રાજકોટ
News of Monday, 19th October 2020

રાજકોટ ડેરી પનીર પ્લાન્ટ સ્થાપશે

ગોરધનભાઇ ધામેલિયાની અધ્યક્ષતામાં પ્રથમ બોર્ડ બેઠકમાં નિર્ણયઃ ૬૦% સરકારની મદદ મળશે

રાજકોટ તા. ૧૯: જીલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘમાં નેતૃત્વ પરિવર્તન પછી આજે પ્રથમ બોર્ડ બેઠક નવા ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં પનીર ઉત્પાદનનો પ્લાન્ટ સ્થાપવાનો સૈધ્ધાંતિક નિર્ણય લેવાયો હતો. ડેરીનાં બોર્ડનાં સભ્ય અને રાજયનાં કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દાઓની ચર્ચા થઇ હતી.

સૌરાષ્ટ્રમાં અમુક જીલ્લાઓમાં પનિર પ્લાન્ટ છે. પનીરની વધતી જતી માંગને ધ્યાને રાખી રાજકોટ ડેરી પનીર પ્લાન્ટ સ્થાપવા માંગે છે જેનો અંદાજીત ખર્ચ રૂ. ર.રપ કરોડ છે.

જેમાંથી ૬૦ ટકા રકમ કેન્દ્ર સરકારની કૃષી સહાય યોજનાં અંતર્ગત આપે તેવી જોગવાઇ છે. બાકીની રકમ ડેરી ભોગવશે. ડેરીનાં સંકુલમાંજ આ પ્લાન્ટ સ્થપાશે. નવા ચેરમેન ગોરધનભાઇ ડેરીની કામગીરીની યોજનાઓનો અભ્યાસ કરી રહ્યા છે. ટુંક સમયમાંજ નવા કેટલાક નિર્ણયો પણ થાય તેવી શકયતા છે.

(3:54 pm IST)