રાજકોટ
News of Saturday, 20th April 2019

બાબરીયા કોલોનીમાં ગેસના ફૂગ્ગા ફૂટતાં ભડકોઃ દંપતિ અને પુત્ર દાઝયા

એક ફૂગ્ગો ફૂટયા બાદ ૮૦ જેટલા ફૂગ્ગામાં ભડકો થયોઃ દેવીપૂજક પરિવારના હીરાભાઇ, કંચનબેન સારવાર હેઠળઃ પુત્ર સન્નીને પ્રાથમિક સારવાર અપાઇ

રાજકોટ તા. ૨૦: બાબરીયા કોલોનીમાં ત્રણ માળીયા કવાર્ટર પાસે પરમેશ્વર-૨માં આવેલા પચ્ચીસ વારીયામાં ગેસના ફૂગ્ગામાં ભડકો થતાં દેવીપૂજક દંપતિ અને પુત્ર દાઝી જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્યા મુજબ ગેસના ફૂગ્ગા વેચી ગુજરાન ચલાવતાં દેવીપૂજક પરિવારના હીરાભાઇ મહાદેવભાઇ સોલંકી (ઉ.૫૦), કંચનબેન હીરાભાઇ સોલંકી (ઉ.૪૫) અને પુત્ર સન્ની (ઉ.૨૧) સાંજે ઘરમાં ફૂગ્ગામાં ગેસ ભરી ફૂગ્ગાનો સ્ટોક કરી રહ્યા હતાં. ૮૦ જેટલા ગેસ ભરેલા ફૂગ્ગા તૈયાર થઇ ગયા હતાં. એ વખતે એક ફૂગ્ગો કોઇ કારણે અચાનક ફૂટતાં ભડકો થતાં બીજા ૮૦ ફૂગ્ગામાં પણ ભડકો થતાં બંને પતિ-પત્નિ અને પુત્ર સન્ની હાથ, મોઢા, વાંસાના ભાગે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં સન્નની પ્રાથમિક સારવાર અપાઇ હતી. હીરાભાઇ અને કંચનબેનને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

(3:46 pm IST)