રાજકોટ
News of Saturday, 20th April 2019

એરપોર્ટ રોડ પર રોજ સવારે ગાયોને બેફામ દોડાવાય છે

સ્માર્ટ સીટી રાજકોટની વરવી વાસ્તવિકતા રાત્રે ઢોરને છુટ્ટા મૂકી દેવાય છેઃ તંત્ર અજાણ!: વોર્ડ નં. ૨ ની વોર્ડ ઓફીસ સામે જ ઢોર વાડઃ ગીત ગુર્જરી સોસાયટી સહીત લતાવાસીઓ ઢોરનાં ત્રાસથી ભયભીતઃ પ્રાણી રંજાડ વિભાગનાં અધિકારીને વિડિયો સાથે ફરિયાદ કરતાં લતાવાસીઓ

રાજકોટ, તા., ૨૦: શહેરને સ્માર્ટ સીટીનો દરજ્જો મળી ગયો છે. પરંતુ હજુ સુધી આ સ્માર્ટ સીટીમાં રખડુ ઢોરનો ત્રાસ સંપુર્ણ પણે દુર નથી થયો. હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાં રખડુ ઢોરનો ત્રાસ યથાવત છે. એટલું જ નહી શહેરના પોશ વિસ્તાર ગણાતાં એરપોર્ટ રોડ ઉપર દરરોજ સવારે ગાયોનાં ધણને બેફામ દોડાવવામાં આવતી હોવાની ફરીયાદ સાથેનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાઇરલ થયો છે અને મ્યુ. કોર્પોરેશનનાં પ્રાણી રંજાડ વિભાગનાં અધિકારીને આ બાબતની જાણ થતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે વોર્ડ નં. ર માં આવેલ એરપોર્ટ રોડ વિસ્તારની ગીત ગુર્જરી સોસાયટીના રહેવાસીઓ દ્વારા કરવામાંઆવેલી ફરીયાદમાં જણાવાયું છે કે આ વિસ્તારમાં દરરોજ રાત્રે આ વિસ્તારમાં ઢોરને છુટા મુકી દેવામાં આવે છે અને આ રખડુ ઢોર દરરોજ રાત્રેવિસ્તારમાં રઝળીને ત્રાસ ફેલાવે છે. એટલું જ નહી દરરોજ સવારે આ રખડુ ઢોરને એક વ્યકિત મોટર સાયકલ પર આવીને નિર્દય રીતે દોડાવીને લઇ જાય છે અને બરાબર વોર્ડ ઓફીસ સામે જ રામેશ્વર ચોકમાં આવેલા ઢોરવાડા સુધી આ રખડુ ઢોરને દોડાવવામાં આવે છે.

આમ શાસકોની સ્માર્ટસીટી અને ઢોર મુકત શહેરની ગુલબાંગો વચ્ચે શહેરનાં હાર્દ સમા વિસ્તાર અને જયાથી દેશ-વિદેશનાં વી.વી.આઇ.પી. નેતાઓ, પ્રવાસીઓ પસાર થાય છે તે એરપોર્ટ વિસ્તારમાં રખડુ ઢોરની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે સાથોસાથ ભયભીત પણ થઇ ઉઠયા છે.

દરમિયાન આ વિસ્તારને રખડુ ઢોરની સમસ્યામાંથી મુકત કરાવવા તાકીદે ઢોર અંગેનાં જાહેરનામાની અમલવારી કરાવવા અને દરરોજ રાત્રે છુટ્ટા મુકી દેવાતાં ઢોરને પકડીને આ વિસ્તારને ઢોરની સમસ્યામાંથી કાયમી ધોરણે મુકત કરાવવા લતાવાસીઓએ ઉગ્ર માંગ ઉઠાવી છે અને દરરોજ સવારે ગાયોને કેવી નિર્દય રીતે દોડાવવામાં આવે છે તેનો વિડીયો પણ વાઇરલ થયો છે.

(3:47 pm IST)