રાજકોટ
News of Wednesday, 20th March 2019

ઓ સાથી રે તેને બિના ભી કયા જીના...

મુંબઈના સંજય સાવંત અને બરોડાના સંધ્યા પાધ્યેએ સંગીત પ્રેમીઓને ડોલાવ્યા : કોરસ વૃંદનો સુરીલો સંગાથ : સૂરસંસારનો ૧૪૪મો કાર્યક્રમ

રાજકોટ, તા. ૨૦ : નિરૂદ્દેશે શરૂ કરેલી પ્રવૃતિને કોઇવાર કુદરતના અસીમ આશીર્વાદ મળી જતા હોય છે. આવી પ્રવૃતિ નવા કિર્તીમાન સ્થાપવાના માર્ગે અગ્રેસર હોય છે. વર્ષ ૧૯૯૪માં માત્ર સંગીતની નાની બેઠક સ્વરૂપે શરૂ થયેલી પ્રવૃતિ આગળ જતા સૂરસંસારના નામે વટવૃક્ષ બનીને આજે સળંગ ૨૪ વર્ષની મઝલ પુરી કરે છે. સિલ્વર જયુબીલી વર્ષના ઉંબરે ઉભી છે.

સૂરસંસાર સંસ્થાનો ૨૪માં વર્ષનો છઠ્ઠો અને સળંગ ૧૪૪મો કાર્યક્રમ તા.૧૧ માર્ચના રોજ રાજકોટના હેમુગઢવી નાટયગૃહ ખાતે યોજાઇ ગયો. આ કાર્યક્રમ માટે સુવિખ્યાત ગાયકો સંજય સાવંત (મુંબઇ) અને સંધ્યા પાધ્યે (બરોડા) ખાસ આવ્યા હતા. સૂરસંસારના મંચ ઉપરથી રજૂ થવા માટે ગાયક કલાકારોએ વિશિષ્ટ પ્રકારના ગીતોની સ્ક્રિપ્ટ માટે માનસીક તૈયારી રાખવી પડતી હોય છે. આ કાર્યક્રમમાં રાજકોટના શાસ્ત્રીય સંગીતના સાધકોના કોરસ વૃંદે ખૂબ જ સુરીલો સંગાથ આપ્યો હતોે. શાસ્ત્રીય ગાયક દર્શીત કાનાબારના માર્ગદર્શન હેઠળ કાર્તિક ઠાકર, મેહુલ ધકાણ, ખ્યાતી પંડયા, રીના ગજજર, દર્શના પરમાર, તોરલ કલ્યાણી જેવા કલાકારોએ કોરસ ગાન સંગાથ આપ્યો હતો. જયારે વડોદરાના સુવિખ્યાત તાહેરઅલી સૈયદ તથા વાદ્યવૃંદે ગીતોના અસલ મીનાઝને જાળવી રાખ્યો.

જય શિવ શંકર ગૌરીશ્વરની સ્તુતી સાથે કાર્યક્રમની શરૂઆત થઇ. સંજય સાવંતના બુલંદ અવાજ તથા કોરસવૃંદના સમુહગાન સાથે આ ભકિત રચનાથી માહોલ બંધાઇ ગયો. ત્યારબાદ દેશભકિતથી રંગાયેલુ ગીત હૈ પ્રીત જહાં કી રીત સદા રજૂ થયુ.

સુવિખ્યાત ગાયીકા સંધ્યા પાધ્યેએ પોતાના સુરીલા કંઠે ઇસ દુનિયા મે જીતા કો તો સુનલો મરી બાત તથા ઓ સાથી રે તેરે બીના ભી કયા જીતા રજૂ કરીને શ્રોતાઓનો પ્રતિસાદ મેળવ્યો હતો.

આ ગાયક બેલડીએ સુવર્ણયુગના ગીતો રજૂ કર્યા હતા. હમ દમ મેરે ખેલ ના જાનો, સોલા બરસ કી બાલી ઉંમર કો સલામ, એ મેરી જોહરા જબી, નાચે મન મોરા મગન તીકથા, ચલતે ચલતે યુહી કોઇ મીલ ગયા થા, જીયા હો જીયા હો જીયા કુછ બોલ દો, એ મુહબ્બત ઝીંદાબાદ, તેરીબેના આગ યે ચાંદની, મતવાલા જીયા બોલે પિયા, એ ભાઇ જરા દેખ કે ચલો, ઇન આંખો કી મસ્તી કે, આજ પુરાની રાહો સે, પર્દા હે પર્દા (કવ્વાલી), ન દિયા ચલે ચલે રે ધારા, ધરતી કહે પુકાર કે, બીજ બીછાલે પ્યાર કે જેવા ગીત રજૂ થયા હતા. રાજકોટના ગાયિકા ખ્યાતી પંડયાએ સંધ્યા પાધ્યે સાથે હસતા હુયા નુરાની ચહેરા તથા તુમકો પિયા દિલ દિયા જેવા ગીતો રજૂ કર્યા હતા. જયારે ગાયક કલાકાર કાર્તિક ઠાકરે સંજય સાવંત સાથે યે દેશ હે વીર જવાનો કા ગીત  રજૂ કર્યુ હતુ. ખાસ સૂરસંસારના ભાવિકો માટે વિશેષ આકર્ષણ રૂપે ફિલ્મ ખુબસુરતનું પિયા બાવરી ગીત અશોકકુમારે ઓરીજનલ સાઉન્ડ ટ્રેકમાં ગાયેલા તબલાના બોલ સાથે આ ગીત સંધ્યાજીએ તબલાવાદક સંગાથે રજૂ કર્યુ હતુ.શ્રોતાઓએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સૂરસંસારના મોભી શ્રી ભગવતીભાઇ મોદી (ફોન -  ૦૨૮૧ - ૨૫૭૭૫૬૩) એ છેલ્લા ૨૪ વર્ષના સંસ્મરણો વાગોળ્યા હતા. આટલા વર્ષો દરમિયાન મળેલ સહકાર માટે ભાવવિભોર અવાજે સૌનો આભાર માન્યો હતો. સિલ્વર જયુબલી વર્ષમાં યોજાનારા કંઇક વિશેષ કાર્યક્રમોની ઝાંખી આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુ.મેઘા બારડે સંભાળ્યુ હતુ. ધ્વની વ્યવસ્થા ગણેશ સાઉન્ડે સંભાળી હતી.

સંસ્થાના કારોબારી સભ્યશ્રીઓ મનિષભાઇ શાહ, નૂતનભાઇ ભટ્ટ તથા પિયુષભાઇ મહેતાએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. મુકેશભાઇ છાયાએ અન્ય વ્યવસ્થા સંભાળી હતી.

કાર્યક્રમના સમાપને મંચસ્થ દરેક કલાકારોએ રાગ ભૈરવીમાં નિબધ્ધ રચના તુ ગંગા કી મોજ મે જમના કા ધારા રજૂ કર્યુ હતુ. ફરી સૂરસંસારના સ્મૃતિગ્રંથમાં એક અવિસ્મરણીય કાર્યક્રમ અંકિત થઇ ગયો હતો.

સિલ્વર જયુબીલી વર્ષ માટે સભ્યશ્રીઓના રિન્યુઅલ તા.૨૦ એપ્રિલ પહેલા કરાવી લેવા આયોજકો તરફથી યાદીમાં જણાવાયુ છે.

(4:01 pm IST)