રાજકોટ
News of Monday, 20th January 2020

શિવશકિત પાર્કમાં ચાંદીકામના ધંધાર્થી જનકભાઇ પટેલ પર પાડોશીનો હુમલો

પત્ની સાથે ઝઘડતા પડોશી જયોત્સનાબેનને સમજાવવા જતા તેણીએ તેના પતિ-પુત્રો સાથે મળી ધમાલ મચાવી

રાજકોટ, તા. ર૦ : કુવાડવા રોડ પર આવેલા શિવશકિત પાર્કમાં પત્ની સાથે ઝઘડતા પાડોશી મહિલાને સમજાવવા જતા મહિલા તેના પતિ અને પુત્રો સાથે મળી પટેલ આધેડ પર હુમલો કરતા ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર શિવશકિત પાર્ક શેરી નં. રમાં રહેતા જનકભાઇ વલ્લભભાઇ સેબડીયા (ઉ.વ.૪ર) ચાંદીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તે બપોરે પોતાના ઘરે સુતા હતાં ત્યારે અઢીએક વાગ્યે પત્ની શોભનાબેન સાથે પાડોશમાં રહેતા જયોત્સનાબેન બોલાચાલી કરતા હતાં જેથી જનકભાઇ તેઓનો અવાજ સાંભળી અગાશી પર ગયા ત્યારે બંને ઝઘડો કરતા હોઇ તેથી તેમને છોડાવવા વચ્ચે પડયા અને જયોત્સનાબેનને સમજાવતા પોતાની સાથે પણ ઝઘડો કરવા લાગ્યા હતાં દેકારો થતા જયોત્સનાબેન તેનો પતિ સવજી પુત્ર ભરત અને અલ્પેશે આવી ગાળો આપી ઝઘડો કરી ઢીકાપાટુનો તથા લોખંડના પાઇપ વડે મારમારી માથામાં ઇજા કરી હતી. આસપાસના લોકો એકઠા થઇ જતા જનકભાઇને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે બી-ડીવીઝન પોલીસે ચારેય શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરી પીએસઆઇ જે.આર. સરવૈયાએ તપાસ આદરી છે.

(4:07 pm IST)