું જાણવા મળે છે. દર્દીઓ ક્‍યારે પ્રવેશ મળશે ? તેની રાહમાં છે. સરકાર પણ તનતોડ પ્રયાસ કરે છે પરંતુ જે રીતે દર્દીઓનો પ્રવાહ આવી રહ્યો છે તે જોતા તંત્ર પણ ઢીલુ પડી રહ્યુ છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(10:56 am IST)