રાજકોટ
News of Saturday, 20th April 2019

દેશમાં પ્રત્યેક કલાકે ૫૪ અકસ્માતઃ ૧૭ મોત

ગાયડન્સ ફોર કોમન ટ્રાફીક રૂલ્સ એન્ડ સેફ ડ્રાઇવીંગઃ માર્ગદર્શન વાતાલાપ યોજાયોઃ રોડ સેફટીના નિષ્ણાંત જે.વી. શાહઃ દેશમાં રોજ ૧૩૩ ટુ-વ્હીલર ચાલકો, ૧૦ સાયકલ ચાલક, ૫૪ પદયાત્રીઓ માર્ગ અકસ્માતમાં અકાળે મૃત્યુ પામે છેઃ સાવધાની પૂર્વકના ડ્રાઇવીંગથી અકસ્માત થવાની સંભાવનાઓ ૮૨% સુધી ઘટાડી શકાય છે આતંકવાદી પ્રવૃતિઓથી જેટલા લોકો મરે છે તેના કરતા ૩૫ ગણા વધુ અકસ્માતોનો ભોગ બને છે ગુજરાતમાં ૨૦૧૮માં ૧ વર્ષમાં ૭૯૭૪ના અકસ્માતે મોત નિપજેલઃ રાજકોટ જિ.માં સરેરાશ રોજ ૧નું મોત થાય છે

રાજકોટ તા.૨૦ કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા જીએચસીએલ લી.સુત્રાપાડાના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે ગુજરાત રોડ સેફટી ઓથોરીટીના ચીફ એન્ફોર્સમેન્ટ ઓફીસર શ્રી જે.વી.શાહનો ''ગાયડન્સ ફોર કોમન ટ્રાફીક રૂલ્સ એન્ડ સેફ ડ્રાઈવીંગ'' એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલના ઉપપ્રમુખ શ્રી ડી.જી. પંચમીયાએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહિતી તથા વકતાનો પરિચય આપેલ હતો. કાઉન્સીલના માનદ મંત્રી શ્રી મનહરભાઈ મજીઠીયાના હસ્તે મુખ્ય વકતા શ્રી જે. વી. શાહનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરેલ હતો.

 કાર્યક્રમના મુખ્ય વકતા શ્રી જે.વી.શાહે જણાવેલ હતુ કે હાલના સમયમાં ટ્રાફીકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે અને લોકોમાં ટ્રાફીકના નિયમોની સમજણ પણ ઘટતી જાય છે. સાથે સાથે અકસ્માતો પણ વધતા જાય છે. આ બધી સમસ્યાઓના નિવારણ માટે લોકોએ પહેલ કરવાની જરૂર છે. અકસ્માતો તથા ટ્રાફીક સમસ્યાને થતી અટકાવવા માટે ગુજરાત રોડ સેફટી ઓથોરીટીની સ્થાપના કરવામાં આવેલ છે. વિશ્વમાં દર એક મીનીટમાં અકસ્માતને કારણે બે મૃત્યુ થાય છે. ૨૦૧૬ના ડબલ્યુએચઓના રિપોર્ટ અનુસાર ૩૪,૦૦૦ લોકો આંતકવાદી પ્રવૃતિઓને કારણે મૃત્યુ પામેલ, તેનાથી ૩૫ ગણા મોત રોડ અકસ્માતને કારણે થયેલ છે. ભારત દેશમાં દર કલાકે ૫૪ અકસ્માત થાય છે અને ૧૭ લોકો મૃત્યુ પામે છે. ૨૦૧૮ના વર્ષમાં ભારતમાં ૧,૪૯,૦૦૦ લોકોના મૃત્યુ માર્ગ અકસ્માતને કારણે થયેલ હતા. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮ માં ૭૯૭૪ લોકો માર્ગ, અકસ્માતમાં મૃત્યુ પામેલ હતા. રાજકોટ જીલ્લામાં માર્ગ અકસ્માતને કારણે દરરોજ એક વ્યકિતનું મૃત્યુ થાય છે. ભારત દેશમાં રોજના ૧૩૩ ટુ વ્હીલર ચાલક, ૧૦ સાયકલ ચાલક, તથા પ૪ પદયાત્રીઓના મૃત્યુ માર્ગ અકસ્માતને કારણે થાય છે. ૯૮. લોકો હેલ્મેટ નહી પહેરવાને કારણે મૃત્યુ પામે છે. સીટ બેલ્ટ નહી બાંધવાને કારણે પ૯ % લોકો મૃત્યુ પામે છે.

વકતા શ્રી જે.વી.શાહે વધુમાં જણાવેલ હતુ કે અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોમાં ૧૮ થી ૬૦ વર્ષની ઉમરના ૭૪ % લોકોનો સમાવેશ થાય છે. આપણું યુવાધન સૌથી વધારે એ અકસ્માતને કારણે મૃત્યુ પામે છે. જો આ પરિસ્થિતિમાં બદલાવ લાવવો હોય તો એક એક વ્યકિત કે કટુંબે આગળ આવવું જોઈએ. રોડ પરની નીશાનીઓમાં કાળા અને પીળા રંગના પટ્ટા દોરેલા ચિહ્રનો અકસ્માતની સંભાવના દર્શાવે છે. લાલ અને સફેદ રંગથી દોરેલા પટ્ટા અથવા લાલ અને સફેદ રંગની રીબીન બાંધેલી હોય તો તે રીપેરીંગ કામ ચાલુ છે તેમ દર્શાવે છે. રોડ પર રહેલી સફેદ રંગની તૂટક રેખા ઓવરટેક કરવાની છૂટ આપે છે. સફેદ રંગની એક સાંગ રેખા વાહનોને ઓવરટેક કરવાનું ટાળવાનું દર્શાવે છે. પીળા રંગની તૂટક રેખા સાવચેતીપૂર્વક લેન બદલવાનો નિર્દેશ કરે છે. પીળા રંગની સળંગ રેખા લેન બદલવાની અને ઓવરટેક કરવાની ફરજીયાત ના પાડે છે. બે પીળા રંગની સળંગ રેખા એટલે રોડ ડીવાઈડર છે તેમ સમજવું. તેઓએ કહયું હતુ કે નાની ઉંમરના બાળકોને બને ત્યાં સુધી વાહનો ચલાવવા માટે આપવા ન જોઈએ. હંમેશા ડાબી બાજુ વાહન ચલાવો અને ડાબી બાજુથી ઓવરટેક કરશો નહી, જમણી બાજુના વાહનને હંમેશા માર્ગ આપવાનું રાખો. રાતના નજીક-દુરની દંડ લાઈટનો ઉપયોગ કરો જેથી બીજા અંજાઈ જાય નહી. સુરક્ષીત બ્રેકીંગ માટે દ૨ ૧૫ કી.મી.ની સ્પીડ ઉપર એક કારની લંબાઈ જેટલુ અંતર રાખો. સાવધાની પૂર્વકના ડ્રાઈવીંગથી અકસ્માત થવાની સંભાવનાઓ ૮૨ % સુધી ઘટાડી શકાય છે. સીટ બેલ્ટનો ઉપયોગ કરેલ હોય તે સમયે થતા અકસ્માતમાં, તેનો ઉપયોગ કરનારના મૃત્યુનું પ્રમાણ પ૦% જેટલું ઘટી શકે છે. એમપરિવહન કે ડીજીલોકર એપ્લીકેશનમાં આરસી બુક અને લાયસન્સ ડાઉનલોડ કરી શકાય છે. ૩૬૫ દિવસ પહેલા વ્યકિત પોતાનું લાયસન્સ રીન્યુ કરાવી શકે છે. ઓવરટેકની મંજુરી આપવા માટે હંમેશા ડાબી બાજુનું સીગ્નલ બતાવવું.

કાર્યક્રમના અંતે આભાર દર્શન કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન શ્રી દિપકભાઈ સચદેએ કરેલ હતું. કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીગ બોડીના સભ્ય હિરાભાઈ માણેક, એન.એમ.ધારાણી, દિલીપભાઈ ઠાકર, કીરીટભાઈ વોરા તથા અન્ય સભ્યોમાં વરિષ્ઠ પત્રકાર ભરતભાઈ પટેલ, જીતુભાઈ જોશી, નરેન્દ્રભાઈ મહેતા તથા વિવિધ કંપનીના અધિકારીઓ તથા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની વ્યવસ્થા કાઉન્સીલના આસી.એકઝીકયુટીવ સેક્રેટરી રવિ ત્રીવેદીએ કરેલ હતી.

(4:03 pm IST)