રાજકોટ
News of Tuesday, 19th November 2019

આપણી પ્રખ્યાત 'ખીચડી'માં સંશોધન કરી તેને યુનિવર્સલ બનાવવાનું બીડૂં ઝડપતું જેઠવા દંપતિ

પરંપરાગત ખીચડીમાં ૧૬થી વધુ પોષક તત્વો

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં સંશોધન કરાવ્યું: જગદીશભાઇ જેઠવા અને મિલનબેન જેઠવાએ ૧ વર્ષના સંશોધન પછી ખીચડીનું પ્રિમિકસ બનાવ્યું જેને નામ આપ્યું 'બ્રહ્મ ખીચડી': ખીચડી ને હથિયાર બનાવી જંકફુડ તરફ વળેલા લોકોને ખીચડી જેવા પારંપરિક ફુડ તરફ વાળવા પ્રયત્નશીલ

રાજકોટ, તા. ૧૯ : આપણા ભોજનમાં સામાન્ય રીતે ખીચડી એ સામાજિક સમરસતા જેવી રસદાર, કસદાર અને દમદાર વાનગી ગણાય છે. ભારતનું લગભગ એવું કોઇ ઘર નહીં હોય જયાં ખીચડી ન બનતી હોય. હા..! તેને બનાવવાની રીત કદાચ અલગ હોઇ શકે પણ વસ્તુતો એક જ બને અને તે છે ખીચડી. તમે કદી વિચાર્યું છે કે આ ખીચડીમાં ૧૬ થી પણ વધુ પોષક તત્વો રહેલા છે! જી હા... ખીચડી વિશે આવું અદભૂત અને સ્વાદિષ્ટ સંશોધન કરી તેમજ ખીચડી ને હથિયાર બનાવી લોકોને જંકફુડ માંથી પારંપરિક ફુડ તરફ વાળવાનું બીડું ઝડપ્યું છે ધોરાજી તાલુકાના મૂળ પાટણવાવ ના અને હાલ વડોદરા સ્થાઇ થયેલા દંપતી શ્રી જગદીશભાઇ જેઠવા અને તેમના ધર્મ પત્નિ શ્રીમતિ મિલનબેન જેઠવાએ.

જગદીશભાઇએ 'અકિલા'ને મુલાકાતમાં જણાવ્યું હતું કે, હાલના ફાસ્ટફુડના જમાનામાં હોસ્પીટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. જયારે આપણા પ્રાચીન ભારતના રસોડામાં પહેલા સ્વાદ સાથે સ્વાસ્થ્ય હતું. આજે તે વિસરાઇ રહ્યું છે ત્યારે અમે પ્રાચીન ભારતની વિસરાઇ ગયેલી વાનગીઓનો વારસો ફરી જીવંત કરવા છેલ્લા ૬ વર્ષ થી પ્રયત્ન કરી રહ્યા છીએ. જે અંતર્ગત અમે 'ખીચડી'માં સંશોધન કરી 'બ્રહ્મ ખીચડી' નામે ખીચડીનું તૈયાર પ્રિમિકસ બનાવ્યું છે. જે લોકો ઘરે લઇ જઇ માત્ર પાણીમાં નાંખી તુરતજ બનાવી શકે છે. ખીચડી ખાવામાં સ્વાદિષ્ટ અને પચવામાં હલકી હોય છે. આ બ્રહ્મ ખીચડી બાળકો થી લઇ વૃધ્ધો સુધી તમામ માટે ફાયદાકારક છે. આ બ્રહ્મ ખીચડી માં શરીરને સમતોલ રીતે પોષક દ્રવ્યો મળી રહે તે પ્રકારના 'ઓર્ગેનિક' પેસ્ટીસાઇડ વગરના ધાન્ય નો ઉપયોગ કર્યો છે.

જગદીશભાઇ અને મિલનબેન કહે છે, આનાથી ઘણા ફાયદા છે. જેમકે ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ થાય જેથી પ્રાકૃતિક ખેતીને વેગ મળે ખેડૂતોને રોજગારી મળે, પ્રાકૃતિક ખેતીથી ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરી શકાય વધુમાં જે લોકો ગાય આધારીત ખેતી કરે છે તેને પ્રોત્સાહન મળે અને આપણે ગૌ માતા ને પણ બચાવી શકીએ.

ખીચડી જ શા માટે? જગદીશભાઇ જેઠવા કહે છે, પંચ તત્વ રૂપી દેહને ટકાવી રાખવા ધાન્યની જરુર પડે છે. આપણા ઔષધી વિજ્ઞાનમાં ઋષીમુનીઓએ શ્રેષ્ઠ ધાન્ય મગ અને ચોખા ગણાવ્યા છે. જે પચવામાં સરળ અને આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણાય છે. જે આપણા શરીરનું સંતુલન પણ કરે છે. આ સંતુલીત આહર એટલે આપણી પરંપરાગત 'ખીચડી'.

જગદીશભાઇ અને મિલનબેને રાષ્ટ્રીય ફુડનો દરજ્જો ધરાવતી ખીચડીનું વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફુડ એન્ડ ન્યુટ્રીશ્યન ડિપાર્ટમેન્ટમાં વિસ્તૃત સંશોધન કરાવ્યું. ડો. મીનાબેન શેઠ દ્વારા તેનું સંશોધન કરાતા જણાયું કે, ખીચડીમાં ૧૬ થી વધુ પોષક તત્વો છે. ખાસ પ્રકારના તેમણે ગેસ પર ચાલે તેવા ડિઝાઇન કરેલા માટીના વાસણમાં ખીચડી બનાવી હતી અને ન્યુટ્રીશિયન વિભાગમાં પરીક્ષણ માટે અપાઇ હતી. જેનું સંશોધન કરતા આ ખીચડી સંપૂર્ણ આહાર છે તેવું સમર્થન મળ્યું હતું.

વડોદરા ખાતે આ જેઠવા દંપતિ પ્રાચીન પરંપરા મુજબ ખીચડી બનાવી અને લોકોને વેંચે છે. જગદીશભાઇ કહે છે, જંકફુડ અને ફાસ્ટફુડ તરફ વળેલી આજની પેઢીને આ પ્રાચીન પરંપરા જેવી વાનગી ખીચડી તરફ વાળવી છે. બ્રહ્મ એટલે પૂર્ણ જેથી બ્રહ્મ ખીચડીને માત્ર દેશમાંજ નહિં વિદેશમાં પણ લોકપ્રિય બનાવવી છે. જો ત્યાંનુ જંકફુડ અહિં આવે તો આપણી ખીચડી ત્યાં કેમ ન જાય..? વિદેશ જતાં લોકો આ ઇન્સ્ટંટ બનતી પ્રિમિકસ બ્રહ્મ ખીચડી લઇ જાય તો બીજા ખોરાકની જરૂર જ ન પડે.

પાટણવાવના જગદીશભાઇ પહેલા નોકરી કરતા પણ કંઇક અનોખું કરવાની પ્રબળ ઇચ્છાથી અને એક વર્ષના સંશોધન પછી તેમજ ૬ વર્ષના સંઘર્ષ પછી તેમણે બ્રહ્મ ખીચડી તૈયાર કરી છે. તેમણે વસ્ત્રાલ ખાતે રેપીડ એકશન ફોર્સના જવાનોને ખીચડી વિશે સમજ આપી સાત્વિક ભોજનની વિચાર સરણી વિશે માહિતગાર કર્યા છે. તાજેતરમાં વડોદરામાં જયારે પુર આવ્યું ત્યારે આ બ્રહ્મ ખીચડીનું મહત્વ લોકોને વધુ સમજાયું હતું. જગદીશભાઇ અને મિલનબેન રેલવેમાં પણ આ ખીચડીને સ્થાન અપાવવા પ્રયત્નશીલ છે. ગુજરાત ટુરીઝમના સ્થળો જેવાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી જગ્યાએ આવતા પર્યટકો માટે આ સંપૂર્ણ સાત્વિક આહાર બ્રહ્મ ખીચડી આરોગ્યપ્રદ અને સ્વાદપ્રદ સાબીત થાય તેમ છે. જગદિશભાઇ અને મિલનબેન કહે છે, અમે વડોદરામાં બ્રહ્મ ખીચડીનું લાઇવ કાઉન્ટર કરીએ છીએ. ભવિષ્યમાં પ્રાચીન ભારતની વિસરાઇ ગયેલી વાનગીઓનો વારસો ફરી જીવંત કરવો છે. જો ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં દેશી મગનું ઉત્પાદન કરશે તો અનેક રોગોમાં અકસીર દેશી મગનો સૂપ પણ વેંચવો છે. અમે ઘણી બધી આરોગ્યપ્રદ વાનગી લોકોને આપી આપણા ભારતની પ્રાચીન પરંપરાને ફરીથી જીવંત કરવી છે. શ્રી જગદીશભાઇ જેઠવાનો સંપર્ક ૯૦૯૯૯ ૧૮૨૭૦ પર કરી શકાય છે.

મુખ્યમંત્રીશ્રીએ જગદીશભાઈ જેઠવાને શુભેચ્છા પાઠવી

ખીચડી વિશે સંશોધન કરી ''બ્રહમ ખીચડી'' રૂપે આરોગ્ય વર્ધક ખીચડીનો પ્રચાર- પ્રસાર કરનાર જગદીશભાઈ જેઠવાને ગુજરાત રાજયમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પત્ર લખી શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના આ અનોખા અભિયાનને સફળતા મળે તેવી કામના કરી હતી.

આપણા ભોજનમાં ખીચડી એ સામાજિક સમરસતા જેવી રસદાર અને કસદાર વાનગી ગણાય. જેમાં સાદગી, સત્વ અને એકરૂપતાના સમન્વયથી તે એક મહત્વપૂર્ણ મિજબાની થઈ શકે છે. પાચક અને પોષક રસોના મિશ્રણ જેવી ખીચડીને તો આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ વખાણી છે.

અલગ અલગ અનાજ, ચોખા, દાળ, કઠોળને માટીના વાસણમાં પાકશાસ્ત્રનો પ્રક્રિયાથી રાંધતાં, પથ્યરૂપે તૈયાર થતી ખીચડી, આરોગ્યવર્ધક અને આનંદ  વર્ધક બની રહે છે. ગરીબ- અમીર સૌને આહારમાં અનુકુળ બને છે.

સંશોધન એ ઊંડાણ છે. ખીચડી અંગેના આપના અનુભવોના ફળ સ્વરૂપે તૈયાર કરેલી રેડી ટુ ઈટ બ્રહમ ખીચડીનો વ્યાપકરૂપે પ્રસાર- પ્રચાર થાય તે ઈચ્છનીય છે. કારણ કે તે સ્વયંપાકી સજજનો માટે પણ આશીર્વાદરૂપ આહાર છે.

૫ પ્રકારની ખીચડી મળે છે..

જગદીશભાઇ અને મિલનબેન જેઠવા વડોદરામાં લાઇવ કાઉન્ટર દ્વારા માટીના વાસણમાં પાંચ પ્રકારની ખીચડી બનાવી લોકોને વેંચી જંકફુડથી દુર કરવાનું ભગીરથ કાર્ય કરે છે. આ ખીચડીમાં સીનિયર સીટીઝન થી લઇ નાના બાળકો માટે બ્રહ્મ ખીચડી, યંગસ્ટર્સ માટે ગાર્લિક ખીચડી, બાળકો માટે તેને ભાવતી ખીચડી, હેલ્થ માટે બધાને ભાવે તેવી ફૂદીના ની ખીચડી અને રેગ્યુલર ખીચડી. જેમાં ૨૪ થી ૨૫ વસ્તુઓ ધાન્યની સાથે મકાઇ, શીંગદાણા, સીઝનના શાકભાજી, ફળ, ડ્રાઇફ્રૂટ વગેરે ભળે છે. ખાસ પ્રકારના માટીના વાસણમાં તેને બનાવાય છે જેથી કુદરતી મીઠાસ તેમાં રહે છે. આ ખાસ પ્રકારનું માટીનું વાસણ તેમણે બનાવરાવ્યું છે અને વેંચે પણ છે જેથી કુંભારને પણ રોજગારી મળી રહે. ભવિષ્યમાં ચાર થી પાંચ જાતની ચટણી, નેચરલ સૂપ, વિસરાઇ ગયેલી વાનગીઓને એજ સ્વાદ, સુગંધ સાથે લોકો સમક્ષ મૂકવાનું આયોજન છે.(૩૭.૬)

ટુંક સમયમાં 'બ્રહમ ખીચડી'ની વિવિધ જગ્યાએ શાખાઓ ખોલવાનું આયોજન

શ્રી જગદીશભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે, હાલ વડોદરા ખાતે ૩૨૨, લોટસ ઈલાઈટ, બ્રહમ ખીચડી હાઉસ, ઓસિયા હાઈપર મોલની બાજુમાં, ગોત્રી- સેવાસી રોડ, વડોદરા ખાતે ખીચડી ઉપલબ્ધ છે. આ બ્રહ્મ ખીચડીના એક પેકેટમાં તેલ, મીઠું, હળદર, મસાલા, ચોખા, તુવેર દાળ અને મગદાળનું પ્રિમિકસ આપવામાં આવે છે. (પેકેટ - ૨૭૫ ગ્રામ) આ એક પેકેટમાંથી એક કિલો ૨૦૦ ગ્રામ જેટલી ખીચડી બને છે અને ત્રણથી ચાર વ્યકિત આરામથી ખાઈ શકે છે. આ પેકેટની કિંમત ૯૦ રૂ. રાખવામાં આવી છે. જો કોઈને બ્રહમ ખીચડીની ફ્રેન્ચાઈઝી જોઈતી હોય તો શ્રી જગદીશભાઈ જેઠવાનો મો.૯૦૯૯૯ ૧૮૨૭૦ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. વધુમાં પશ્ચિમનાં દેશોમાં પણ જો કોઈને બ્રહ્મ ખીચડીનું શરૂ કરવું હોય તો આ નંબર પર જ સંપર્ક કરી શકે છે.

ખીચડીમાં કયા પ્રકારના પોષક તત્વોનું કેટલુ પ્રમાણ?

પોષક તત્વ

એક સર્વિંગ

(૪૦૦ ગ્રામ)

રોજની જરૂરના

કેટલા ટકા

પોષક તત્વ

એક સર્વિંગ

(૪૦૦ ગ્રામ)

રોજની જરૂરના

કેટલા ટકા

એનર્જી

૨૮૦ કેલેરી

૧૫.૫

વિટામીન ઈ

૦.૩૨ આઈયુ

૧.૪૨

પ્રોટીન

૭.૪૪ ગ્રામ

૧૩.૫૨

કેલ્શિયમ

૭૦.૩૨ મિલી ગ્રામ

૮.૭૯

કાર્બોહાઈડ્રેટ

૩૨ ગ્રામ

૧૨.૯૨

આર્યન

૨ફ૭૬ મિલીગ્રામ

૯.૮૫

ટોટલ ફેટ

૧૨.૬૪ ગ્રામ

૨૧.૦૬

સોડીયમ

૧૦૧૫.૪ મિલીગ્રામ

૨૦.૩૦

ડાયેટરીફાઈબર

૮ ગ્રામ

૨૬.૬ ટકા

પોટેશીયમ

૭૫૩.૬૪ મિલીગ્રામ

૨૫.૧૨

વિટામીન એ

૯૯૪.૪ આઈયુ

૨૪.૮૬

મેગ્નેશિયમ

૭૧.૧૨ મિલીગ્રામ

૨૨.૨૨

વિટામીન બી ૬

૦.૨૪ મિલીગ્રામ

૧૮.૪૬

ફોસ્ફરસ

૧૩૮.૩૨ મિલીગ્રામ

૧૯.૭૬

વિટામીન સી

૪૬.૩૨ મિલીગ્રામ

૬૬.૭૬

ઝિન્ક

૧.૧૨ મિલીગ્રામ

૧૪

(11:51 am IST)