રાજકોટ
News of Saturday, 20th April 2019

ઉમેદવારના ખર્ચે પોતાનું 'નેટવર્ક' ગોઠવી લેવાના કૈંકના 'ઓરતા' અધુરા!

વિધાનસભામાં કોથળીઓ છુટી હતી - બેફામ - તાયફા - જમણવાર : લોકસભામાં રૂ.૮ની આઈસ્ક્રીમની 'ડબ્બી'થી ગાડુ ગબડાવતા ભાજપ-કોંગ્રેસઃ કોંગ્રેસે જમણવારો પર ચોકડી જ મારી દીધી : પોલીંગ બુથની જ ગોઠવણ : હોર્ડીંગ્ઝ પર વધુ જોર : ભાજપના કાર્યકરોની મહેનત નજરે પડે છે

રાજકોટ, તા. ૨૦ : કોઈ અગમ્ય કારણોસર રાજકોટ લોકસભા બેઠક ઉપર પ્રચારનો ઝંઝાવાત નજરે પડતો નથી. અમુક આગેવાનો, કાર્યકરો તથા રાજકોટવાસીઓને બંને રાજકીય પક્ષોની નિરસતા સમજમાં આવતી નથી. ગત વિધાનસભામાં બેફામ તાયફા, જમણવારની જમાવટ હતી. પરંતુ લોકસભા ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો માહોલ નજરે પડતો નથી. ભાજપ દ્વારા કયાંક કયાંક જમણવાર કે કાર્યક્રમો દેખાય છે. કોંગ્રેસમાં જમાવટ ઓછી છે તો બંને પક્ષે એક વાત કોમન છે કે એકઠા થયેલા લોકો તથા કાર્યકરોને રૂ.૮ની આઈસ્ક્રીમની 'ડબ્બી'થી જ રાજી કરી દેવાય છે.

આમેય રાજકારણીઓ કયારે શું કરે કયાં કેવી ગોઠવણના ખેલ પાડી દયે તે હવે નક્કી હોતુ નથી ત્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપર બંને પક્ષે દાખવાતી નિરસતા લોકોના ગળે ઉતરતી નથી.

રાજકોટ લોકસભા બેઠકની આજુબાજુની બેઠકો ઉપર બંને પક્ષે રાષ્ટ્રીય નેતાઓની સભાઓ, રેલી સહિતના કાર્યક્રમોની જમાવટ જોવા મળે છે. પરંતુ રાજકોટ લોકસભા બેઠકમાં ચૂંટણી પ્રચારની પરાકાષ્ટા અંતિમ દિવસો સુધી કયાંય જોવા ન મળતા હવે તો લોકો પણ મૂંઝાયા છે અને પ્રશ્નો કરી રહ્યા છે કે મામલો શું છે?

ગત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ શહેરની ચારેય બેઠકો ઉપર ચૂંટણી જીતવા મરણીયા પ્રયાસો થયા હતા. દિવસે તો ઠીક રાત્રે પણ મીટીંગ અને પાર્ટીઓની જમાવટ થતી હતી અને છેક છેલ્લે સુધી ભર્યા નાળીયેર જેવી પરિસ્થિતિનું નિર્માણ બંને પક્ષે થયુ હતું પરંતુ લોકસભા ચૂંટણીમાં ચૂંટણીના પડઘમ સાવ શાંત થવાનો વખત આવ્યો છતાં રાજકીય  ડાગલાઓ કેમેય ન નાચ્યા.

લોકસભા અને ધારાસભાની ચૂંટણીમાં થતી જમાવટ અને બેફામ ખર્ચાઓમાંથી ઘણા લોકો આર્થિક લાભ પણ લઈ લેતા હોય છે અને ભવિષ્યમાં કોર્પોરેશન, સુધરાઈ તથા ગ્રામ પંચાયતોની ચૂંટણી લડવા ઈચ્છતા લોકો લોકસભા અને ધારાસભાના ઉમેદવારો બરાબરના ખંખેરીને પોતાનું નેટવર્ક ગોઠવી લેતા હોય છે. પરંતુ વર્તમાન ચૂંટણીમાં મુખ્ય માથાઓ કેમેય ધુણતા ન હોય કેટલાયના ઓરતા અધુરા રહેવાનો વખત આવ્યો છે. જેનાથી ભારે નારાજગી અને અસંતોષ જાગ્યો છે.

રાજકોટ લોકસભા બેઠકમાં બંને મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો તથા મુખ્ય સારથીઓ જ ટાઢાબોળ નજરે પડે છે જેના કારણે ચૂંટણી દરમિયાન ચાર દિનની ચાંદનીમાં મજા-મજા કરી લેનારાઓ માટે બુરે દિન આવ્યાનું ચર્ચાય રહ્યું છે.

ચૂંટણી સમયે 'દેશી'ના ઠેકાણા ન હોય તેઓને પણ 'ઈંગ્લીશ'ની મજા માણવા મળતી હોય એ સ્વાભાવિક છે. પરંતુ હાલમાં ચૂંટણી ટાણે મોજ કરતા પ્યાસીઓની પણ સાંજ 'કોરી' જતી હોવાની બુમરાણ મચી છે.

એવું મનાય છે કે વોર્ડ દીઠ ફાળવાતી 'ચૂંટણી ગ્રાન્ટ'માં પણ ભારે કાપ મૂકી દેવાયો છે. જેના કારણે ચા - પાણી - નાસ્તાની મહેફીલો પણ વોર્ડ કાર્યાલયો પર બરાબર જામતી નથી. મજાકમાં એવું પણ ચર્ચાય છે કે ઉમેદવારો પોતાના હાથે ચા બનાવીને પીવડાવતા હોય ત્યારે બીજી આશા કેમ રાખવી?

ખાસ કરીને રાજકોટ શહેરમાં કેમેય ચૂંટણી પ્રચારનો માહોલ જામતો નથી રઢીયાળી રાતના બદલે દુખીયારી રાતો પસાર થાય છે.

જમણવારની જગ્યાએ કોરા નાસ્તા અથવા રૂ.૮ની આઈસ્ક્રીમની ડબ્બીઓ આપી દેવાતી હોય આ વખતની ચૂંટણીએ રાજકીય પક્ષોના આગેવાનો તથા કાર્યકરોને ભારે નારાજ થવાના દિવસો આવ્યાનું વ્યંગમાં ચર્ચાઈ રહ્યું છે.

(3:49 pm IST)