રાજકોટ
News of Friday, 19th October 2018

વીઆઈપી-નવરાત્રી બંદોબસ્તથી થાકેલી પોલીસ અને પરિવાર માટે કાલે રેસકોર્ષમાં ભવ્ય રાસોત્સવ

ખ્યાતનામ ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી, સમીર, માના રાવલ અને સેંકડો દિવાની આરતી માટે જાણીતા આરતી સ્પેશ્યાલીસ્ટ ભરત બારૈયા જમાવટ કરશેઃ પોલીસ પરિવાર, મહેસુલી તંત્ર અને મ્યુનિસિપલ તંત્રના કર્મચારીઓને પરંપરાગત વસ્ત્રોમાં ગરબા રમવા આવવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની અપીલઃ મેદાનની ક્ષમતા મુજબ આમ નાગરીકોને પણ વિનામૂલ્યે પ્રવેશ આપવાની પોલીસ કમિશ્નરની જાહેરાત

રાજકોટ, તા. ૧૯ :. લાંબા સમયથી વીઆઈપીઓની સલામતી અને નવરાત્રીનુ પર્વ લોકો રંગેચંગે ઉજવે તે માટે સતત સજાગ રહી થાકેલી શહેર પોલીસ અને પરિવાર માટે સુરક્ષા સેતુ અંતર્ગત આવતીકાલે ભવ્ય રાસોત્સવનું આયોજન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેના સુરભી દાંડીયા રાસના સ્થળે સાંજે ૭ થી ૧૦ વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યુ છે. આ બારામાં માહિતી આપતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ જણાવ્યુ હતુ કે, પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ પોતાના પરિવારો સાથે તહેવારો ઉજવી શકતા નથી. ઉત્સવ પૂર્ણ થયા બાદ ઉત્સવનો માહોલ માણી શકે તે માટે આવતીકાલે પોલીસ પરિવારો માટે એક દિવસીય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જાણીતા આંતરરાષ્ટ્રીય કલાકાર કિર્તીદાન ગઢવી, સમીર-માના રાવલ અને આરતી સ્પેશ્યાલીસ્ટ ભરત બારૈયાએ પોલીસના આમંત્રણને માન આપ્યુ છે. આવતીકાલે આ લોકો પોતાની કલાના કામણ સ્ટેજ ઉપરથી પાથરશે અને પોલીસ પરિવારોને મોજ કરાવશે. શ્રી અગ્રવાલે જણાવ્યુ હતુ કે આ આયોજનમાં ભાગ લેવા મહેસુલી તંત્રી, મ્યુનિસિપલ તંત્ર અને પત્રકારોને પણ ભાવભર્યુ આમંત્રણ આપુ છું. પરંપરાગત ડ્રેસમાં મેદાનની કેપેસીટી મુજબ આમ નાગરીકોમાંથી અગ્રતાક્રમે મહિલાઓ અને ત્યાર બાદ પુરૂષોને પણ વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.(૨.૨૪)

(3:27 pm IST)