રાજકોટ
News of Monday, 19th August 2019

રાજકોટમાં વિનામૂલ્યે મેગા કરાઓકે સ્પર્ધા

આવતા મહિને ઓડીશન : ફોર્મ વિતરણ શરૂ, તા.૨ સુધીમાં ભરી દેવા

રાજકોટ, તા. ૧૯ : કરાઓકે ટેકનોલોજીએ લોકોના ગાવાના શોખને ખીલવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. પાંચેક વર્ષથી કરાઓકે ઉપર ગીતો ગાવાનો ટ્રેન્ડ વધતો જાય છે. હવે ઘણા કરાઓકે સીંગર આ ટેકનોલોજીને આધારે બહાર આવ્યા છે. જો કે ઘણા માત્ર શોખને ખાતર કરાઓકે પર ગાતા હોય છે. શોખ હોય કે પ્રોફેશ્નલ સીંગર તમામને મોટા પ્લેટફોર્મ પર પોતાની કલા રજૂ કરવાની તક મળે તે માટે રાજકોટની શ્રી મનુભાઈ વોરા મેમોરીયલ ફાઉન્ડેશન, સીઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ અને ફૂલછાબ દ્વારા સતત ત્રણ વર્ષથી કરાઓકે સ્પર્ધા યોજવામાં આવે છે. ચોથી ઓપન સૌરાષ્ટ્ર - કચ્છ કરાઓકે સ્પર્ધાનું આયોજન સપ્ટેમ્બર મહિના દરમિયાન કરવામાં આવ્યુ છે.

ઓપન સૌરાષ્ટ્ર - કચ્છ કરાઓકે સીંગીંગ સ્પર્ધાનો ઓડીશન રાઉન્ડ આગામી તા.૮મી સપ્ટેમ્બરના રવિવારે સીઝન્સ સ્કવેર મોલના એકોસ્ટીક હોલમાં, અમીન માર્ગ ખાતે યોજવામાં આવશે. સમગ્ર સ્પર્ધા નિઃશુલ્ક છે. સ્પર્ધા માટેના ફોર્મનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. ફોર્મ તા.૨ સપ્ટેમ્બર સુધી સ્વીકારવામાં આવશે.

કરાઓકે સીંગીંગ સ્પર્ધા ઓડીશન, સેમીફાઈનલ અને ફાઈનલ એમ કુલ ત્રણ રાઉન્ડમાં યોજાશે. સ્પર્ધા ફકત સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર પુરતી સીમીત રાખવામાં આવી છે. સ્પર્ધા બે કેટેગરીમાં યોજાશે. પ્રથમ કેટેગરીમાં ૮ થી ૧૮ વર્ષની ઉંમરના સ્પર્ધકો અને બીજી કેટેગરીમાં ૧૮ વર્ષથી ઉપરના સ્પર્ધકો ભાગ લઈ શકશે. કરાઓકે ટ્રેક આધારીત સ્પર્ધા હોવાને લીધે ટ્રેક સિવાય ગીતો ગાવાની છૂટ આપવામાં આવશે નહિં તેમ યાદીમાં જણાવાયુ છે.

ફોર્મ ભરીને જમા કરાવવાની છેલ્લી તા.૨ સપ્ટેમ્બર છે. સ્પર્ધા માટેના ફોર્મ સીઝન્સ સ્કવેર મોલ, અમીન માર્ગ, સાગર ટાવરની સામે, રાજકોટ ખાતેથી મળશે.  વધુ વિગતો માટે મો.૯૬૩૮૪ ૦૧૬૮૧ ઉપર સંપર્ક કરવો.

તસ્વીરમાં સવશ્રી ભરતભાઈ દુદકીયા, તારેશ બુચ, બિમલભાઈ ત્રિવેદી, કુનાલ જોષી, વિશ્વા ત્રિવેદી, ભકિત બુચ અને નિલય ઉપાધ્યાય નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:33 pm IST)