રાજકોટ
News of Thursday, 20th February 2020

રાજસ્થાનમાં ગોઝારો અકસ્માતઃ રાજકોટના પરિવારના ૪ના મોત

સાંચોર બોર્ડર પાસે બંધ ટ્રક પાછળ રાજકોટ-ગાંધીધામના પરિવારની ક્રેટા કાર અથડાઇ અને તેની પાછળ બીજી જીપ અને કાર અથડાયા : મૃતકોમાં કમલકિશોર ઘમંડીરામ સંકલેચા (ઉ.વ. ૬૦), તેમના પત્નિ જ્ઞાનલત્તાબેન (ઉ.વ.૬૦), પુત્ર યશ (ઉ.વ. ૨૨) અને મોટા ભાઇ ભગવાનચંદ્ર ઘમંડીરામ સંકલેચા (ઉ.વ. ૬૪)નો સમાવેશઃ ગાંધીધામ ખાતે અંતિમવિધીઃ ગઇકાલે સવારે જ મુળ વતન રાજસ્થાનના પંચપદ્રા ખાતે આટો મારવા અને મહાદેવ મંદિરે દર્શન કરવા નીકળ્યા અને સાંજે કાળ ભેટ્યો : મૃતકો પૈકીના ભગવાનચંદ્રભાઇના દિકરા ચંદ્રેશભાઇ રાજકોટ ભોમેશ્વરમાં રહે છેઃ પરિવારમાં કલ્પાંત

ભોમેશ્વર સોસાયટી પુતિનગર-૧માં આવેલા મૃતક ભગવાનચંદ્રભાઇ સંકલેચાના પુત્ર ચંદ્રેશભાઇનું નિવાસ સ્થાન તથા અન્ય તસ્વીરોમાં ચારેય હતભાગી મૃતકોના ફાઇલ ફોટો જોઇ શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૦: રાજસ્થાનના જાલોર જીલ્લાના ચિતલવાના ક્ષેત્રના સાંચોર નજીક ગત સાંજે ચાર વાહનો વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં મુળ રાજસ્થાનના અને વર્ષોથી રાજકોટ-ગાંધીધામમાં રહેતાં બે ભાઇઓના પરિવારના ચાર લોકો કાળનો કોળીયો બની જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. જેમાં રાજસ્થાની વૃધ્ધ, તેમના પત્નિ, પુત્ર અને તેમના મોટાભાઇનો સમાવેશ થાય છે. આ બધા ગઇકાલે સવારે ક્રેટા કાર મારફત મુળ વતન રાજસ્થાનમાં આંટો મારવા અને મહાદેવના દર્શન કરવા જવા નીકળ્યા હતાં અને સાંજે ચારેય કારનો કોળીયો થઇ ગયા હતાં. ચારેયના મૃતદેહોને અંતિમવિધી માટે ગાંધીધામ-કચ્છ લઇ જવામાં આવ્યા છે. મૃતકો પૈકીના એક વૃધ્ધના પુત્ર ભોમેશ્વર સોસાયટી પુનિતનગરમાં રહે છે.

કાળનો કોળીયો બની ગયેલા પરિવારજનોમાં ગાંધીધામ રહેતાં કમલકિશોરભાઇ ઘમંડીરામ સંકલેચા (ઉ.વ.૬૨), તેમના ધર્મપત્નિ જ્ઞાનલત્તાબેન (ઉ.વ.૬૦), તેમનો પુત્ર યશ કમલકિશોરભાઇ (ઉ.વ.૨૨) અને રાજકોટ ભોમેશ્વર પુનિતગનર-૧માં રહેતાં તેમના મોટા ભાઇ ભગવાનચંદ્રભાઇ ઘમંડીરામ સંકલેચા (ઉ.વ.૬૪)નો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ આ પરિવારજનો ગઇકાલે પોતાની ક્રેટા કાર લઇને ગાંધીધામથી સવારે વતન રાજસ્થાનના બાલોત્રા પંચપદ્રા ખાતે આટો મારવા અને મહાદેવના દર્શન કરવા જવા માટે નીકળ્યા હતાં. એ દરમિયાન સાંજે તેમને જાલોરના ચિતલવાના ક્ષેત્રના સિવાડા સરહદ પાસે નેશનલ હાઇવે ૬૮ ઉપર પોલીસ ચોકી નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માત થવાનું કારણ પોલીસે રસ્તા પર રાખેલા બેરીકેટ્સ હોવાનું સામે આવ્યું હતું. બેરીકેટ સાથે ટ્રક અથડાઇને બંધ પડ્યો હતો. તેની પાછળ રાજકોટ-ગાંધીધામના પરિવારની ક્રેટા કાર ધડાકાભેર અથડાઇ હતી અને એ પછી આ ક્રેટા પાછળ બીજી એક જીપ અને કાર અથડાયા હતાં. આમ ચાર વાહનો અથડાયા હતાં. જેમાં રાજકોટ-ગાંધીધામના મુળ રાજસ્થાની પરિવારના ચાર સભ્યો કાળનો કોળીયો બની જતાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર બંને ભાઇઓ ભગવાનચંદ્ર અને કમલકિશોરભાઇ નિવૃત જીવન ગાળતાં હતાં. જેમાં ભગવાનચંદ્રભાઇના એક પુત્ર ચંદ્રેશભાઇ ભોમેશ્વર સોસાયટી પુનિતનગરમાં રહે છે અને સ્ક્રેપનો વેપાર કરે છે. કમલકિશોરભાઇને સંતાનમાં બે પુત્રો યશ અને હાર્દિક છે. જેમાં યશનું તેમની સાથે અકસ્માતમાં મોત થયું છે. ચારેય સ્વજનોની અંતિમવિધી ગાંધીધામ ખાતે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે ભોમેશ્વરમાં રહેતાં પરિવારજનો પણ ગાંધીધામ પહોંચ્યા છે.

(3:24 pm IST)