રાજકોટ
News of Wednesday, 20th March 2019

શાળા કક્ષાની પરીક્ષા ૮ થી ૧૫ એપ્રિલ સુધી

ગુજરાતના અડધા કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર કરતી સરકાર : ચૂંટણીના કારણે પરીક્ષા વહેલીઃ વિદ્યાર્થીઓને વધારાની દસેક દિવસની રજાનો લાભ

રાજકોટ, તા., ૧૯: રાજય સરકારે લોકસભાની ચુંટણીને અનુલક્ષીને શાળા કક્ષાનીધો.૧ થી ૮ ની પરીક્ષા વહેલી લેવાનું નકકી કર્યુ છે. દર વર્ષે સામાન્ય રીતે ૧૦ થી રપ એપ્રિલ વચ્ચે પરીક્ષા લેવાતી હોય છે. તેના બદલે આ વખતે ૮ એપ્રીલથી પરીક્ષાનો પ્રારંભ થશે અને ૧પ એપ્રિલ સુધીમાં મુખ્ય વિષયોની પરીક્ષા લેવાઇ જશે. શારીરીક શિક્ષણ, ચિત્રકલા અને સંગીત તથા કાર્યાનુભાવની પરીક્ષા તા.ર૬ થી ર૯ એપ્રિલ વચ્ચે લેવાશે. ૧પ એપ્રિલ પછી અને વેકેશન પહેલા વિદ્યાર્થીઓને વધારાની રજાનો લાભ મળશે. ખાનગી  પ્રાથમિક શાળાઓ અને ખાનગી  માધ્યમિક શાળાઓમાં પણ પરીક્ષા આ જ અરસામાં લેવાશે ૨૩ એપ્રિલે લોકસભાની ચૂંટણીનું મતદાન છે. મોટાભાગની શાળાઓ અને સ્ટાફનો ચૂંટણી કામગીરીમાં ઉપયોગ થાય છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે ધો. ૩ થી ૮નું પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યું છે.

આ વખતે સમગ્ર ગુજરાતની તમામ સરકારી શાળાઓ માટે પરીક્ષાનો એક સરખો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

નિયામકે જાહેર કર્યા મુજબ ધો. ૩ થી ૫ અને ૬ થી ૮મા ૮ એપ્રિલે ગણિત, ૯ એપ્રિલે ગુજરાતી, ૧૦ એપ્રિલે પર્યાવરણ વિજ્ઞાન, ૧૧ એપ્રિલે અંગ્રેજી, ૧૨ એપ્રિલે હિન્દીની પરીક્ષા લેવાશે. ૧૩ એપ્રિલે ધો. ૬ થી ૮માં સંસ્કૃત અને ૧૫ એપ્રિલે સામાજિક વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે. જે શાળામાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં તમામ ધોરણની, તમામ વિષયની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે. ધો. ૩ અને ૪માં વિદ્યાર્થીઓએ ઉત્તરો પ્રશ્નપત્રમાં જ લખવાના રહેશે. ધો. ૫ થી ૮ના વિદ્યાર્થીઓએ ઉત્તરો અલગ ઉત્તરપોથીમાં પેનથી લખવાના રહેશે. શારીરિક શિક્ષણ, કલા જેવા વિષયોની પરીક્ષાના ટુલ્સ શાળા કક્ષાએથી તૈયાર કરવાના રહેશે. પરિણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની રહેશે.

(3:37 pm IST)