રાજકોટ
News of Friday, 19th October 2018

કાનુની લપડાક

કોંગી કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા ગેરલાયક : હાઇકોર્ટે અરજી ફગાવી

કાલનાં જનરલ બોર્ડમાં ધર્મિષ્ઠાબાને બેસવા નહી દેવાય : બીનાબેન આચાર્ય

રાજકોટ તા. ૧૯ : કોંગ્રેસના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા કે તેઓ વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટર છે. તેઓ સતત ત્રણ મહિના સુધી જનરલ બોર્ડમાં ગેરહાજર રહેતા સેક્રેટરીની ભલામણ બાદ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ બી.પી.એમ.સી. એકટની જોગવાઇ મુજબ ધર્મિષ્ઠાબા જાડેજાને કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવ્યા હતા. કમિશ્ન્રશ્રીના આ નિર્ણય સામે ધર્મિષ્ઠાબાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને નામદાર હાઇકોર્ટે ફગાવી દેતા તંત્રની તરફેણમાં ચુકાદો આવ્યો છે અને ધર્મિષ્ઠાબા કોર્પોરેટર પદે ગેરલાયક ઠેરવાયાનો નિર્ણય યથાવત હોવાનું મેયર બીનાબેન આચાર્ય તથા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડે જાહેર કર્યું હતું. આથી હવે આવતીકાલે તા.૨૦મીએ મળનારા મ્યુ.કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાં કોંગ્રેસનાં વોર્ડ નં-૧૮નાં કોર્પોરેટર ધર્મીષ્ઠાબા જાડેજા બેસી નહી શકે.

આ અંગેની વિગતો મુજબ 'અગાઉ સેક્રેટરીએ જયારે ધર્મીષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવાની દરખાસ્ત મ્યુ.કમિશનરને કરી હતી તે વખતે જ કાનુની અભિપ્રાય મેળવ્યા પછી જ ધર્મીષ્ઠા બાને ગેરલાયક ઠેરવાયા છે અને તેઓની બેઠક ખાલી થયાની જાણ ચૂંંટણી પંચને કરી દેવાઇ હતી. ત્યારબાદ ધર્મિષ્ઠાબાએ કાનુની લડત માંડી હતી અને ગેરલાયક ઠેરવવાના હુકમ સામે હાઇકોર્ટમાં અરજી કરેલ.

દરમિયાન હવે ધર્મીષ્ઠાબા જનરલ બોર્ડમાં બેસી નહી શકે તે બાબત સ્પષ્ટ થઇ છે. કેમકે નામદાર હાઇકોર્ટે તેઓની અરજી ફગાવી દીધી છે. (૨૧.૨૫)

ધર્મિષ્ઠાબાને ગેરલાયક ઠેરવવા સામે હાઇકોર્ટની ઉપલીબેંચમાં અરજી કરાશેઃ મહેશ રાજપૂત

રાજકોટ : કોંગ્રેસનાં વોર્ડ નં.૧૬નાં કોર્પેરેટર ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજાને ગેરલાયક ઠેરવવા સામે કરાયેલ અરજીને નામદાર હાઇકોર્ટે ફગાવી દેતાં હવે આ કાનુની લડતને વધુ લંબાવાશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યું હતું. તેઓએ જાહેર કયુંર્ હતું કે આ મામલે હવે સોમવારે હાઇકોર્ટની ઉપલી બેંચ સમક્ષ અરજી કરાશે.

(3:43 pm IST)