રાજકોટ
News of Tuesday, 19th November 2019

રાજકોટ બાર એસો.નો ચુંટણી પ્રોગ્રામ જાહેરઃ ર૧ ડીસેમ્બરના ચુંટણી યોજાશે

રાજકોટ તા. ૧૯: રાજકોટ બાર એસો. દ્વારા સને ર૦ર૦ ની વર્ષ માટેની ચુંટણીનો પ્રોગ્રામ જાહેર કરેલ છે. ગુજરાત બાર કાઉ.ના આદેશ મુજબ સમગ્ર રાજયમાં ર૧ મી તારીખે ચુંટણી યોજવાનું જાહેર કરાયેલ હોય રાજકોટ બાર એસો.ની ચુંટણી પણ ર૧ ડીસેમ્બરે યોજવાનો કાર્યક્રમ બાર એસો. દ્વારા જાહેર કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમ મુજબ આવતીકાલે ''વન બાર વન વોટ'' મુજબની મતદાર યાદી પ્રસિધ્ધ કરાશે જેમાં યાદીમાં જાહેર થયેલા વકીલો જ આગામી ચુંટણીમાં મતદાન કરી શકશે.

ઉમેદવારો માટે ફોર્મ ભરવાની તા. પ ડીસેમ્બરે રાખવામાં આવી છે. તા. ૭ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. ત્યારબાદ તા. ૧૧-૧ર-૧૯નાં રોજ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.

બાદ એસો.ના કાર્યક્રમ મુજબ તા. ર૧ ડીસેમ્બરના સિવિલ કોર્ટ બિલ્ડીંગના પ્રથમ માળે બાર એસો.નાં રૂમમાં ચુંટણી યોજાશે. સવારના ૯ કલાકથી બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન થઇ શકશે. ત્યારબાદ મત ગણતરી શરૂ થશે અને મોડી રાત સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

ચુંટણી પ્રોગ્રામ મુજબ પ્રમુખ-ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ટ્રેઝરર અને લાયબ્રેરી સેક્રેટરીની એક-એક જગ્યા અને કારોબારીની ૯ જગ્યા માટે અને મહિલા અનામતની એક જગ્યા માટે ચુંટણી યોજવામાં આવશે.

(3:43 pm IST)