અયોધ્યા સોસાયટીમાં પટેલ પરિવારના એકના એક ૨૩ વર્ષના દિકરાનો ઝેરી દવા પી આપઘાત
યોગેશ કોઠારી માનસિક અસ્વસ્થતાને કારણે કેટલાક દિવસથી ગુમસુમ રહેતો'તોઃ પરિવારમાં કલ્પાંત
રાજકોટ તા. ૧૯: હરિ ધવા માર્ગ પર અયોધ્યા સોસાયટીમાં રહેતાં યોગેશ રમેશભાઇ કોઠારી (ઉ.૨૩) નામના પટેલ યુવાને ઘઉંમાં રાખવાની ઝેરી ટીકડીઓ પી લેતાં સાંજે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ રાત્રે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. તે માતા પિતાનો એકનો એક પુત્ર હતો.
બનાવની જાણ વોકહાર્ટ હોસ્પિટલ મારફત થતાં ભકિતનગરના એએસઆઇ જયુભા પરમાર અને મેહુલભાઇએ એડી નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ યોગેશ માતા-પિતાનો એક જ પુત્ર હતો અને હાલમાં કંઇ કામ કરી શકતો નહોતો. તેને માનસિક અસ્વસ્થતા જેવું હોઇ કેટલાક દિવસથી સતત ગુમસુમ રહેતો હતો. ગત સાંજે બે ઝેરી ટીકડી પી લીધી હતી. સારવાર દરમિયાન દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. બીજુ કોઇ કારણ તો જવાબદાર નથી ને? તે અંગે પોલીસ વિશેષ તપાસ કરશે. યોગેશના પિતાને ટાયર-ટ્યુબના પંચર સાંધવાની દૂકાન છે.