રાજકોટ
News of Wednesday, 20th March 2019

રાજકોટ જિલ્લામાં ૨૧ લાખ યુવા મતદારો, ૩૮૩૬૪ મતદારો ૮૦ વર્ષથી વધુ વયના

રાજકોટ : મતદાન થકી ઉજવાતા લોકશાહીના ઉત્સવમાં મતદારોની ભૂમિકા મહત્વની છે. જયાં સુધી તમામ નાગરિકો પોતાના બંધારણે આપેલા મતાધિકારનો પૂર્ણતયા ઉપયોગ ના કરે ત્યાં સુધી લોકશાહીમાં થોડી કચાશ રહી છે, એમ કહેવાય છે. આવા નાગરિકોમાં યુવામતદારો પણ સમાવેશ થાય છે. હર વખતની ચૂંટણીમાં યુવાધન ઉત્સાહપૂર્વક મતદાન કરે છે. લોકસભાની આ સામાન્ય ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં ૨૮,૩૩૬ યુવાનો પ્રથમ વખત મતદાન કરવાના છે. જિલ્લામાં ૧૮થી ૩૯ વર્ષનાઙ્ગ ૧૦૦૮૧૭૭ મતદારો યુવાન છે. વિશેષ બાબત તો એ છે કે રાજકોટ જિલ્લામાં ૧-૧-૨૦૧૯ની સ્થિતિએ નોંધાયેલા કૂલ મતદારો પૈકી અડધા મતદારો યુવાન છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે રાજકોટ જિલ્લાની મતદાર યાદી યુવાન છે.

આ બાબતે કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યું કે, રાજકોટ જિલ્લામાં વયજૂથ પ્રમાણે ૧૮થી ૧૯ વર્ષના કૂલ ૨૮,૩૩૬ મતદારો છે. જયારે, ૨૦થી ૨૯ વર્ષના કૂલ ૪,૩૧,૮૩૩ મતદારો છે. એ જ પ્રમાણે ૩૦થી ૩૯ વર્ષની વયજૂથમાં કૂલ ૫,૪૮,૦૦૮ મતદારોનો સમાવેશ થાય છે. આ ત્રણેય વયજૂથમાં કૂલ ૧૦,૦૮,૧૭૭ મતદારો છે. એટલ કે, રાજકોટ જિલ્લાના કૂલ ૨૧,૧૩,૩૧૬ મતદારો પૈકી અડધા મતદારો યુવાન છે.

બાકીના મતદારોની સંખ્યા વય જૂથ પ્રમાણે જોઇએ તો ૪૯થી ૪૯ વર્ષના ૪,૩૦,૭૫૫, ૫૦થી ૫૯ વર્ષના ૩,૨૯,૮૩૨, ૬૦થી ૬૯ વર્ષના ૨,૦૨,૬૬૨ મતદારો, ૭૦થી ૭૯ વર્ષના ૧,૦૩,૫૨૬ મતદારો અને ૮૦ વર્ષથી ઉપરના કૂલ ૩૮,૩૬૪ મતદારો નોંધાયેલા છે.યુવાનોની નોંધણી કરાવવાનું મુખ્ય શ્રેય બૂથ લેવલ અધિકારીને પણ જાય છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમો દરમિયાન રાજકોટ ઉપરાંત જિલ્લાની શાળા અને કોલેજોમાં બીએલઓ ગયા હતા અને યુવા મતદારોની નોંધણી કરી હતી. હવે, મતદાન કરવા માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના જનજગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યા છે.

સંકલન : દર્શન ત્રિવેદી, રાજકોટ

(3:40 pm IST)