રાજકોટ
News of Monday, 19th August 2019

જન્માષ્ટમી પર્વ મોજથી મનાવજોઃ હજુ અઠવાડીયુ નોંધપાત્ર વરસાદ નહિઃ હવામાન નિષ્ણાંતોનો નિર્દેશ

રાજકોટ, તા. ૧૯ :. ગુજરાતમાં એકાદ મહિનો સુધી સતત હાજરી પુરાવ્યા બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. તહેવારોમાં વરસાદી વિઘ્નો આવે તેવા કોઈ એંધાણ ન હોવાનું હવામાન નિષ્ણાંતોએ સરકારને જણાવ્યુ છે. સામાન્ય રીતે વરસાદી સીસ્ટમ સર્જાતા પહેલા એકાદ અઠવાડીયે તેના વૈજ્ઞાનિક ઢબે એંધાણ મળી જતા હોય છે. અત્યારે આવા કોઈ એંધાણ નથી તેનો મતલબ આવતુ ઓછામાં ઓછું એકાદ અઠવાડીયુ રાજ્યમાં સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ પડે તેવી સંભાવના નથી. કુદરતી રીતે વાતાવરણ ગમે ત્યારે બદલાઈ શકે છે.

તા. ૨૨ થી ૨૪ જન્માષ્ટમીના તહેવારો છે. તે દિવસોમાં કયાંય ભારે વરસાદ પડે તેવા અત્યારના સંજોગો નથી. લોકો લોકમેળાની મજા વરસાદી વિઘ્ન વિના માણી શકે તેવી આશા દ્રઢ બની છે. થોડા દિવસો પહેલા જ સારો વરસાદ થઈ ગયો હોવાથી લોકો અને ખેડૂતોના હૈયે હરખ છે. આજે સવારથી ૨૬ તાલુકાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. જેમાં અરવલ્લીના ધનસુરા અને મેઘરજમાં એક - એક ઈંચ જેટલો વરસાદ થયો છે. જાંબુઘોડા અને ઘોઘંબા (પંચમહાલ)માં અડધોથી પોણો ઈંચ વરસાદ થયો છે. દાહોદ, ઝાલોદ, માળીયાહાટીના, ચીખલી, જૂનાગઢ, ગણદેવી, તિલકવાડા વગેરેમાં સવારથી બપોર સુધીમાં હળવા ઝાપટા પડયા છે.

(4:26 pm IST)