રાજકોટ
News of Thursday, 19th September 2019

કલેકટર કચેરીમાં હવે ઓપન રેવન્યુ કોર્ટઃ સીંગલ યુઝ પ્લાસ્ટીક અંગે વિકલ્પ વિચારાઇ રહ્યો છેઃ ઇ-સ્ટેમ્પીંગ અંગે વધુ ને વધુ એજન્સી

રાજકોટના લોકો પ્રેમાળ-સારા છેઃ પ્લાસ્ટીક અંગે લોકોમાં નવી ટેકનોલોજી-જાગૃતિ લાવશે... : હાલ ઇ-સ્ટેમ્પીંગ અંગે સ્ટોક હોલ્ડીંગને અધિકૃત કરાયા છેઃ કલેકટરની પત્રકારો સાથે વાતચીત : કોઇ એવી ઘટના બને ત્યારે ડાયરેકટ મેસેજ કરી શકો છોઃ એડીશ્નલ કલેકટર બધુ આપી જ દે છેઃ કલેકટરનો નિર્દેશ

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ જીલ્લા કલેકટર તરીકે ૧પ દિ' પહેલા ચાર્જ સંભાળનાર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતું કે રાજકોટમાં સારો અનુભવ રહ્યો, અહીંના લોકો સારા છે, અને પ્રેમાળ છે.

તેમણે ઉમેર્યું હતું કે કલેકટર કચેરીના દરેક માળ, રેકર્ડ રૂમમાં તમામ પ્રકારની સફાઇ-વર્ગીકરણ કરી નખાયું છે.

હવે કલેકટર કચેરીમાં રેવન્યુ કોર્ટ હોય  ત્યારે હવે ઓપન રેવન્યુ કોર્ટ જ રહેશે, અરજદાર અને સામેવાળા બંનેને સાંભળવામાં આવશે, અને લોકો જાણી પણ શકશે.

તેવી જ રીતે બીનખેતી અને અન્ય કેસોમાં પણ દર ૧પ દિવસે બુધવારે ઓપન હાઉસ યોજાશે, અરજદારોને તેમની ફાઇલો અંગેના નિર્ણયો - હુકમો હાથોહાથ આપી દેવાશે.

તેમણે ૧ લી ઓકટોબરથી શરૂ થનાર સીંગલ યુઝ પ્લાસ્ટીક અંગે કહયું હતું કે, ટૂંક સમયમાં આ અંગે કોર્પોરેશન-જીલ્લા પંચાયત સાથે મીટીંગ યોજી તે અંગે વિકલ્પ વિચારી લેવાશે. આ માટે નવી ટેકનોલોજી, લોકોમાં જાગૃતિ આવે, અને પ્લાસ્ટીકને બદલે બીજું મટીરીયલ્સ કેવી રીતે ચાલે, શું શું કરવુ. તે અંગે પણ વિચારાઇ રહ્યું છે.

કલેકટર શ્રી રેમ્યા મોહને ઉમેર્યુ હતું કે, સાઉથ ઇન્ડીયામાં સ્ટાર્ચનું ચલણ અમલમાં છે, રાજકોટ શહેર - જીલ્લામાં આ શકય છે, કે તે અંગે પણ મીટીંગમાં ચર્ચા કરાશે, રાજકોટથી પાયલોટ પ્રોજેકટ અમલમાં આવે તેવો નિર્દેશ તેમણે આપ્યો હતો અને જરૂર પડયે ગુજરાત સરકાર પાસે ગ્રાંટ પણ મંગાશે તેવુ સકારાત્મક વલણ દાખવ્યું હતું.

આગામી તા. ૧ લી ઓકટોબરથી ઇ-સ્ટેમ્પીંગ અમલમાં આવી રહ્યું છે, ફીઝીકલ સ્ટેમ્પનું વેચાણ બંધ થશે.

આ અંગે કલેકટરે જણાવ્યું હતું કે, ગઇકાલે જ તે અંગે વિડીયો કોન્ફરન્સ હતી, અને તેનું માર્ગદર્શન પણ અપાયું હતું.

હાલ રાજકોટ શહેરમાં ર૦ જેટલા સ્ટેમ્પ વેન્ડરો છે, તેમને અરજી ફોર્મ આપી ઇ-સ્ટેમ્પીંગ-ફ્રેન્કીંગ મશીન અંગે કહેવાયું છે, આ ઉરાંત સીએ, સીએસ, જનસેવા કેન્દ્રો, મામલતદાર કચેરીઓ - બેન્કો - પોસ્ટ ઓફીસમાં ફ્રેન્કીંગ મશીન પુનઃ શરૂ કરાવવા અંગે કલેકટરે નિર્દેશ આપ્યો હતો, તેમણે સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશનને આ માટે અધિકૃત કરાયાનું ઉમેર્યું હતું.

રાજકોટ શહેર-જીલ્લામાં મહેસુલી સ્ટાફની અછત અંગે તેમણે ઉમેર્યુ હતું કે, સ્ટાફની અછત છે, પરંતુ ટૂંક સમયમાં જ ઓર્ડરો થઇ જશે તે પણ હકિકત છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે, મીડીયા માટે અલગથી વોટસઅપ ગ્રુપ બનાવવું એ હાલ જરૂરી નથી, કારણ કે એટલા બધા નોટીફીકેશન આવે છે કે સમયનો બગાડ થાય છે, પરંતુ એવી કોઇ ઘટના બને કે પોતાને જાણ કરવી હોય ત્યારે મીડીયાપીપલ વોટસઅપ કે કોલ કરી શકે છે, બાકી ન્યુઝ તો એડીશ્નલ કલેકટર આપી દે છે.

(3:25 pm IST)