રાજકોટ
News of Wednesday, 20th January 2021

એક વર્ષમાં ૧૦ હજાર કિ.મી. સાયકલીંગ

રાજકોટના ચાર યુવાનો સાઇકલ ચલાવી ફીટ ઇન્ડિયાનો સંદેશો પ્રસરાવી રહ્યા છે

રાજકોટ તા. ૨૦ : 'સાયકલ ચલાવો સ્વસ્થ રહો' ના સુત્રને ચરિતાર્થ કરી ફીટ ઇન્ડિયાનો સંદેશો પ્રસરાવવા રાજકોટના ચાર યુવાનોએ એક વર્ષમાં ૧૦ કિ.મી.થી વધુ સાયકલ ચલાવી અનોખી પહેલ કરી છે.

સંદીપ મારૂ, રાજેશ ઘેલાણી, જયેશ અજમેરા, પરાગ તન્ના રાજકોટ રેન્ડોનિયર સાથે જોડાયેલા છે. લોકોને સાયકલ ચલાવવાનો સંદેશો આપવા તેમણે દરરોજ સવારે સાયકલીંગનો મનસુબો બનાવ્યો અને વર્ષ ૨૦૨૦ ના ૩૬૫ દિવસમાંથી ૩૦૫ દિવસ એટલે કે દસ મહીના દરરોજ સાયકલીંગ કરી બતાવ્યુ છે. દરરોજ જુદી જુદી દિશામાં એવરેજ ૫૦ કિ.મી. સાયકલ ચલાવતા હતા.

જેમાં વર્ષ દરમિયાન સંદીપ મારૂએ ૧૧૯૫૭ કિ.મી., રાજેશ ઘેલાણીએ ૧૧૭૫૭ કિ.મી., જયેશ અજમેરાએ ૧૧૪૨૦ કિ.મી. અને પરાગ તન્નાએ ૧૦૦૦૦ કિ.મી. સાયકલ યાત્રા પૂર્ણ કરી છે.

બસ લોકો સાયકલ ચલાવતા થાય અને સ્વસ્થ રહે તેવો સંદેશ પ્રસરાવવાનો તેમનો આશય છે. કોરોના સંક્રમણ ઓછુ થયા બાદ આ પહેલને ફરી આગળ વધારવાની નેમ તેઓએ વ્યકત કરી છે.

(2:52 pm IST)