રાજકોટ
News of Thursday, 20th January 2022

રાજકોટ શહેર પોલીસના ડીસીપી ઝોન-૧, એક એસીપી, એક પીઆઇ સહિત ૪૫ને કોરોનાઃ મહિલા કર્મી દાખલ

ડીસીપી મીણા, એસીપી પટેલ, પીઆઇ બોરીસાગર સહિતના તમામ હોમ આઇસોલેશનમાં: તબિતય સારી

રાજકોટ તા. ૨૦: અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ સહિત ૪૦૦નો સ્‍ટાફ કોરોનાથી સંક્રમિત થયો છે ત્‍યારે બીજી તરફ રાજકોટ શહેરના પણ અધિકારીઓ સહિત ૪૫નો સ્‍ટાફ કોરોનાથી સંક્રમિત થયાનું જાહેર થયું છે. એક મહિલા કોન્‍સ્‍ટેબલ સારવાર માટે હોસ્‍પિટલમાં દાખલ છે. બાકીના તમામ ઘરે રહી સારવાર લઇ રહ્યા છે અને તમામની તબિયત સારી છે તેમ જાણવા મળ્‍યું છે.
થોડા સમય પહેલા જ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કોરોના વેક્‍સીનનો બૂસ્‍ટર ડોઝ લઇ તમામ અધિકારીઓ, કર્મચારીઓને ક્રમાનુસાર વેક્‍સીન લઇ લેવા અને તકેદારી રાખવા સુચના આપી હતી. જો કે ફરજના ભાગ રૂપે અધિકારીઓ, કર્મચારીઓને સતત બીજા લોકોના સંપર્કમાં આવવું પડતું  હોઇ તેમજ તપાસમાં બહાર પણ સતત જવાનું થતું હોઇ ક્‍યાંક ને ક્‍યાંક કોરોનાની જાળમાં આવી જતાં હોય છે.
જાણવા મળ્‍યા મુજબ રાજકોટ શહેરના ૪૫ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સંક્રમિત થયા છે. ગત સાંજે આ આંકડો જાહેર થયો છે. જે અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે તેમાં ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, એસીપી એસસીએસટી  સેલ એસ. બી. પટેલ, હેડક્‍વાર્ટરના પીઆઇ એમ. એન. બોરીસાગર, મહિલા પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એસ. બી. ગઢવી સહિતના સામેલ છે. તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ઘરે રહીને સારવાર લઇ રહ્યા છે અને તમામની તબિતય સ્‍વસ્‍થ છે. બી-ડિવીઝનના પ્રિયંકાબેન નામના કોન્‍સ્‍ટેબલને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્‍યા હોવાનું જાણવા મળ્‍યું છે.

 

(10:49 am IST)