રાજકોટ
News of Monday, 19th October 2020

જામનગર રોડ આઇઓસીડેપોમાં બિનવારસી બેગમાં બોમ્બઃ સલામત રીતે ડિફયુઝ કરાયો

કોલ મળ્યાની પાંચથી સાત મિનિટમાં પોલીસ, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ, ડીસીબી, એસઓજી, ગાંધીગ્રામની ટીમો પહોંચી ગઇઃ છેલ્લે મોકડ્રીલ જાહેર કરવામાં આવી

તસ્વીરમાં આઇઓસી ડેપો, કોલ મળતાં પહોંચી ગયેલી ટીમો અને શંકાસ્પદ બેગને કઇ રીતે લઇ જવામાં આવી તેના દ્રશ્યો જોઇ શકાય છે.

રાજકોટ તા. ૧૯: શહેરના જામનગર રોડ પર આઇઓસી ડેપોમાં એડમિન બિલ્ડીંગ પાસે એક બિનવારસી બેગ પડી હોવાની જાણ થતાં જ પોલીસ, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ, ડીસીબી, એસઓજી તથા ગાંધીગ્રામ પોલીસનો કાફલો દોડી ગયો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની તપાસમાં બોમ્બ હોવાનું ખુલતાં સહીસલામત રીતે બેગને દૂર અવાવરૂ મેદાનમાં લઇ જઇ બોમ્બ ડિફયુઝ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. અંતે આ એક મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસ સહિતના તંત્રોની સતર્કતા તપાસવા સમયાંતરે આવી મોકડ્રીલ યોજાય છે. આજે પણ અગાઉની જેમ તમામ ટીમો આ પરિક્ષામાં પાસ થઇ હતી.

આઇઓસી ડેપોના સિકયુરીટી ઇન્ચાર્જ દ્વારા ૧૦:૦૪ કલાકે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરે ડેપોમાં એડમિન બિલ્ડીંગ પાસે બિનવારસી શંકાસ્પદ બેગ પડી હોવાની જાણ થતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ડી. વી. બસીયા અને એસીપી ટ્રાફિક બી. એ. ચાવડાના માગર્દશનમાં ગાંધીગ્રામના પીઆઇ કે. એ. વાળા, કયુઆરટી પીએસઆઇ ઝાલા, એસઓજી પીઆઇ આર.વાય. રાવલ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડના પીએસઆઇ રબારી તથા તેમની ટીમ, ડોગ સ્કવોડ, ડીસીબીની ટીમ તેમજ બીજા અધિકારીઓ અને સ્ટાફ પાંચથી સાત મિનિટમાં જ ત્યાં પહોંચી ગયા હતાં અને પોઝિશન લઇ લીધી હતી.

એ પછી ડેપોના સિકયુરીટી ઇન્ચાર્જે જણાવેલી જગ્યાને પોલીસ, બીડીડીએસ, ડોગ સ્કવોડની ટીમે કોર્ડન કરી લીધી હતી. બોમ્બ સ્કવોડે તપાસ કરતાં એકસપ્લોઝિવ હોવાનું જણાતાં રેતીની થેલીઓ આડે રાખી બેગને સલામત રીતે ટ્રોલીમાં રાખી બાદમાં દૂર અવાવરૂ મેદાનમાં લઇ જઇ ડિફયુઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. એ પછી આ એક મોકડ્રીલ હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જાહેર કર્યુ હતું.

(3:43 pm IST)