રાજકોટ
News of Saturday, 20th February 2021

બુટલેગર અને હત્યાના ગુનાના આરોપીને બે તમંચા-બે કાર્ટીસ સાથે પકડી લેવાયા

ક્રાઇમ બ્રાંચે અમિત પાંડેને તથા યુનિવર્સિટી પોલીસે પેરોલ પર છુટેલા રીઝવાન ઉર્ફ શાહરૂખને દબોચ્યાઃ અમિત પ્રયાગરાજથી શોખ માટે લાવ્યો'તોઃ રિઝવાને જેલમાં રહેલા મામા મહેબૂબ પઠાણનું નામ દીધું : પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા સહિતની બાતમી

રાજકોટઃ ચુંટણીમાં લોકો શાંતિ પુર્વક રીતે મતદાન કરી શકે તે માટે શહેરના અસામાજીક તત્વો ઉપર વોચ રાખવા તેમજ શરીર સબંધી ગુનાઓ અટકાવવા અને શરીર સબંધી તથા ગેરકાયદે હથીયાર રાખતા શખ્સોને પકડી લેવાની સુચના અંતર્ગત શહેર ક્રાઇમ બ્રાંચ અને યુનિવર્સિટી પોલીસે બે શખ્સોને બે તમંચા અને જીવતા કાર્ટીસ સાથે પકડ્યા છે. જેમાં એક બુટલેગરની છાપ ધરાવે છે અને બીજો હત્યાના ગુનાનો આરોપી છે અને પેરોલ પર છુટીને જેલમાંથી બહાર આવ્યો છે.

ક્રાઇમ બ્રાંચના પીએસઆઈ એમ.વી. રબારી તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા અને હરદેવસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી કોઠારીયા રોડ ૧૫૦ ફુટ રીંગ રોડ હુડકો ચોકડી પાસેથી અમીત રામભાઇ પાંડે( ઉ.વ. ૩ર, રહે. વિશ્વનગર આર.એમ.સી. કવાર્ટર બ્લોક નંબર ૨૧/રરર૩ ચંદ્રેશનગર મેઇન રોડ મવડી રોડ)ને દેશી બનાવટનો તમંચો કિ.રૂ. ૧૦,૦૦૦ તથા બાર બોરનો કાર્ટીસ નંગ-૧ કિ.રૂ ૧૦૦ના સાથે પકડી લીધો હતો.

આ શખ્સ અગાઉ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં દારૂના પૉચ ગુનામાં પકડાઈ ચૂકયો છે. તે મુળ પ્રયાગરાજનો છે. ત્યાંથી શોખ માટે ખરીદી લાવ્યાનું તેણે રટણ કર્યુ હતું. આ કામગીરી પીઆઇ વી.કે. ગઢવી, પીએસઆઈ એમ.વી.રબારી, એસ.આઇ. જયેન્દ્રસિંહ પરમાર, હેડ કોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા, જે.પી.મેવાડા, હરદેવસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા, કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ સોકતભાઇ ખોરમેં કરી હતી.

જ્યારે યુનિવર્સિટી પોલીસ મથકના ડી. સ્ટાફના પીએસઆઇ એ. બી. જાડેજાને મળેલી બાતમીને આધારે ભગતસિંહજી ગાર્ડન પાછળ આરએમસી કવાર્ટર પાસેથી ગાંધીગ્રામ ધરમનગર આવાસ કવાર્ટર બ્લોક નં. ૨૬/૭૬૪માં રહેતાં મુળ સુરેન્દ્રનગરના રિઝવાન ઉર્ફ શાહરૂખ શાહબુદ્દીનભાઇ બેલીમ (ઉ.૨૩)ને રૂ. ૧૦ હજારના દેશી તમંચા તથા રૂ. ૧૦૦ના એક કાર્ટીસ સાથે પકડી લેવાયો છે. પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, જયંતિગીરી ગોસ્વામી, મુકેશભાઇ ડાંગર, અજયભાઇ, કૃષ્ણદેવસિંહ, બ્રિજરાજસિંહએ આ કામગીરી કરી હતી. પોલીસની પુછતાછમાં રિઝવાને હત્યાના ગુનામાં જેલમાં રહેલા પોતાના મામા મહેબૂબ હુશેનભાઇ પઠાણે આ તમંચો આપ્યાનું રટણ કર્યુ છે. રિઝવાન પણ મર્ડરના ગુનામાં જેલમાં હતો. હાલ પેરોલ રજા પર છુટ્યો છે. હુમલાનું જોખમ હોવાથી હથીયાર સાથે રાખ્યાનું રટણ કર્યુ હતું.

 પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલતથા સયુંકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદતથા ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી પી. કે. દિયોરાની સુચના હેઠળ આ કામગીરી થઇ હતી.

(3:42 pm IST)