રાજકોટ
News of Monday, 19th August 2019

સાતમ-આઠમના તહેવાર અંતર્ગત ડીસીપી ઝોન-૧નું આજીડેમ પોલીસની ટીમોને સાથે રાખી સઘન ચેકીંગ

આજીડેમ ચોકડીએ વાહન ચેકીંગ, આજી ડેમ ખાતે ટ્રાફિક નિયમનની કામગીરી અને રોમિયોગીરી કરનારા સામે સરાજાહેર આકરી કાર્યવાહીઃ રવિવારી બજારમાં ફૂટ પેટ્રોલિંગ

રાજકોટઃ સાતમ-આઠમના તહેવાર નજીક હોઇ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશનર અજય ચોૈધરીએ તમામ પોલીસ મથકના સ્ટાફને સતત વાહન ચેકીંગ તથા મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલીંગ અને જુના ગુનેગારો પર વોચ રાખવા સુચના આપી હોઇ તે અંતર્ગત રવિવારે સાંજે ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈની તથા એસીપી એચ. એલ. રાઠોડ અને આજીડેમ પોલીસ મથકના ઇન્ચાર્જ એમ. જે. રાઠોડ, મહિલા પોલીસ મથકના પીએસઆઇ એ. જે. લાઠીયા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલની ટીમોએ આજીડેમ ચોકડી ખાતે વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી. મહિલાઓના વાહનોને પણ ચેક કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત આજીડેમ ખાતે ફરવા આવેલા, ડેમ જોવા આવેલા સહેલાણીઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સુચના અપાઇ હતી અને અમુક સામે ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત આજીડેમે રવિવારે મોટી સંખ્યામાં લોકો સપરિવાર ફરવા આવ્યા હોઇ અમુક રોમીયાઓ પણ અહિ ઉમટી પડ્યા હતાં. આ છેલબટાઉને મહિલા પી.એસ.આઇ. લાઠીયા અને તેમની ટીમે શોધી કાઢી સરાજાહેર કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ઉપરાંત ડીસીપી રવિકુમાર સૈની અને ટીમે રવિવારી બજારમાં પણ ફૂટ પેટ્રોલીંગ કર્યુ હતું. અન્ય ટીમોએ અગાઉ દારૂ, મારામારી સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા શખ્સો વિશે તપાસ કરી હતી અને શાંતિ રાખવા કડક સુચના આપી હતી. તસ્વીરોમાં ડીસીપી સૈની તથા ટીમ આજીડેમના ગેઇટ પાસે તથા અન્ય તસ્વીરોમાં વાહન ચેકીંગ, બગીચાઓમાં ચેકીંગની કામગીરીના દ્રશ્યો જોઇ શકાય છે.

(4:09 pm IST)