રાજકોટ
News of Friday, 19th October 2018

સ્વ. કિશોરકુમારને 'ભારત રત્ન' મળે તે માટે હસ્તાક્ષર અભિયાનઃ શ્રધ્ધાંજલી કાર્યક્રમ

સોની દ્વારકાદાસ ઝીંઝુવાડીયા અને જીતુભાઈ હીરાણી દ્વારા અભિયાનઃ સ્વ. કિશોર'દાના સમાધી સ્થળે તેમના ગીતો ગાઈને શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટ, તા. ૧૯ :. વિશ્વભરમાં ભારતનું નામ ગુંજતુ કરનાર મહાન હિન્દી ફિલ્મ પાર્શ્વગાયક અને અભિનેતા સ્વ. કિશોરકુમારને 'ભારત રત્ન' એવોર્ડ મળે તે માટે સંગીત પ્રેમી દ્વારકાદાસ ઝીંઝુવાડીયા તથા જીતુભાઈ હિરાણી દ્વારા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હસ્તાક્ષર અભિયાન શરૂ કરી અને સ્વ. કિશોર'દાને શ્રધ્ધાંજલી માટે સંગીતમય કાર્યક્રમ પણ યોજાયો હતો.

આ અંગે અકિલાની શુભેચ્છા મુલાકાતે આવેલા દ્વારકાદાસ સોની (મો. ૯૭૨૭૦ ૫૬૯૧૩) તથા જીતુભાઈ હિરાણી (મો. ૯૪૨૬૭ ૩૨૫૩૭) એ વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે મહાન ગાયક સ્વ. કિશોરકુમારને જીવતે જીવ 'ભારત રત્ન'ની પદવી મળવી જોઈતી હતી પરંતુ સદ્ગત કિશોર'દાને મરણોપરાંત 'ભારત રત્ન'ની પદવી મળે તે માટે દેશભરના સંગીત પ્રેમીઓ મારફત હસ્તાક્ષર અભિયાન શરૂ કરાયુ છે. આ માટે સ્વ. કિશોરકુમારના મુંબઈના નિવાસ સ્થાન 'ગૌરીકુંજ' ખાતે તેઓના ધર્મપત્નિ લીના ચંદાવરકર તથા પુત્ર અમિતકુમારને રૂબરૂ મળીને તેઓને જાણ કરાતા તેઓએ પણ આ બાબતને સમર્થન આપ્યુ હતું.આ ઉપરાંત કિશોરકુમારના અન્ય નિવાસ સ્થાન 'ગાંગુલી નિવાસસ્થાન'ની મુલાકાત લેતા તેની જર્જરીત સ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી હતી. તેમજ આ બન્ને સંગીત પ્રેમીઓએ ખંડવા ગામે સ્વ. કિશોર'દાના સમાધી સ્થળે દૂધ-જલેબી ધરીને તેઓના ગીતો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

(3:34 pm IST)