રાજકોટ
News of Tuesday, 19th November 2019

પત્નિને ભરણ પોષણ નહિ ચુકવતા પતિને ત્રણ માસની જેલ સજાનો આદેશ

રાજકોટ તા.૧૯: પત્નીને ભરણપોષણની રકમ નહી ચુકવનાર પતીને સાડા ત્રણ માસની જેલની સજા ચીફ કોર્ટ ફરમાવી હતી.

કેસની હકીકત એવી છે કે, આ કામના અરજદાર રેખાબેન ઘનશ્યામભાઇ વરમોરા વિ.રહે. રાજકોટવાળાએ પોતાના પતી ઘનશ્યામભાઇ મોહનભાઇ વરમોરા એટલે કે સામાવાળા રહે.જુનાગઢવાળા વીરૂધ્ધ ડી.વી એકટની કલમ ૧૨ મુજબ ભરણપોષણ તેમજ અન્ય રાહતો મેળવવા કોર્ટમાં અરજી કરેલ તેમા કોર્ટએ અરજદારની અરજી મંજુર કરી અરજદાર નં.૧ને માસીક રૂ..૪૦૦૦ તથા પુત્ર અભિષેકને રૂ..૨૦૦૦ આમ કુલ ભરણપોષણ પેટે રૂ..૬૦૦૦ ચુકવવા તેમજ અરજી ખર્ચ રૂ..૧૦૦૦ અલગથી તેવો હુકમ સામાવાળા વિરૂધ્ધ કરેલ હતો.

આ હુકમનું સામાવાળા પાલન કરતા ન હોય તેથી અરજદારે તેમના એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત કુલ ૧૬ માસની ચડત ભરણપોષણની રકમ તેમજ અરજી ખર્ચ સહીત રૂ..૯૭,૦૦૦ મેળવવા રાજકોટની એડી.ચીફ કોર્ટે મા અરજી કરેલ હતી.

આ કામે કોર્ટ સામાવાળા વીરૂધ્ધ નોટીસ ઇસ્યુ કરેલ, જે નોટીસની બજવણી યોગ્ય રીતે થઇ ગયેલ હોય જેથી સદરહું રકમ પૈકી રૂ..૬૦૦૦ જેવી રકમ અરજદારને ચુકવેલ હોય તેમજ બાકી રકમ રૂ..૯૧૦૦૦ રહેતી હોય અને કોર્ટ સમક્ષ સામાવાળા મુદત હરોળમાં હાજર રહેતા, સદર બાકી રકમ કોર્ટએ ભરપાઇ કરવાનુ કહેતા સામાવાળાએ રકમ ભરપાઇ કરવાની ના પાડેલ જેથી કોર્ટએ તેમને જ્યુડીસીયલ કસ્ટડીમા લીધેલ તેમજ અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાએ દલીલો કરેલ અને સામાવાળાને જેલ સજા કરવા કોર્ટને જણાવેલ હોય આથી નામદાર અદાલતે સામાવાળાને ૩ માસ અને ૧૫ દિવસની જેલ સજા કરવાનો હુકમ કરેલ હોય આથી ઘનશ્યામભાઇની કોર્ટમાંથી ધરપકડ કરી તાત્કાલીક જેલ હવાલે કરવાનો હુકમ કરેલ હતો.

અરજદાર રેખાબેન વરમોરા તરફે વિદ્રાન ધારાશાસ્ત્રી પી એન્ડ આર લો ચેમ્બરના અલ્પેશ પોકીયા, વંદના રાજયગુરૂ, મૃગ પરેશ, ભાર્ગવ પંડ્યા, અમીત ગડારા, કેતન સાવલીયા, વીગેરે રોકાયા હતા.

(3:43 pm IST)