રાજકોટ
News of Thursday, 20th February 2020

યાર્ડ ત્રીજા દિવસે પણ બંધઃ ૩૨ કરોડનું ટર્નઓવર ખોરવાયુ

ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છેઃ માલનું વેંચાણ કરવા આવી શકતા નથીઃ પોલીસ કેસ પાછો ખેંચવા વેપારીઓની માંગણી : આજે વેપારી આગેવાનો સાથે મીટીંગ યોજાશેઃ પોલીસ કેસ પાછો કેસ પાછો ખેંચવાની વેપારીઓની માંગણી અંગે રજુઆત કરાશેઃ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા

રાજકોટ, તા., ૨૦:  રાજકોટની ભાગોળે આવેલ બેડી માર્કેટયાર્ડ પાસે આજી ડેમના કારણે મચ્છરોના ઉપદ્રવથી ત્રસ્ત વેપારીઓએ  રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કરતા તેના વિરોધમાં આજે સતત ત્રીજા દિવસે યાર્ડના વેપારીઓએ  બંધ પાડી રોષ વ્યકત કર્યો હતો. વેપારીઓએ પોલીસ કેસ પાછો ખેંચવાની માંગણી કરી બંધનું એલાન યથાવત રાખ્યું છે.

યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું છે કે હાલમાં ઘઉં, ચણા, જીરૂ, કપાસ અને મગફળી સહિતના પાકની જોરદાર આવક છે અને ખેડૂતો યાર્ડમાં હડતાલના કારણે માલ વેંચવા આવી શકતા નથી. જેના કારણે અત્યાર સુધીમાં ૩૨ કરોડનું ટર્નઓવર ખોરવાઇ ગયું છે. રોજનું ૮ કરોડ ઉપરનું ટર્નઓવર થાય છે.

રાજકોટ (બેડી યાર્ડ) નજીક પસાર થતા ગટરના પાણીના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ થવાથી ખેડૂતો, વેપારીઓ અને મજુરો ત્રાહીમામ પોકારી ગયા હતા. મચ્છરોના ઉપદ્રવ મામલે કોઈ કાર્યવાહી ન કરાતા વેપારી એસોસીએશનને સોમવારથી હડતાલની ચિમકી આપી હતી. ત્યાર બાદ વેપારીઓ અને મજુરોએ રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને પોલીસની ફરજમાં રૂકાવટ કરી ચક્કાજામ કરનાર વેપારી સહીત ૩ર વ્યકિતઓની પોલીસે ધરપકડ કરી હતી.

દરમિયાન કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણીએ લાઠીચાર્જના  વિરોધમાં તથા મચ્છરોના ઉપદ્રવ પ્રશ્ને રાજકોટ યાર્ડની અચોક્કસ મુદતનું બંધનું એલાન આપ્યું છે. તે અંતર્ગત આજે ત્રીજા દિવસે રાજકોટ યાર્ડ સજ્જડ બંધ રહેતા વિવિધ જણસીઓની હરરાજી અટકી પડી હતી. યાર્ડ બંધ રહેતા   કરોડોનું નુકશાન થઇ રહયું છે અને ખેડુતોની હાલત પણ કફોડી બની ગઇ છે.

દરમિયાન રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે આજે ત્રીજા દિવસે યાર્ડ બંધથી ખેડુતો અને યાર્ડને નુકશાન થઇ રહયું છે. વેપારીઓ  દ્વારા પોલીસ કેસ પાછો ખેંચવાની માંંગણી કરાઇ છે તેવું જાણવા મળેલ છે. આ મામલે આજે વેપારી આગેવાનો સાથે મીટીંગ યોજાશે. વેપારીઓની પોલીસ કેસ પાછો ખેંચવાની માંગણી અન્વયે વેપારી એસોસીએશન સાથે યાર્ડના પદાધિકારીઓ પણ રજુઆત કરશે.

આજે વેપારી આગેવાનો સાથેની મીટીંગ બાદ હડતાલનો નિવેડો આવે તેવી શકયતા છે.

(3:58 pm IST)