રાજકોટ
News of Thursday, 20th January 2022

સિવિલ હોસ્‍પિટલમાં કનેક્‍ટીવીટી ખોરવાતા કેસબારીઓ પર કતારો જામી ગઇઃ હાથેથી લખીને કેસ કાઢવા પડયા

રાજકોટ તા. ૨૦: હાલમાં શરદી ઉધરસ તાવના વાયરા સર્વત્ર ફેલાયા છે. કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓ સતત ઉભરાઇ રહ્યા છે. તો બીજી તરફ સિવિલ હોસ્‍પિટલમાં તાવ-શરદી-ઉધરસની દવા લેવા ઓપીડીમાં કતારો જામી રહી છે. આવા સમયે આજે ઇન્‍ટરનેટની કનેક્‍ટીવીટી ખોરવાઇ જતાં મુખ્‍ય કેસ બારી અને કોવિડની કેસ બારીઓ સહિતના વિભાગમાં ભારે હાલાકી ઉભી થઇ હતી. કનેક્‍ટીવીટી મળતી નહિ હોવાને લીધે કેસ કાઢવાની કોમ્‍પ્‍યુટરાઇઝ સેવા ખોરવાઇ ગઇ હતી. આ કારણે અહિના કર્મચારીઓને ફરજીયાત હાથેથી નામ, નંબર લખીને કેસ કાઢવા પડયા હતાં. આ કારણે કેસ બારીઓ પર કતારો જામી હતી અને દર્દીઓ તથા તેમના સગાને લાંબો સમય રાહ જોવી પડી હતી.
સવારે નવ વાગ્‍યે કેસ બારીઓ ખુલી એ સાથે જ કનેક્‍ટીવીટી ગોટે ચડી ગઇ હતી. આ કારણે નવા કેસ કાઢવાની કામગીરી ખોરંભે ચડી હતી. કનેક્‍ટીવીટી મળતી ન હોવાથી કેસ બારીઓના કર્મચારીઓએ નાછુટકે હાથેથી દર્દીના નામ, કેસ નંબર સહિતની વિગતો લખીને ફાઇલો તૈયાર કરવી પડી હતી. કોમ્‍પ્‍યુટરમાં કેસ કાઢવાનું કામ અમુક સેકન્‍ડમાં થતું હોય છે. હાથેથી ફાઇલ બનાવવામાં અઢી મિનીટ જેવો સમય લાગ્‍યો હતો. આ કારણે ઘણો સમય વેડફાયો હતો. જેથી દર્દીઓ અને તેમના સગાને લાંબો સમય કતારમાં ઉભા રહેવું પડયું હતું. જેથી ઓપીડીમાં સમયસર પહોંચવામાં પણ વાર લાગી હતી. સમયાંતરે અહિ આવી સમસ્‍યા ઉભી થતી હોવાની ફરિયાદો ઉઠી હોઇ કાયમી નિવારણ કરવા માંગણી ઉઠી રહી છે.

 

(2:35 pm IST)