રાજકોટ
News of Friday, 19th November 2021

જ્યોતિનગર ચોકમાં કોંગી કાર્યકર હર્ષિત જાની પર કોંગી આગેવાન અને તેના ભાઇનો હુમલો : ફાયરીંગ

ગાંધીગ્રામમાં રહેતાં હર્ષિતે સાંજે પોતાના મિત્ર મયંકને ફોન કરી-રાજદિપ તાળા અને કૃણાલ ડાંગરને શું સંબંધ છે? તેવું પુછ્યું હોઇ રાજદિપ અને તેના ભાઇ અભિષેકે ફોન કરી બાલાવ્યા બાદ ડખ્ખોઃ રાજદિપના ભાઇ અભિષેક તાળાએ વોર્ડ-૧૦માં કોર્પોરેટરની ચૂંટણી લડી હતી : રાજદિપ તાળાએ 'આજે તો મારી જ નાંખવો છે' કહી પિસ્તોલથી ભડાકો કર્યોઃ હર્ષિતે પગ દૂર લઇ લેતાં ગોળી જમીનમાં લાગીઃ યુનિવર્સિટી પોલીસે ફાયરીંગ-હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી : હર્ષિતે કહ્યું-પૈસાની લેતીદેતીનું કોઇ જ કારણ નથીઃ મેં રાજદિપ તાળા વિશે ફોનમાં મારા મિત્રને પુછ્યું હોઇ તે બાબતે જ ડખ્ખો થયો

તસ્વીરમાં ઘટના સ્થળ, ત્યાંપહોંચેેલો પોલીસ કાફલો અને જેના પર ફાયરીંગ થયું તે હર્ષિત જાની નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯: કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાછળ જ્યોતિનગર ચોકમાં રાત્રીના સમયે ધારાસભ્યના અંગત મનાતા કોંગ્રેસના કાર્યકર ગાંધીગ્રામના બ્રાહ્મણ યુવાન સાથે કોંગ્રેસના જ આગેવાન પટેલ યુવાન અને તેના ભાઇએ ડખ્ખો કરી તું શું મારા વિશે પુછતો હતો? અમે જે કરીએ એમાં તારે શું લેવા દેવા? તેમ કહી ગાળો દેતાં અને કોંગી આગેવાના ભાઇએ આજે તો મારી જ નાંખવો છે...કહી પોતાની પાસેની પિસ્તોલમાંથી ફાયરીંગ કરતાં બ્રાહ્મણ યુવાને પગ સાઇડમાં લઇ લેતાં બચી ગયો હતો.  બનાવ અંગે પોલીસે ફાયરીંગ-હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપી બંધુની શોધખોળ હાથ ધરી છે. બ્રાહ્મણ યુવાને ફાયરીંગ કરનાર વિશે પોતાના મિત્રને ફોન કરી પુછ્યું હોઇ તે બાબતે માથાકુટ થયાનું સામે આવ્યું છે.

યુનિવર્સિટી પોલીસે આ બનાવમાં ગાંધીગ્રામ ગોવિંદનગર-૧ માધવ નામના મકાનમાં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં હાલ ભાજપ કાર્યકર અને કોંગ્રેસના પુર્વ ધારાસભ્યના અંગત મનાતા હર્ષિત રમેશભાઇ જાની (બ્રાહ્મણ) (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી કોંગી કાર્યકરો રાજદિપ તાળા તથા તેના ભાઇ અભિષેક તાળા સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨),  ૧૧૪, ૧૩૫ (૧) અને આર્મ્સ એકટની કલમ ૨૫ (૧-બી) મુજબ ગુનો નોંધ્યો છે.

હર્ષિત જાનીએ પોલીસને જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છુ અને મારા પિતા રમેશભાઇ જમનાદાસભાઇ જાની એલઆઇસી એજન્ટ તરીકે કામ કરે છે. મારા મતા હર્ષાબેન ગૃહીણી છે. મારુ મુળ ગામ ધ્રોલનું જાબીડા છે. હું માતા પિતાનો એકનો એક પુત્ર છું. અભિષેક તાળા અને રાજદિપ તાળાને હું વર્ષ ૨૦૧૭થી ઓળખુ છું.

ગુરૂવારે ૧૮/૧૧ના સાંજે પાંચેક વાગ્યે હું મારા મિત્ર હેમાંગ પટેલ સાથે કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાછળ જ્યોતિનગર ચોકમાં  ક્રિસ્ટલ મોલ પાછળ ઉભો હતો અને વાતચીત કરતો હતો.ત્યારે કૃણાલ ડાંગર જ્યોતિનગર ચોકમાં આવેલી પાનની કેબીને બેઠો હતો. તેણે મને ફાકી બાબતે પુછતાં મેં ના પાડી હતી. એ પછી એક તરફ જઇ મારા મિત્ર મયંક કોટકને મેં મોબાઇલ જોડ્યો હતો અને પુછ્યું હતું કે-આ કૃણાલ ડાંગર અને રાજદિપ તાળાને શું સંબંધ છે? આથી મયંકે મને કહેલું કે મને કાંઇ ખબર નથી. આ વાત થયા બાદ મેં ફોન કટ કરી નાંખ્યો હતો.

ત્યારબાદ હું જ્યોતિનગર ચોકમાં હતો તેની થોડીવાર બાદ રાજદિપ તાળા તેની કાળા રંગની સ્કોર્પિયો જીજે૦૩જેસી-૦૫ લઇને આવ્યો હતો. રાજદિપે મારી પાસે આવીને કહેલું કે-'તારે મારી સાથે શું મનદુઃખ છે?' જેથી મેં કહેલું કે કોઇ મનદુઃખ નથી. આ પછી રાજદિપે મને ચાનુ પુછતાં મેં ના પાડી હતી. ત્યારબાદ હું મારું એકટીવા લઇ રાજનગર ચોકમાં ગયો હતો અને ત્યાંથી મારા ઘરે ગયો હતો. એ પછી ફરીવાર યુનિવર્સિટી રોડ જે. કે. ચોક પાસે આવી શિવમ્ સ્ટેશનરી નજીક મારા મિત્રો સાથે બેઠો હતો.

આ વખતે રાત્રીના દસેક વાગ્યે મને રાજદિપ તાળાનો ફોન આવ્યો હતો કે મારા અને કૃણાલ બાબતે મયંકને ફોન કરીને તું શું પુછતો હતો? અમે જે કરતાં હોય તેમાં તારે શું લેવા દેવા છે? તેમ કહેતાં મેં કહેલું કે હું તમારા બાબતે કંઇ પુછતો નહોતો. ત્યારબાદ મને રાજદિપે નકલંક હોટલે મળવા આવવા કહેતાં હું તથા ધમભા ગોહિલ તેની પજેરો ગાડી લઇ નકલંક હોટેલે ગયા હતાં. મયંક કોટક અને દિપકસિંહ રાઠોડને પણ ફોન કરીને નકલંક હોટલે આવવા કહ્યું હતું.

અમે બાલાજી પાન સામે આવીને ઉભા હતાં ત્યાં મયંક અને દિપકહિં પણ આવી ગયા હતાં. બાદમાં રાજદિપ તેની સ્કોર્પિયો ગાડીમાંથી ઉતરી અમારી પાસે આવ્યો હતો અને તે મને ગાળો દેવા માંડ્યો હતો. તું મારા બાબતે શું પુછતાછ કરતો હતો? હું જે કરું તેમાં તારે કંઇ લેવા દેવા છે? તેમ કહી ગાળો દેતાં તેને ગાળો ન બોલવા કહેતાં રાજદિપે 'હું મારા ફેમિલીને મુકીને આવું છું, તું જ્યોતિનગર ચોકમાં આવ' તેમ કહી તે જતો રહ્યો હતો.

એ પછી હું તથા મયંક કોટક અને દિપકસિંહ રાઠોડ એમ ત્રણેેય દિપકસિંહની એન્ડેવર ગાડી લઇ જ્યોતિનગર ચોકમાં ગયા હતાં. જ્યાં રાજદિપ અને તેનો મોટો ભાઇ અભિષેક તાળા બંને પટેલ પાન પાસે ઉભા હતાં. આથી અમે ત્રણેય મિત્રો તેની પાસે ગયા હતાં. તે વખતે રાજદિપ ફરી ગાળો દેવા લાગ્યો હતો. મેં ગાળો બોલવાની ના પાડતાં અભિષેક તાળાએ મને ગળેથી દબાવી રાજદિપની સ્કોર્પિયોના બોનેટ પર સુવડાવી દીધો હતો અને તું શું કરી લઇશ? તેમ કહ્યું હતું.

આ વખતે રાજદિપે 'આજે તો તને જાનથી મારી નાંખવો છે' કહી તેણે કમરે ટીંગાડેલી પિસ્તોલ કાઢી મારા ડાબા પગ પાસે એક રાઉન્ડ ફાયરીંગ કરતા મેં પગ સાઇડમાં લઇ લેતાં ગોળી નીચે જમીનમાં લાગી હતી. એ પછી મારા મિત્રો વચ્ચે પડતાં રાજદિપ તેની પિસ્તોલ લઇ અભિષેકના એકટીવામાં બેસી ભાગી ગયેલો અને બંને ભાગી ગયા હતાં. રાજદિપની સ્કોર્પિયો ગાડી ત્યાં જ પડી હતી. ત્યારબાદ મેં મારા મિત્રોએ પોલીસને જાણ કરી હતી. ફાયરીંગમાં મને કોઇ ઇજા થઇ નથી.

યુનિવર્સિટી પીઆઇ એ. એસ. ચાવડા અને પીએસઆઇ એ. બી. જાડેજા, રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, જયંતિગીરી  સહિતના સ્ટાફે ઘટનાની જાણ થતાં ત્યાં દોડી જઇ ફરિયાદની કાર્યવાહી કરી હતી. આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા પણ જ્યોતિનગર ચોકમાં દોડી ગયા હતાં. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા તજવીજ કરી હતી. ચર્ચાતી વિગત મુજબ હર્ષિત જાની ૨૦૧૯માં લોકસભાની ચુંટણી વખતે ભાજપમાં જોડાયો હતો. પણ હાલમાં તે કોંગ્રેસમાં જ સક્રિય છે. હર્ષિતે કહ્યું હતું કે અગાઉ હું પહેલેથી જ કોંગ્રેસ કાર્યકર છું. સામે અભિષેક તાળા પણ કોંગી કાર્યકર છે તે વોર્ડ નં. ૧૦માં કોર્પોરેટરની ચૂંટણી પણ લડ્યો હતો. તેનો ભાઇ રાજદિપ તાળા ફાયનાન્સનું કામ કરે છે. પોતાને પૈસાની લેતીદેતીનો અભિષેક કે રાજદિપ સાથે કોઇ જ ડખ્ખો ન હોવાનું પણ તેણે સ્પષ્ટ કર્યુ હતું.

(2:39 pm IST)