રાજકોટ
News of Monday, 19th October 2020

ચુંટાયેલા ઉમેદવારોને કામ કરતાં અટકાવી શકાય નહિ દેવળી સહકારી મંડળીના કેસમાં રાજકોટ લવાદ કોર્ટનો ચુકાદો

રાજકોટ, તા.૧૯: ચુંટાયેલાને કામ કરતા અટકાવી શકાય નહિ તેવો લવાદ કોર્ટે સહકારી મંડળીના કેસમાં મહત્વનો ચુકાદો આપેલ હતો.

દેવળી સેવા સહકારી મંડળી લી.મુ.દેવળી, તા.કોડીનાર, જી.ગીર સોમનાથની વર્ષ ૨૦૨૦થી ૨૦૨૫ના વર્ષ માટેની વ્ય.કમીટીની ચુંટણી થયેલ જે ચુંટણીમાં અનુ.જાતીની સીટ માટે બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ હતી અને ચુંટણી પરીણામમાં મતનો વિવાદ થયેલ જે વિવાદ લગત ખેંગારભાઇ માલાભાઇ ચુડાસમાએ દેવળી સેવા સહકારી મંડળી લી. તેના ચુંટણી અધિકારી અને તેના હરીફ ઉમેદવાર લખમણભાઇ ડાયાભાઇ ચુડાસમા સામે વિજ્ઞાપન અને મનાઇહુકમનો દાવો રાજકોટની લવાદ કોર્ટમાં દાખલ કરી કોર્ટ સમક્ષ જણાવેલ કે મેં અનુ.જનજાતી સીટ ઉપર ઉમેદવારી કરેલ છે અને ચુંટણી અધિકારીએ અમો વાદીને ઓછા મત મળે અને પ્રતિ.લખમણભાઇની તરફેણમાં વધુ મત મળે તે મુજબ કાયદા, કાનુન અને કુદરતી ન્યાયના સિધ્ધાંતો વિરૂધ્ધ જઇ મતો માન્ય-અમાન્ય રાખીને મત ગણતરી કરેલ હોય જેથી હાલનો દાવો લવાદ કોર્ટમાં દાખલ કરેલ છે અને વચગાળાના તબકકે પરીણામ અટકાવવા, હોદેદારોની નિમણુંક અન્વયે મંડળી કોઇ મીટીંગ બોલે બોલાવે નહિ તેવી માંગણી કરેલ હતી.

આ દાવા કામે દેવળી સેવા સહકારી મંડળી લી.ના મંત્રી તથા તેના ચૂંટણી અધિકારી વતી મનોહરસિંહ જાડેજા એડવોકેટ તરીકે લવાદ કોર્ટમાં હાજર થઇ લેખીત તથા મૌખીક રજુઆતો કરેલી કે વાદી તા.૨૫-૯-૨૦ના રોજ દાવો દાખલ કરેલ તે પહેલા ચુંટણી અધિકારીએ જીલ્લા રજી.ખરાડી સાહેબના માર્ગદર્શન નીચે તા.૨૩/૯/૨૦ના રોજ ચુંટણી પરીણામ જાહેર કરી લખમણભાઇ ચુડાસમાને ૧ મતે વિજેતા જાહેર કરેલ. આ બાબતે વાદી ખેંગારભાઇને જાણ હોવા છતા બિનફળદાયી દાવો લાવેલ છે. વિશેષમાં મનોહરસિંહ જાડેજા એડવોકેટએ લવાદ કોર્ટમાં રજુઆત કરેલ કે વચગાળાના તબકકે ચુંટાયેલાને કામ કરતા અટકાવી શકાય નહિ તેવા હાઇકોર્ટ તથા સહકારી ટ્રીબ્યુનલના પ્રસ્થાપીત સિધ્ધાંતો રજુ કરી અને વચગાળાના તબકકે દાવો ચલાવ્યા વિના દાવો નિર્ણિત થઇ શકે તેવી અંતીમ દાદ આપી શકાય નહિ. આમ ચુંટણી અધિકારીના એડવોકેટની રજુઆતો ધ્યાને રાખી હારેલ ઉમેદવાર ખેંગારભાઇની વચગાળાની મનાઇ હુકમ અરજી નામંજુર કરવાનો હુકમ લવાદ કોર્ટે કરેલ છે. આ કેસમાં પ્રતિ.નં.૧, ર મંડળી અને ચુંટણી અધિકારી વતી એડવોકેટ મનોહરસિંહ જાડેજા રોકાયેલા હતા તથા પ્રતિ. નં.૩ જીતેલ ઉમેદવાર લખમણભાઇ ચુડાસમા વતી હાર્દિકભાઇ ડોડીયા તથા ધવલ ચોવટીયા રોકાયેલ હતા.

(3:46 pm IST)