રાજકોટ
News of Monday, 19th August 2019

બાળકને રૂમમાં પુરી વિકૃત હરકતો કરનાર ભવનાથ પાર્કનો ભરત ખૂંટ જેલ ભેગો થયો

ફરિયાદ થતાં ભાગી ગયો'તોઃ ભકિતનગર પોલીસે પકડી હવસખોરીનું ભૂત ઉતાર્યુ

રાજકોટ તા. ૧૯: કોઠારીયા રોડ પર હરિ ધવા માર્ગ ભવનાથ પાર્ક-૨ શેરી નં. ૧૧માં રહેતાં અને કારખાનામાં જોબ વર્ક કરતાં ભરત વેલજીભાઇ ખુંટ (ઉ.૪૦) નામના પટેલ શખ્સે એક ૯ વર્ષના બાળકને રૂમમાં પુરી હવસખોરી સંતોષવા ન કરવાનું કરતાં અને વિકૃત અડપલા કરી ઘરે જઇ તારી માતા સાથે પણ આવું કરજે...તેમ કહ્યું હતું. પચ્ચીસેક દિવસમાં પાંચેક વખત આવું થતાં હેબતાઇ ગયેલા બાળકે પોતાના માતા-પિતાને વાત કરતાં સમગ્ર પરિવારજનો આ ઢગાના ઘરે પહોંચતા અને ધોલધપાટ થતાં તે ભાગી ગયો હતો. ભકિતનગર પોલીસ સુધી મામલો પહોંચતા પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ભાગી ગયેલા આ શખ્સને શોધી કાઢી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલહવાલે કરવા હુકમ થયો હતો.

ગંભીર ગુનામાં આરોપી ફરાર થઇ ગયો હોઇ તેને તાકીદે શોધી કાઢવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજય ચોૈધરી, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની અને એસીપી એચ.એલ. રાઠોડે સુચના આપતાં પી.આઇ વી.કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, આર.એન. સાંકળીયા, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, મહેન્દ્રસિંહ ડોડીયા, રણજીતસિંહ પઢારીયા, કોન્સ. દેવાભાઇ ધરજીયા, દિવ્યરાજસિંહ ઝાલા, ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, પ્રવિણભાઇ જામંગ, મનિષભાઇ શિરોડીયા સહિતની ટીમે દોડધામ શરૂ કરી હતી.

દરમિયાન પીએસઆઇ સાંકળીયા અને વિક્રમભાઇ ગમારાની બાતમી પરથી ભરત ખુંટને ઝડપી લેવાયો હતો. તેણે પોલીસ સમક્ષ પોતાને ખોટી રીતે ફસાવી દેવાયાનું રટણ કર્યુ હતું. પોલીસે હવસખોરીનું ભૂત ઉતારી નાંખ્યું હતું. કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલહવાલેનો હુકમ થયો હતો.

(4:12 pm IST)