રાજકોટ
News of Monday, 19th October 2020

કોલેજીયન છાત્રાનું અપહરણઃ મનહરપુર ઢોળાના શકદાર સાગર સોલંકી સામે ગુનો

રાજકોટ તા. ૧૯: જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે મનહરપુરમાં રહેતી સગીરાનું અપહરણ થઇ જતાં ફરિયાદ નોંધાવાઇ છે. શકદાર તરીકે આ વિસ્તારના જ શખ્સનું આરોપીમાં નામ અપાયું છે.

આ અંગે યુવિનર્સિટી પોલીસે અપહૃત સગીરાના પિતાની ફરિયાદ પરથી શકદાર મનહરપુર ઢોળા ઉપર રહેતાં સાગર સોલંકી વિરૂધ્ધ આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો છે. ફરિયાદી સેન્ટીંગ કામની મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે મારે ચાર સંતાનમાં સોૈથી નાની દિકરી ૧૭ વર્ષ અને ૯ માસની છે. આ દિકરીએ તાજેતરમાં કોલેજમાં એડમિશન લીધું છે. ૧૨/૧૦ના રાતે બારેક વાગ્યે અમે બધા જમીને સુઇ ગયા હતાં. રાતે મારા પત્નિ પાણી પીવા ઉઠ્યા ત્યારે દિકરી ઓસરીમાં સુતી હતી તે જોવા ન મળતાં મને  જગાડતાં શોધખોળ શરૂ કરી હતી.

ઠેકઠેકાણે સગાસંબંધીઓને ત્યાં પણ તપાસ કરી હતી. પરંતુ દિકરી મળી આવી નહોતી. એક વર્ષ પહેલા તેણીને મનહરપુરના સાગર સોલંકી સાથે પ્રેમસંબંધ હોવાની અમને જાણ થઇ હતી. તે વખતે સમાધાન થઇ ગયું હતું. સાગરની તપાસ કરતાં તે પણ ઘરેથી નીકળી ગયો હોવાનું જાણવા મળતાં એ જ અમારી દિકરીને ભગાડી ગયાની શંકા છે. યુનિવર્સિટી પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એચ. જે. બરવાડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:38 pm IST)