રાજકોટ
News of Monday, 19th August 2019

ગ્રાહકોની મુશ્કેલીઓ દૂર કરવાનું અમારૂ લક્ષ્યઃ ગિરીશ કારીયા

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની મળી ગયેલ ઝોનલ બેઠક

રાજકોટ : નાણાકીય સેવા વિભાગ, નવી દિલ્હી અને બેંકની સેન્ટ્રલ અને ઝોનલ ઓફીસો દ્વારા અપાયેલ નિર્દેશો અનુસાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા રીજીયોનલ ઓફીસ દ્વારા પોતાની ૫૫ શાખાઓના બ્રાંચ મેનેજરો માટે ૨ દિવસના મંથન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ અત્યંત મહત્વપૂર્ણ મંથન કાર્યક્રમના પહેલા દિવસે બેન્કના અમદાવાદ ઝોનના ફિલ્ડ જનરલ મેનેજર શ્રી ગીરીશ કારીયા અને રાજકોટ રીજીયનના રીજીયોનલ મેનેજર શ્રી સંજય મલ્લિકે બ્રાંચ મેનેજરોને સંબોધિત કર્યા હતા.

આ અભિનવ કાર્યક્રમમાં બ્રાન્ચ મેનેજરોને કહેવાયુ કે તેઓ પોતાના કાર્યની સ્વયં સમીક્ષા કરે અને સાથે જ બેંકીંગ સેકટર સામે આવી રહેલી વિભિન્ન સમસ્યાઓ અંગે, તેના નિરાકરણના ઉપાયો સુચવતા પોતાના વિચારો રજૂ કરે જેનાથી બેંકીંગ વ્યવસાય અને આર્થિક વ્યવસ્થામાં સુધારો થઈ શકે. આ બે દિવસીય કાર્યક્રમમાં વિભિન્ન ક્ષેત્રોને અપાતી લોનોને વધારવાના ઉપાયો પર મંથન કરવામાં આવશે જેથી ભારતીય અર્થવ્યવસ્થાને ગતિ મળે.

શ્રી કારીયાજીએ પોતાના સંબોધનમાં કહ્યું કે બેન્કીંગ ક્ષેત્રએ સીનીયર સીટીઝનો,  ખેડૂતો, લઘુ ઉદ્યોગકારો, યુવાઓ, વિદ્યાર્થીઓ અને મહિલાઓની જરૂરીયાતો અને અપેક્ષાઓ પૂરી કરવાની સાથે જ મુખ્ય રૂપે નાગરીક કેન્દ્રીત બનવુ જોઈએ.

આ કાર્યક્રમમાં બેન્કની કાર્ય પ્રણાલીની સમીક્ષા કરવાની સાથે સાથે અર્થવ્યવસ્થાના વિકાસ માટે લોનની આધારભૂત સુવિધાઓ, ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર, જળશકિત, એમ એસ એમ ઈ ક્ષેત્ર અને મુદ્રા લોન, શિક્ષણ લોન, નિકાસ લોન, ગ્રીન ઈકોનોમી, સ્વચ્છ ભારત, કેશલેસ લેવડ-દેવડ તથા બેંકની કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી પર પણ મંથન કરાશે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બેંકની કાર્યપ્રણાલીમાં સુધારો લાવવાનો અને ભાવિ યોજનાઓ તૈયાર કરવા માટેના સુચનો મેળવીને બેંકને ગતિ આપવાનો છે.

ગીરીશ કારીયાએ બ્રાન્ચ મેનેજરોને તેમની બધી જવાબદારીઓ બાબતે શુભકામનાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રીજીયોનલ મેનેજર શ્રી સંજય મલ્લિકે સફળતાપૂર્વક કર્યુ હતુ.

(4:26 pm IST)