રાજકોટ
News of Monday, 19th August 2019

સ્ટોક એક્ષચેંજની સબસીડીયરીના વેંચાણનું પેમેન્ટ આવતીકાલે આવી જશેઃ ૩૪૭ સભ્યોની સાતમ આઠમ સુધરી ગઇ : અઢીથી ત્રણ લાખ રૂપિયા મળશે

૧૧.રપ કરોડમાં સોદો થયો હતો : હવે સ્ટોક એક્ષચેંજની બોર્ડની મીટીંગમાં નાણાની વહેંચણી કઇ રીતે કરવી તેની રૂપરેખા નક્કી થશે : સેક્રેટરી કન્સલટન્ટ નિખિલ ગજ્જર

રાજકોટ, તા. ૧૯ : સૌરાષ્ટ્ર કચ્છ સ્ટોક એક્ષચેંજની સબસીડીયરી એવી એસકેએસઇ સીકયુરીટીના વેચાણ માટેની તમામ પ્રક્રિયાઓ પૂરી થયા બાદ હવે જેની ૩૪૭ સભ્યો રાહ જોઇ રહ્યા છે તે વેંચાણના નાણા આવતીકાલે સ્ટોક એક્ષચેંજના હાથમાં આવી જશે અને આ સભ્યોની સાતમ આઠમ સુધરી જશે.

આ અંગે સ્ટોક એક્ષચેંજના સેક્રેટરી કન્સલટન્ટ નિખિલ ગજ્જરે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સીકયુરીટીના વેચાણનું પેમેન્ટ મોટાભાગે આવતીકાલે મળી જશે અને સમગ્ર વેંચાણની પ્રક્રિયાનો અંત આવશે. આ સાથે સબસીડીયરી હવે સ્ટોક એક્ષચેંજના નિયંત્રણમાંથી મુકત થઇ જશે. તેમણે જણાવ્યું હતું કે, રૂ. ૧૧.રપ કરોડમાં સબસીડીયરી વેંચવાનો સોદો થયો હતો જેને સેબી, એનએસઇ, બીએસઇ, આરઓસી વગેરેમાંથી મંજૂરી મળી જવા પામી છે.

તેમણે જણાવ્યું હતું કે આવતીકાલે પેમેન્ટ મળી ગયા બાદ ટુંક સમયમાં ઉપલા બોર્ડ એટલે કે સ્ટોક એક્ષચેંજના ડાયરેકટરોની મીટીંગ મળશે અને વેચાણના મળેલા નાણાની વહેચણી ૩૪૭ સભ્યો વચ્ચે કઇ રીતે કરવી તેની રૂપરેખા ઘડી કાઢશે. એક અંદાજ મુજબ દરેક શેર હોલ્ડરને અઢીથી ત્રણ લાખ રૂપિયા મળશે.

તેમણે અકિલાને વધુમાં જણાવ્યું હતું કે આ સપ્તાહથી જ સીકયુરીટી હવે નવા પ્રમોટર એટલે કે સોનમ કલોકના હસ્તક થઇ જશે અને તે નવા નામ સાથે ફરી ધમધમતી થશે. અત્રે એ નોંધનીય છે કે સ્ટોક એક્ષચેંજે સબસીડીયરી વેંચવાનો નિર્ણય લીધો હતો જેની પ્રક્રિયા હવે પૂરી થઇ રહી છે.

સ્ટોક એક્ષચેંજના સેક્રેટરી કન્સલટન્ટ નિખિલ ગજ્જરે આ સોદો સારી રીતે પાર પડે તે માટે તમામ લીગલ પ્રોસીજરો પૂરી કરી હતી. તેમણે સેબીથી માંડીને આરઓસી સુધી મંજુરી મેળવવા માટે અથાગ પ્રયાસો કર્યા હતાં અને આ પ્રયાસોને કારણે જ કોઇ પણ અડચણ વગર આ સોદો પાર પડયો છે. નિખિલ ગજ્જરે કરેલી કામગીરીને બન્ને બોર્ડના ડાયરેકટરોએ એક અવાજે વખાણી છે. યુવા સેક્રેટરી કન્સલટન્ટ નિખિલ ગજ્જરની છાપ એક બાહોશ અધિકારી તરીકેની છે.

(4:28 pm IST)