રાજકોટ
News of Tuesday, 19th November 2019

રાજકોટમાં સામાજીક સોહાર્દનું વાતાવરણ જાળવી રાખોઃ કલેકટરને આવેદન સાથે રજુઆત

ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હટાવાશે તો દલીતો રોષે ભરાશે : રાજકોટમાં રાા હજાર ધાર્મિક દબાણો છેઃ આ દબાણો કેમ નજર અંદાજ કરાય છે

રાજકોટ, તા., ૧૯: મૂળ નિવાસી મહાવિહાર રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી સામાજિક સોહાર્દનું વાતાવરણ જાળવી રાખવા સહયોગ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે રાજકોટ નાના મવા સર્વે નં. ૧ર૩માં ટી.પી. સ્કીમ નં. પ, પ્લોટ નં. ર૮૮ માં છેલ્લા ચાલીસ વર્ષથી બૌધ્ધ વિહાર અને ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલ છે. નાનામવા ગ્રામ પંચાયતની સંમતી સાથે દલીત સમાજનું આ ધાર્મિક સ્થળ બનાવેલ.

આ જગ્યા દલીત વ્યકિતના કબજા ભોગવટામાં હોય બિલ્ડર લોબીને આંખના કણાની જેમ ખટકતી હતી. જેથી આ લોબીએ પોતાની વગ વાપરી અહી કોઇ પણ પ્રકારની ઝુંપડપટ્ટી ના હોવા છતા ગેરકાયદેસર પીપીપી યોજના લાગુ કરવામાં આવી. દલીત ખેડુતના મકાનો અને બૌધ્ધ વિહાર તોડી પડાયા. ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે પણ ચેડા  કરાયા.

રાજકોટમાં સરકારી સર્વે મુજબ અઢી હજાર ધાર્મિક દબાણો આવેલા છે. પોલીસ કમિશ્નરની કચેરી અને જીલ્લા પોલીસ વડાની કચેરી વચ્ચે ધાર્મિક દબાણ છે. કલેકટર કચેરી (જુની)માં પણ ધાર્મિક દબાણ છે. આ ધાર્મિક દબાણો નજર અંદાજ કરાઇ રહયા છે.

સુપ્રિમ કોર્ટે અયોધ્યામાં ધાર્મિક વિવાદ વાળી જગ્યામાં લોકોની આસ્થાને મહત્વ આપ્યું છે. બિલ્ડર અને મ.ન.પા.ના અમુક અધિકારીઓ સાથે મળી પોલીસનો દુરઉપયોગ કરે છે. પોલીસ બળવાપરી ચાર વખત ડો. બાબા સાહેબની પ્રતિમા હટાવવા નિષ્ફળ પ્રયાસ કરી ચૂકી છે. સફળ થશે તો પાછળથી દલિતોનો રોષ ખાળવો મુશ્કેલ બનશે. આવું ના બને તે માટે રાજકોટ કલેકટરશ્રી, રાજકોટ પોલીસ કમિશનરશ્રી, કમિશનરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા, પછાત વર્ગ કલ્યાણ અધિકારી સાથે દલિત સમાજના આગેવાનોની મીટીંગ ગોઠવાય તો માત્ર દસ મીનીટમાં પીપીપી યોજના અંતર્ગત નિયમ અને સરકારી જોગવાઇના દાયરામાં રહી સાનુકુળ ઉકેલ લાવવા ખાત્રી આપીએ છીએ.

(4:03 pm IST)