રાજકોટ
News of Friday, 19th October 2018

વી.વી.પી.એન્જીનીયરીંગ કોલેજના ચાલુ સત્ર દરમ્યાન એડમીશન રદ કરવા વિદ્યાર્થી દ્વારા થયેલ અરજી રદ

વિદ્યાર્થી અધુરો અભ્યાસ છોડે તો બાકીની સત્ર-ફી ભરવી પડેઃ મહત્વનો ચુકાદો

રાજકોટ, તા.૧૯: રાજકોટ જીલ્લાના કન્ઝયુમર ફોરમ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવેલ છે.રાજકોટ શહેરના પાર્થ દિલીપભાઇ કાચા નામના વિદ્યાર્થી દ્વારા જીલ્લા ગ્રાહક ફોરમ સમક્ષ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ વગેરે સામે ત્રીજા સેમેસ્ટરના અભ્યાસ દરમ્યાન પોતાને વાતાવરણ અનુકુળ આવતુ ન હોવાના કારણસર કોલેજ બદલાવવી હોય, પોતાનુ એડમીશન રદ કરાવીને અન્ય કોલેજમાં એડમીશન મળી શકે તે માટે એન.ઓ.સી. કોલેજ પાસે માંગેલ હતુ. તેમજ ભરેલ ફી વગેરેની રકમ રૂ.૪૬,૦૦૦/ રીફંડ માંગેલ હતી. પરંતુ વિદ્યાર્થીના જણાવ્યા મુજબ તેની ઉપરોકત માંગણી કોલેજ દ્વારા અમાન્ય રખાતા કોલેજે સેવામાં કસૂર કરેલ હોય, તેવા આક્ષેપ સાથે જીલ્લા ફોરમ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી. વિદ્યાર્થીની આ રજુઆત સામે વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ દ્વારા ફોરમ સમક્ષ રજુઆત કરવામાં આવેલી કે ફરીયાદી વિદ્યાર્થીએ ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ લીધા બાદ જી.ટી.યુ એન રોલમેન્ટ ફોર્મ પ્રક્રિયા પુર્ણ કરેલ તથા યુનિવર્સિટીમાંથી એનરોલમેન્ટ નંબર પણ મેળવેલ છે. તેમજ ફરીયાદીએ જી.ટી.યુ.પરીક્ષાનું ફોર્મ પણ ભરેલ છે. જેની હોલ ટીકીટ પણ જી.ટી.યુ. દ્વારા ફરીયાદીને મોકલવામાં આવેલ છે.

ફરીયાદીએ સેમેસ્ટર-૪ માં અભ્યાસ કરવા માટે સક્ષમતા ધરાવે છે. ફરીયાદીનું નામ સેમેસ્ટર-૪ માટે હોલ કોલ ઉપર ચાલુ છે અને તે સેમેસ્ટર-૪ ની સત્ર ફી તેમજ અન્ય મળીને રૂ.૪૩,૦૦૦/ તા.૧૯/૨/૨૦૧૮ સુધીમાં ફરીયાદીએ ભરી દેવાના હતા જે દંડાત્મક રકમ સહીત કોલેજને ફરીયાદી પાસેથી લેવાની થાય છે. વિશેષમાં એવી પણ રજુઆત કોલેજ દ્વારા કરવામાં આવેલી હતી કે વિદ્યાર્થી અધુરો અભ્યાસક્રમ છોડીને જાય તો બાકી રહેતા સત્રની ફી કોઇપણ સંજોગોમાં પરત મળવા પાત્ર નથી પરંતુ સાથોસાથ એસીપીસીના નિયમ મુજબ ફરીયાદીએ ચોથા સત્રની ફી પણ ભરવાની થાય છે. કોલેજ દ્વારા કોઇપણ રીતે સેવામાં કસુર થયેલ નથી વિદ્યાર્થી ફરીયાદી પોતે જ માત્ર જવાબદાર છે.

જીલ્લા ફોરમ દ્વારા બંને પક્ષકારોના એડવોકેટશ્રીઓની દલીલ-રજુઆત તથા દસ્તાવેજોને ધ્યાને લઇને વી.વી.પી.કોલેજની રજુઆતને માન્ય રાખીને ફરીયાદી વિદ્યાર્થીની અરજી રદ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં વી.વી.પી.એન્જીનીયરીંગ કોલેજ વતી એડવોકેટશ્રી અભય ભારદ્વાજ, જયદેવ શુકલ, વાય.પી.જાડેજા તેમજ મુખ્ય રજુઆત કરનાર એડવોકેટશ્રી કપીલ શુકલ રોકાયેલા હતા.

(3:33 pm IST)