રાજકોટ
News of Wednesday, 20th March 2019

ક્રિકેટ મેચ ઉપર જુગાર રમવા અંગે પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા., ૨૦: આઇસીસી ઇલેવન ક્રિકેટ મેચમાં ચૌદ વર્ષ પુર્વે જુગાર રમતા પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચૌદ વર્ષ પહેલા તા.૧૦-૧-ર૦૦પ ના ફોજદારી કેસના આરોપીઓ (૧) હોજેફા અસગરઅલી પટેલ (ર) અમીત પ્રમોદભાઇ પટેલ (૩) પરેશભાઇ નટુભાઇ ડોડીયા (૪) રીઝવાન ઇકબાલભાઇ નાગોરે (પ) વિજયભાઇ અશોકભાઇ મરાઠા (૬) સમીરભાઇ સાહબુદીન રાઠોડ કચ્છી (૭) બુરહાન સૈફુદીનભાઇ માકડા (૮) જયેશભાઇ ગોપાલભાઇ પરમાર વિગેરે રાજકોટમાં મોમખાના, સોનીબજાર, દશાશ્રી વણીક મહાજન હોસ્પીટલની પાસે, હોજેફા અસગરઅલી પટેલ પોતાની દુકાનમાં આઇસીસી ઇલેવન ઇન્ડીયા વર્સસ ઓસ્ટ્રેલીયા વચ્ચે ક્રિકેટ મેચ ઉપર બહારના માણસો ભેગા કરી ક્રિકેટ મેચ ઉપર અંદરો અંદર પૈસા વતી ક્રિકેટનો જુગાર રમાડતા અને તેની કપાત રામનાથ પરામાં રહેતા જયેશ રાજપુત પાસે કરાવે છે તેવી હકીકત મળતા તમામ આરોપીઓને પકડીઅને જુગારધારા કલમ ૪,૫ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

આ કામના આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરાયેલ હતી. જેમાં આરોપીઓ તેઓના વિરૂધ્ધના ગુન્હાનો ઇન્કાર કરેલ તેથી ઇન્સાફની કાર્યવાહી આગળ ચલાવવા હુકમ કરેલ. હાલના કામે ચાર્જશીટમાં જણાવેલ તમામ સાહેદોને કોર્ટ દ્વારા નિયમીત સમન્સ કાઢવામાં આવેલા. પરંતુ આજ દન સુધી એક પણ સાહેદની કોર્ટ દ્વારા નિયમીત સમન્સ કાઢવામાં આવેલા. પરંતુ આજ દીન સુધી એક પણ સાહેદન હાજર મળી આવેલ નથી. વધુમાં આ કામના ફરીયાદી તથા તપાસ અધિકારી મરણ ગયેલ હોય તેમજ આ કામના પંચો પણ મળી આવતા ન હોય તેથી સદર કેસમાં મહત્વના સાક્ષીની હાજરી ટ્રાયલ દરમ્યાન મળી આવેલ ન હોય તેમજ કેસની મુદતને ધ્યાને રાખતા આરોપીઓના બંધારણ અધિકારીને ધ્યાનમાં રાખતા સદર કેસમાં ફરીયાદ પક્ષનો પુરાવાનો હક્ક બંધ કરવામાં આવેલ.

જેથી આરોપીઓ સામે કોઇ પણ આક્ષેપ પ્રથમ દ્રષ્ટીએ પુરવાર કરવામાં ફરીયાદ પક્ષ નિષ્ફળ ગયેલ હોય જેથી કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી અને છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસમાં આરોપી વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી શૈલેષ એમ.ગોંડલીયા તથા સંદીપ વી.જેઠવા રોકાયેલા હતા.

(3:53 pm IST)