રાજકોટ
News of Wednesday, 20th March 2019

મોદી સ્કુલના સ્કાઉટ એન્ડ ગાઈડના વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ, રાજય પુરસ્કાર એવોર્ડ, રાજય રેલી ચેમ્પિયનશીપ એવોર્ડ, દિક્ષાવિધિ કાર્યક્રમ સંપન્ન

પ્રસ્તુત તસ્વીરમાં 'અકિલા' કાર્યાલય ખાતે મોદી સ્કુલના પ્રિન્સીપાલ શ્રી સેજલીયા અને સ્કાઉટ ગાઈડ ટ્રેનરો નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

રાજકોટ : પડકાર જેટલો મોટો, સફળતા એટલી જ મોટી. આ વાકય મોદી સ્કુલના સ્કાઉટ / ગાઈડના વિદ્યાર્થીઓ માટે પૂરેપૂરૂ બંધ બેસતુ છે. પોતાના કાર્યને અસંભવમાંથી સંભવ બનાવે છે. મોદી સ્કુલના સ્કાઉટ / ગાઈડના વિદ્યાર્થીઓ મોટા મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવા દરેક જગ્યાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પુરસ્કારો પ્રાપ્ત કરે છે. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓને દિક્ષા અર્પણ કરવામાં આવી હતી. તેમજ શાળાના પ્રિન્સીપાલ દ્વારા મહેમાનોનું શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ તેઓને પણ બેસ્ટ સ્કાઉટ માસ્ટર અને બેસ્ટ ગાઈડ કેપ્ટન માટે શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તદ્દઉપરાંત ત્યાં મહેમાનશ્રીઓમાં રાજકોટ અધિક કલેકટર પરીમલભાઈ પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ. ઉપાધ્યાય, સ્ટેટ ચીફ કમિશ્નર જનાર્દનભાઈ પંડ્યા, સ્ટેટ ચીફ સેક્રેટરી મનીષભાઈ મહેતા, સ્ટેટ ટ્રેનીંગ કમિશ્નર ભીખાલાલ સીદપરા, જિલ્લા કોડીનેટર ભરતસિંહ પરમાર જેવા મહાનુભાવો તથા હોદ્દેદારો ત્યાં હાજર રહ્યા હતા. તેઓને સન્માનિત મોદી સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. આર.પી. મોદીના હસ્તે સ્કાર્ફ અને બુકે અર્પણ કરીને કરવામાં આવેલ હતું.

ત્યારબાદ તાજેતરમાં ગુજરાત રાજય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા યોજાયેલી ૨૮મી રાજયરેલી દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન ભાવનગરના કાળીયાબીડ સ્થિત સરદાર પટેલ હોલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં સમગ્ર રાજયના જિલ્લાઓના સ્કાઉટ અને ગાઈડના ૧૮૦૦ વિદ્યાર્થીઓ વચ્ચે વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવી હતી. જે માટે વિવિધ સ્પર્ધાઓના સ્પર્ધકોને વિજેતા ઘોષિત કરેલ હતા. ત્યાં રજૂ કરેલ વિવિધ સ્પર્ધાઓ જેમ કે કેમ્પ ફાયર, ફિઝીકલ ડિસ્પ્લે, છાવણી નિરીક્ષણ, પાયોનીયરીંગ, સ્કીલોરામા, ચિત્ર સ્પર્ધા અને ફસ્ટએઈડ જેવી સ્પર્ધાઓ હતી. આ સ્પર્ધાઓ સમગ્ર ગુજરાત રાજયના સ્કાઉટ અને ગાઈડના વિદ્યાર્થીઓ વચ્ચે યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેરની મોદી સ્કુલે ૮ ઈવેન્ટ રજૂ કરી હતી. તેમાં સ્કાઉટ - ગાઈડના વિદ્યાર્થીઓએ જનરલ ચેમ્પિયનશીપ મેળવી હતી.

રેલીને સફળ બનાવવા સ્ટેટ કમિશ્નર જનાર્દનભાઈ પંડ્યા, રાજયમંત્રી મનીષભાઈ મહેતા તેમજ જિલ્લામંત્રી બી.કે.સીદપરાએ જહેમત ઉઠાવી હતી. તે બદલ તેમને શિલ્પ આપી સન્માનિત કરેલ હતા. કાર્યક્રમના અંતમાં ત્યાંથી પ્રાપ્ત કરેલ શિલ્ડ અને ટ્રોફી નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરેક વિદ્યાર્થીઓની સફળતાને અને તેને ટ્રેનીંગ આપતા શાળાના શિક્ષકોને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી. મોદી, ધવલભાઈ મોદી, પ્રિન્સીપાલશ્રી તથા શાળા પરીવારે શુભેચ્છા પાઠવી હતી અને જીવનમાં દરેક ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરતા રહો તેવી શુભકામના આપી હતી.

(3:49 pm IST)