રાજકોટ
News of Monday, 19th August 2019

ખેતીના પાકને ભૂંડથી બચાવોઃ નિર્દોષ ખેડૂતનો ભોગ લીધો છેઃ સરકાર ૧૦ લાખની સહાય આપેઃ યોગ્ય નહિ થાય તો રસ્તા રોકો

ભારતીય કિસાન સંઘનું કલેકટરને આવેદનઃ સૂત્રોચ્ચારઃ આશ્ચર્યજનક કાર્યક્રમ અપાશે

ભારતીય કિસાન સંઘના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવ્યુ હતું (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૯ :. ભારતીય કિસાન સંઘ રાજકોટ એકમે કલેકટરને આવેદન પાઠવી ખેતીના પાકને નુકશાન કરતા ભૂંડોએ નિર્દોષ ખેડૂતનો જીવ લીધો અને ભૂંડ અને રોઝના ત્રાસથી ખેતી અને ખેડૂતને બચાવવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતુ કે, તાજેતરમાં જામકંડોરણા તાલુકાના બોળીયા ગામના ખેડૂત ઉપર ભૂંડ દ્વારા જીવલેણ હુમલો કરતા ખેડૂત ગંભીર રીતે ઘાયલ થતા તેનું મૃત્યુ થયેલ છે. આ ઉપરાંત જસદણ તાલુકાના થળવાવડી ગામે વૃદ્ધ ખેડૂતને ખૂબ જ ખરાબ રીતે ઘાયલ કરેલ છે. તેથી પીડિત પરિવારને તાત્કાલિક સહાય ૧૦ લાક રૂપિયા સરકાર દ્વારા આપવામાં એવી તેવી સમગ્ર ખેડૂત પરિવાર તથા ભારતીય કિસાન સંઘની લાગણી છે.

ભૂંડ અને રોઝ જેવા જંગલી પ્રાણીઓથી ખેડૂતોને રક્ષણ આપવા ભારતીય કિસાન સંઘે અનેક વખત સરકારને રજૂઆતો કરેલ છે. આ પ્રકારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓએ રજૂઆત કરવામાં આવેલ છે તેમ છતા સરકારે ઘટતા પગલા ન લેતા ખેડૂતોનો ભોગ લેવાય છે.

તાજેતરમાં ભૂંડ હુમલાથી એક ખેડૂતનું મોત થયેલ છે અને આવી દુર્ઘટના ભૂતકાળમાં અનેક વખત બનેલ છે છતા સરકારના પેટનું પાણી હલતુ નથી જે ખેડૂતો માટે દુઃખદ બાબત છે. આજથી ૨૫ વર્ષ પહેલા ગામડામાં એક પણ ભૂંડ ન હતુ જે શહેરનું પ્રાણી હતુ તેને સરકાર દ્વારા શહેરમાંથી પકડીને ગામડામાં છોડી દેવામાં આવ્યા છે. જે હવે ગામડામાં ખૂબ નડતર રૂપ પ્રાણી બની ગયુ છે. જે શહેરમાં કચરા સફાઈનું કામ કરતા હતા. જે જંગલી જાનવરો ગામ અને ખેતીને નુકસાન કરે છે. સરકારની યોજના દ્વારા ખેડૂતોને ફેન્સીંગ માટે સબસીડી ગ્રુપમાં આપવામાં આવે છે. જે આજના સમય મુજબ વ્યકિતગત રીતે ખેડૂતોના હિતમાં નથી. તેથી સરકાર નિરપેક્ષ ભાવે પોતાનું ધ્યાન આ સંવેદનશીલ મુદ્દા તરફ દોરવે અને સબસીડીમાં વ્યકિતગત ખેડૂત દીઠ વધારો કરી આપે તે જ સૌની લાગણી તથા માગણી છે. સરકાર દ્વારા અમારી માંગણીનો તાત્કાલિક યુદ્ધના ધોરણે નિકાલ કરવામાં નહી આવે તો ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારની સામે વિરોધ પ્રદર્શન, આશ્ચર્યજનક કાર્યક્રમ, રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ કરવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. આવેદનપત્ર દેવામાં ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, રમેશભાઈ ચોવટીયા, પ્રભુદાસભાઈ મણવર, ભરતભાઈ પીપળીયા, જીવનભાઈ વાછાણી, મનોજભાઈ ડોબરીયા, ઠાકરશીભાઈ પીપળીયા, રમેશભાઈ હાપલીયા, પરેશભાઈ રૈયાણી, ધર્મેશભાઈ સોરઠીયા, બચુભાઈ ધામી, જીતુભાઈ સંતોકી, મધુભાઈ પાંભર વિગેરે જોડાયા હતા.

(4:29 pm IST)