રાજકોટ
News of Wednesday, 20th January 2021

મુસ્લિમ મહિલાની હત્યાના ગુન્હામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ર૦: હત્યાના ગુન્હામાં આરોપીને જામીન મુકત કરવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.

બનાવની હકીકત એવી છે કે, ગત તા. ૧-૬-ર૦ર૦ના રોજ ર્સ્ટલીંગ હોસ્પીટલની બાજુમાં આવેલ આવાસ યોજનાના કવાર્ટરમાં મુમતાઝબેન વા/ઓ. હનીફભાઇ જુણેજાને જીન્નતબેન, હુસેન, નાઝમીનબેન અને સદામ મંગળીયા સાથે કચરો નાખવાની નજીવી બાબતે ઝગડો થયેલ હતો અને તેમાં બન્ને પક્ષે મારામારી થયેલ હતી. ઘવાયેલ મુમતાઝબેનને ગંભીર ઇજા થતા તેઓને સારવારમાં ખસેડેલ હતા અને તેઓનું સારવાર દરમિયાન અવસાન થયેલ હતું. જે અંગે ફરિયાદ રાજકોટના ગાંધીગ્રામ-ર (યુનિ.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી.

સદરહું ગુન્હાના કામે પોલીસ દ્વારા મિલન કિરીટભાઇ ડાભીને મુખ્ય આરોપીને છરી જેવું ઘાતક હથિયાર આપેલ હોવાનું તપાસના કામે ખુલેલ હતું. જેથી પોલીસે મિલન કિરીટભાઇ ડાભીને અટક કરીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવેલ હતો. જેમાં અરજદાર આરોપીએ જામીન ઉપર છુટવા માટે રાજકોટની સેસન્સ કોર્ટમાં કરેલ હતી. જે જામીન અરજી નામંજુર થતા આરોપીએ પોતાના વકીલ મારફત નામ. ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજીના સુનાવણી સમયે અરજદારના વકીલો દ્વારા કરવામાં આવેલ દલીલો તેમજ વડી અદાલતોના ચુકાદાને ધ્યાને લઇને હાલના અરજદારને જામીન પર મુકત કરવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કરેલ હતો.

આ કામે અરજદાર/આરોપી મિલન કિરીટભાઇ ડાભી વતી એડવોકેટ જાહિદ એન. હિંગોરા, રાહુલ બી. સોરીયા તેમજ ગુજરાત હાઇકોર્ટમાં બી. એચ. સોલંકી રોકાયેલા હતા.

(2:54 pm IST)