રાજકોટ
News of Monday, 19th November 2018

રાગદ્વેશ, સ્વાર્થપણું છોડી સ્નેહથી રહેવાનુ ધર્મ દ્વારા શિખવા મળે છેઃ પૂ. સીતારામ બાપુ

સાખડાસર ગામે શિવમહાપુરાણ કથાનું સમાપન

   રાજકોટઃ સાખડાસર ગામે શિવમહાપુરાણ કથાના વિરામના દિવસે પૂ. સીતારામબાપુએ જયોતિલીંગોની પ્રાગ્ટય કથા સાથે  કલિકાલમાં સુમિરન અને ધ્યાનનો મહિમાં સમજાવતાં કહયું કે શિવભકિતથી સન્મતી, શકિત અને સંમતિ સાત્વીક બની સદ્માર્ગે વપરાય છે. અને ભલાઇના ગુણ પ્રગટી સૌ સંપ અને સહકાર થકી પરસ્પર જીવનને ભવ્ય કરતાં દિવ્ય બનાવવાનો પ્રયત્ન કરે છે. રાગદ્વેષ, સ્વાર્થપણુ છોડી સ્નેહથી રહેવાનુ ધર્મ દ્વારા શીખવા મળે છે. સ્વધર્મ એટલે પોતાને જે કર્તવ્યપાલન છે તે નિષ્ઠાથી ધર્મમાની ફરજ બજાવવી. ધર્મ માત્ર પુજા કે ક્રિયાકાંડ પુરતો નહિં પરંતુ કર્મમાં ધર્મ ભળે અને ધર્મ દ્વારા સાચા ધર્મવૃત બની જીવનને ધન્ય બનાવીએ એમ કહી ગાંધીજી, ડોંગરે બાપાના જીવનના પ્રસંગો કહી, ગાંધીજી  તો હરીચંદ્રનું નાટક જોઇ જીવન પરિવર્તન કરી તેમની આત્મકથાનું નામ જ ''સત્ય પ્રયોગો'' રાખ્યુ અને દેશના રાષ્ટ્રપિતાનું બિરૂદ પામ્યા એજ રીતે ડોંગરેબાપા ગુરૂભકિત દ્વારા હજારો જીવોને ભાગવતવાણીથી ભગવતમય અને પરોપકારી બનાવવાનું કાર્ય કર્યું

ગોરા કુંભારના વચન-નેક-ટેકથી પ્રભુને પધારવું પડયું. વૈજનાથ, નાગનાથ, કાશી વિશ્વનાથ, રામેશ્વર અને પરોપકારીની મૂર્તિ ગૌતમ ઋષિ બે દુર્જનોના ત્રાસથી તપમાર્ગ લઇ શિવને પ્રસન્ન કર્યા તે પ્રસંગ સાથે બહેનો પણ શિવપુજા નિયમ પ્રમાણે કરી શકે તેમ કહી ઘુશ્યા અને સુદેહાનો પ્રસંગ રસાળ શૈલીમાં વર્ણવી ઘુશ્મેશ્વર મહાદેવ પ્રાગટય કથા કરી હતી.

 અંતમાં ગુરૂમહિમા ગુરૂચરણોમાં શ્રધ્ધા અને ભકિત બે પાંખો છે ગુરૂએ અસ્તિત્વ છે તેને વ્યકિતના રૂપમાં જોવાય નહિં આમ કહી વેદવ્યાસનું ચરિત્ર કહી ગુરૂવંદના કરી હતી અને દ્વાદ્વશ જયોતિલીંગનો આંબો ગાઇ, ગાન કરાવી સૌને શુભાષિશ સાથે શિવ તત્વ હૃદયસ્થ બનો એ સાથે કથાને વિરામ આપ્યો

કથા દરમિયાન દરરોજ હરીહર તેમજ આજુબાજુના ગામોના ખુબ લોકોએ કથાશ્રવણનો લાભ લીધો હતો.

(3:47 pm IST)