રાજકોટ
News of Friday, 20th March 2020

સિવિલ હોસ્પિટલમાં બંદોબસ્તઃ સવારથી જ સ્વયંભુ કર્ફયુ જેવું: દર્દીઓની સંખ્યા પાંખીઃ ઓપીડી અને દવાબારી પણ ખાલી-ખાલી

લોકો જાતે જ જાગૃત બને અને જરૂર ન હોય તો હોસ્પિટલો સહિતના જાહેર સ્થળોએ ન જઇ ઘરે જ રહે તે અત્યંત જરૂરી

રાજકોટઃ કોરોના વાયરસ હવે મહામારી બની ચુકી છે. વિશ્વભર આ મહામારી સામે ઝઝુમી રહ્યું છે અને ભારત દેશમાં પણ કોરોનાના પોઝિટીવ કેસ સામે આવી ગયા છે. તેમાં ગુજરાતમાં જ રાજકોટ, સુરતમાં બે પોઝિટીવ કેસ જાહેર થતાં રાજ્યના આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કોરોના સામે તકેદારીના તમામ પગલાઓ લેવા ઉપલા લેવલેથી તમામ તંત્રોને સુચનો આપી ધડાધડ કાર્યવાહીના આદેશો થયા છે. આરોગ્ય તંત્ર અને કલેકટર તંત્ર સતત એલર્ટ છે ત્યારે સિવિલ હોસ્પિટલનું તંત્ર પણ સજ્જ છે. મેડિકલ કોલેજના ડીન અને સિવિલના તબિબી અધક્ષકની આગેવાનીમાં બેઠકો યોજી તમામ તબિબો અને નર્સિંગ સ્ટાફને ખાસ સુચનાઓ અપાઇ છે. સિવિલ હોસ્પિટલમાં કારણ વગર ચારથી વધુ લોકો ભેગા ન થાય તેનું ધ્યાન રાખવા સિકયુરીટી તૈનાત થઇ ગઇ છે. તો આઇસોલેશન વોર્ડ ખાતે પણ પોલીસ અને સિકયુરીટીનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દરરોજ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી સહિતના વિભાગોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતાં હોય છે. પરંતુ આજ સવારથી સ્વંયભુ કર્ફયુ જેવો માહોલ જોવા મળ્યો હતો. ઓપીડીમાં દર્દીઓની સંખ્યા પાંખી હતી. દવાબારીએ અને બીજા વિભાગોમાં પણ દર્દીઓ ઓછા જોવા મળ્યા છે. તબિબો અને નર્સિંગ સ્ટાફ આવનારા દર્દીઓને માસ્ક પહેરીને તપાસી રહ્યા છે. મહામારી જેવા કોરોના સામે લોકો જાતે જ જાગૃત બને અને જરૂર ન હોય તો બહાર ન નીકળે તેમજ જાહેર જગ્યાઓ પર ન જાય તે સોૈના હિતમાં રહેશે. ડરવા કરતાં સાવચેતી અને સમજદારી આજના સંજોગોમાં ખાસ જરૂરી બન્યા છે. તસ્વીરોમાં સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગ, દવા બારીઓ પાંખી હાજરી અને ઓપીડીમાં માસ્ક સાથે તબિબો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:04 pm IST)